Mysamachar.in: રાજકોટ
સર્વજ્ઞાતિય સમૂહલગ્નના એક સમારોહમાં ઉપસ્થિત 28 કન્યાઓ આયોજકોના ખેલને કારણે ચોધાર આંસુએ રડી પડી. અને, 28 વરરાજાઓને ‘સાફો’ ભારે લાગવા માંડ્યો. યુગલોના માતાપિતાઓ અને સેંકડો જાનૈયાઓ ચિંતાઓ અને ઘેરી મૂંઝવણમાં ડૂબી ગયા કે, હવે શું થશે ?! કારણ કે, ખરે ટાણે જ જાહેર થયું કે- આ સમારોહના 3 મુખ્ય આયોજકો સમારોહ છોડી નાસી ગયા છે !

રાજકોટમાં માધાપર ચોકડી- બેડી ચોકડી વચ્ચેની, માધાપર ચોકડી નજીકની એક જગ્યાએ સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન થયેલું. આ આયોજન ઋષિ નામના કોઈ ગ્રૂપ દ્વારા થયેલું. આ સમારોહમાં 28 જાન અને 28 કન્યાઓના પરિવારજનો સજીધજી અરમાનો સાથે સમારોહ સ્થળે પહોંચ્યા ત્યારે જાણ થઈ કે, ખુદ આયોજકો આ સમારોહ છોડી ‘ભાગી’ ગયા છે ! આ વિગતો જાહેર થતાં જ કોડવંતી કન્યાઓ રડી પડી. જાનૈયા, યુગલોના માબાપો અને પરિવારજનો સૌ મૂંઝાયા. હવે શું થશે ?!
આ સમારોહમાં રાજકોટ મેયર નયના પેઢારિયા પણ નિમંત્રણને માન આપી મહાનુભાવ તરીકે સમારોહ સ્થળે ગયેલાં પરંતુ જાનૈયાઓએ એમને ઘેરી લીધાં, હોબાળો મચી ગયો. મેયર સમારોહમાં જઈ શક્યા નહીં કેમ કે, આયોજકો ‘ભાગી’ ગયાની બબાલ મોટી થઈ ગઈ. જે 3 આયોજકો ‘ભાગી’ ગયા છે, તેમના નામો- ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ અને દિપક હીરાણી જાહેર થયા છે. આ આખી બબાલ સવારે 4 થી 6 દરમિયાન બની હોવાનું બહાર આવ્યું છે.
આ સમગ્ર બબાલની ગંભીરતા ધ્યાને લઈ રાજકોટ DCP ઝોન-1 સજજનસિંહ પરમારે કહ્યું, આ તમામ વરઘોડિયાના લગ્નો રાજકોટ પોલીસ કરાવી આપશે. DCPના આ આશ્વાસનને કારણે સૌ સંબંધિતોએ રાહતનો શ્વાસ લીધો.
