Mysamachar.in:અમદાવાદ
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદના ત્રણ રાઉન્ડે રેલમછેલ કર્યા બાદ ત્રીજા રાઉન્ડમાં શું થશે તેના પર નજર છે. સૌથી વધુ ખેડૂતો ચિંતિત છે કારણ કે કેટલાક ભાગોમાં સતત થઈ રહેલા ભારે વરસાદથી પાકને તથા ખેતીના કામોને નુકસાન થઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યું હતું કે, આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવનાં વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્રમાં એકાદ સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હાલ ગુજરાત પર કોઈ સિસ્ટમ ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે, આ સાથે દક્ષિણ ગુજરાતના વરસાદ અંગેનું કારણ આપતા જણાવવામાં આવ્યું છે કે, બંગાળની ખાડીના લો-પ્રેશરની અસર દક્ષિણ ગુજરાતના ભાગો પર થઈ શકે છે. આગામી પાંચ દિવસમાં ગુજરાત પર કોઈ નવી વરસાદી સિસ્ટમ બનવાની શક્યતાઓ ન હોવાનું હવામાન વિભાગ જણાવે છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં દક્ષિણ ગુજરાત સિવાય ભારે વરસાદની શક્યતાઓ ન હોવાનું જણાવ્યું છે ત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતોને વરસાદથી રાહત મળી શકે છે. ખેડૂતો માટે વરસાદ જરુરી છે પરંતુ ભારે વરસાદના કારણે પાકને નુકસાન થવાનો ડર રહેલો છે, જેમાં પાછલા સમયમાં થયેલા ભારે વરસાદના કારણે કેટલાક ભાગોમાં ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા હતા જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. એવામાં જો થોડા દિવસો વરસાદનો વિરામ રહે તો ખેડૂતોને વધુ મુશ્કેલીમાં બચી શકાય તેવું છે.