Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતના શિક્ષણ બોર્ડની પડતી ઝડપથી આગળ વધી રહી છે, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંસ્થાઓ ટપોટપ બંધ થઈ રહી છે, બીજી તરફ કેન્દ્રીય શિક્ષણ બોર્ડ હસ્તકની CBSE શિક્ષણ સંસ્થાઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓને CBSE સ્કૂલ તથા બોર્ડ વધુ અનુકૂળ આવી રહ્યા છે. ઉચ્ચ અભ્યાસ અને નોકરીની તકોમાં ગુજરાતના શિક્ષણ બોર્ડની પરીક્ષાઓનું મહત્ત્વ ઘટી રહ્યું છે.
છેલ્લા માત્ર 4 જ વર્ષના આંકડાઓ કહે છે, રાજ્યમાં CBSE શાળાઓની સંખ્યામાં 11,000નો તોતિંગ વધારો થયો છે. અને, બીજી તરફ રાજ્યમાં સ્થાનિક શિક્ષણ બોર્ડ હસ્તકની 6,000થી વધુ શાળાઓને તાળાં લાગી ગયા છે. ગુજરાતના વિદ્યાર્થીઓમાં JEE અને NEET નો ક્રેઝ એકદમ વધી ગયો છે. રાજયનું શિક્ષણ બોર્ડ ધીમેધીમે સંકોચાઈ રહ્યું છે.

રાજ્યના શિક્ષણ બોર્ડ હસ્તકની શાળાઓમાં શાળા સંચાલકોને ફી ઓછી મળે છે. CBSE શાળાઓ ચિક્કાર ફી વસૂલી શકે છે. રાજ્યની શાળાઓમાં ફી પ્રમાણમાં ઓછી હોવાથી આવી શાળાઓ મોંઘા શિક્ષકોને નોકરી આપી શકતી નથી, સામાન્ય શિક્ષકો પાસે વિદ્યાર્થીઓને ભણવું પસંદ નથી. રાજ્યના શિક્ષણ બોર્ડના પાઠય પુસ્તક ગોખણપટ્ટી પર આધારીત છે પરિણામે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાછળ રહી જતાં હોય છે. રાજ્યના શિક્ષણ બોર્ડમાં નીતિઓ સ્થિર નથી, કાયમી નિમણૂંક ક્યારેક જ થાય છે. સેમેસ્ટર અને MCQ સિસ્ટમમાં અવારનવાર ફેરફાર થતાં રહે છે, જેથી વિદ્યાર્થીઓ નારાજ છે અને CBSE માં અભ્યાસ અને પરિણામની ટકાવારી, પાસિંગ સિસ્ટમ સારી છે.
