Mysamachar.in-પોરબંદર:
સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનું કેન્દ્ર બનેલા અને ચાર દિવસ પૂર્વે બરડા ડુંગરમાં થયેલ મહિલા ફોરેસ્ટ ગાર્ડ અને તેના પતિ તથા એક રોજમદારની હત્યા પરથી પોરબંદર એલસીબી સહિતની પોલીસ ટીમે લાંબી જહેમત બાદ પર્દાફાશ કર્યો છે, સાથે જ નોકરી કરતા આરોપી ફોરેસ્ટ ગાર્ડ સાથેના મહિલા ફોરેસ્ટ ગાર્ડના સબંધોમાં ખૂની ખેલ ખેલાયો હોવાનુ સામે આવ્યું છે.અને સબંધો ગાઢ બનાવવાની લાહ્યમાં ટ્રીપલ હત્યાનો બનાવ બન્યાનું સામે આવે છે, આં સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો ગત 16 ઓગસ્ટના ગોવિંદભાઈ સોલંકી દ્વારા પોરબંદરના બગવદર પોલીસમથકમાં પોતાનો પુત્ર કીર્તિ ગોવિંદ સોલંકી, પુત્રવધુ હેતલબેન સોલંકીની ગુમ થવા અંગેની જાણવાજોગ નોંધ કરાવી હતી, જે બાદ પોરબંદર જીલ્લા પોલીસ દ્વારા 100 માણસોની વિવિધ ટીમો બનાવી આ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં સ્નીફર ડોગ, ડ્રોન કેમેરા સહિતની મદદ પણ લેવાઈ હતી, જે બાદ બરડા ડુંગરમાં શોધખોળ હાથ ધરવામાં આવતા 17 તારીખે વહેલી સવારે ત્રણ વ્યક્તિઓની લાશ મળી આવી હતી જેમાં હેતલબેન, કિર્તીભાઈ અને નગાભાઈનો મૃતદેહ હોવાનું જાહેર થયું હતું,
મૃતદેહો મળી આવ્યા બાદ મૃતક કિર્તીભાઈના પિતા દ્વારા આ હત્યાકાંડ પાછળ એલ.ડી.ઓડેદરા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવતા પોલીસે તેને ઉઠાવી લઇ અને સઘન પૂછપરછ કરતા તેને પોલીસ સમક્ષ ગુન્હાની કબુલાત કરી લેતા આજે પોરબંદર પોલીસ દ્વારા આ અંગેની વિગતો જાહેર કરવમાં આવી છે, આરોપી લખમણ દેવસી ઓડેદરાની ઊંડાણપૂર્વકની પૂછપરછમાં પોતે અને હેતલબેન બંને અગાઉ વર્ષ 2017 માં સાથે નોકરી કરતા હતા ત્યારે બંને એકબીજાના સંપર્કોમાં આવ્યા હતા, ત્યારબાદ આરોપી લખમણ ઓડેદરા આ સબંધોને વધુ ગાઢ બનાવવાનો માંગતો હતો. જેની જાણ તેની પત્ની મંજુબેનને થઇ ગઈ હતી. જેને લઈને જે તે સમયે જ આરોપી લખમણ અને તેની પત્ની વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી. પોતાના પતિ સાથેના સબંધને લઈને આરોપીની પત્ની મંજુબેન અને મૃતક હેતલબેન વચ્ચે પણ આ બાબતે અનેક વખત બોલાચાલી થઇ હોવાની વિગતો સામે આવી છે. છેલ્લા વીસ દિવસ પૂર્વે બંને મહિલાઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. જે તે સમયે હેતલબેને મંજુબેનને ધાક ધમકી આપી હોવાનું પણ પોલીસમાં જાહેર થયું છે. આ વાત મંજુબેને તેના પતિ લખમણને કરી હતી જેને લઈને લખમણએ હેતલબેનની હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો હતો.
દારૂની ભઠ્ઠી તોડવા જવું છે એમ કહી ફોરેસ્ટ વિભાગમાં જ ગાર્ડ તરીકે ફરજ બજાવતો લખમણ તેણીને અને તેણીની સાથે રહેલ તેના પતી અને રોજમદારને જંગલમાં લઇ ગયા બાદ તકનો લાભ લઇ આ કૃર કહી હત્યાને અંજામ આપ્યો હતો. આરોપી લખમણનો આ હત્યાઓ કરવા અંગેનું કાવતરું પહેલાથી જ મગજમાં ગોઠવેલ હતું, અને ત્રણેય જણને ફોન કરી બરડા જંગલમાં લઇ ગયો હતો. જ્યાં આરોપી લખમણે સાથે રહેલ નાગભાઈને અન્ય સ્થળે ભઠ્ઠી શોધવા મોકલી દીધો હતો. ત્યારબાદ તે હેતલબેનના પતિ સાથે અન્ય જગ્યાએ ભઠ્ઠી શોધવા લઇ ગયો હતો. જ્યાં પાછળથી ગેડો ફટકારી પ્રથમ હેતલબેનના પતિનું ઢીમ ઢાળી દીધુ હતું ત્યારબાદ તે ફરીને નાગાભાઈ પાસે આવ્યો હતો જ્યાં તેની પર પણ પીઠ પાછળથી ગેડિયા વડે હુમલો કરી માથામાં પાછળના ભાગે ફટકા મારી તેનું પણ મોત નીપજાવી દીધેલ જે બાદ ડુંગર નીચે એકલી રહેલ હેતલબેનને ગેડિયા વડે ઘા કરી હેતલબેનને પણ મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્રણેયની હત્યા નીપજાવી આરોપી ત્યાંથી તુરંત નીકળી ગયો હતો.આમ રાજ્યભરમાં અને ખાસ કરીને પોરબંદર પંથકમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બનેલા ટ્રીપલ હત્યા કેસ પરથી પોલીસે પરદો ઊંચકી લઇ આરોપીને સકંજામાં લઇ લીધો છે.