Mysamachar.in-અમદાવાદ:
લાગતા-વળગતાં લોકોની દુનિયામાં પીળી ચળકતી કિંમતી ધાતુ સોનાની દાણચોરી દાયકાઓથી જ નહીં, સૈકાઓથી લોકપ્રિય છે, કેમ કે આ ધંધામાં ચિક્કાર વળતર છે. કડક દેખરેખની વાતો વચ્ચે પણ કુંડાળાઓ કાયમ ચાલતાં જ રહે છે. અને, હોંશિયાર લોકો તો વળી જુદી જ રીતે સોનાની દાણચોરી કરી રહ્યા છે, તેઓ કાયદાની છટકબારીનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. આ પ્રકારનો ‘ગાળો ખાઈ શકાય’ તેવો કાયદો બનાવતી વખતે, આ છટકબારી કાયદો ઘડનારાઓના ધ્યાન બહાર રહી ગઈ હશે ?!
આખા દેશના તમામ પ્રકારના વેપારીઓના વિવિધ સંગઠનોની બનેલી દેશની સૌથી મોટી વેપારી સંસ્થા (કૈટ) કહે છે કે, આ સંસ્થાની સભ્ય એવી ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશન નામની સંસ્થાની રજૂઆત એવી છે કે, વિદેશોમાંથી પ્લેટિનમ સાથે સોનું મિક્સ કરીને દેશમાં સોનું ઘૂસાડવામાં આવી રહ્યું છે. કારણ કે, આ રીતે જે આયાત થાય તે પ્લેટિનમ એલોય તરીકે થાય છે, તેના પર આયાત જકાત, સોના પરની આયાત જકાત કરતાં 5 ટકા ઓછી છે. ખેલ માત્ર 5 ટકાનો નથી. આ રીતે નીચી જકાત ભરીને જે પ્લેટિનમ એલોય આયાત કરવામાં આવે છે, તેમાં ખરેખર તો પ્લેટિનમ માત્ર 4 ટકા હોય છે, 8 ટકા અન્ય ધાતુ હોય છે અને બાકીનું 88 ટકા ગોલ્ડ હોય છે. અસલી ખેલ આ 88 ટકા ગોલ્ડનો છે.
આ પ્રકારની આયાત કાયદેસર છે, કેમ કે- ભારત અને UAE વચ્ચે જે વ્યાપક આર્થિક કરાર છે, તેમાં આ એલોયની આયાત આ રીતે, નીચા આયાતજકાત દર સાથે કરી શકાય છે. આ રીતે ‘દાણચોરીનું સોનું’ કાયદેસર રીતે આયાત કરી શકાય છે. આ પ્રકારની ગતિવિધિઓને કારણે પ્રમાણિક સોનીવેપારીઓ બજારમાં ટકી શકતા નથી, અને કાયદાની આ છટકબારીનો ગેરલાભ લઈ આ રીતે જેઓ ‘ગેરરીતિઓ’ કરી રહ્યા છે, તેઓ મોટો માલ આ રીતે દેશમાં ઘૂસાડી રહ્યા છે. જ્વેલર્સ એસોસિએશન આ મુદ્દે ચિંતિત છે, એમ કૈટ કહે છે.
કૈટ દ્વારા આ બાબતે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે. એવી માંગ થઇ છે કે, કસ્ટમ્સ લેવલે આ પ્રકારની એલોય આયાત તાકીદે રોકવી. ભારત અને UAE વચ્ચે જે વ્યાપક આર્થિક કરાર છે, તેમાં પ્લેટિનમ એલોય આયાત અંગે જે નિયમો છે તેની તાકીદે સમીક્ષા કરવી અને આયાત જકાત દરોની આ અસમાનતા દૂર કરવી. કેમ કે, આ પ્રકારના આયાતકારો સોનીબજારમાં નિયમ વિરુદ્ધની સ્પર્ધાત્મકતા સર્જે છે, જેને કારણે સ્થાનિક સુવર્ણકારોને ગેરલાભ થઈ રહ્યો છે.
(symbolic image source:google)