Mysamachar.in-સુરત:
એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે જાણી ને કોઈ રસ્તો બતાવવો કે કેમ તે પણ સવાલ થઇ જાય…સુરતમાં રસ્તો પૂછવાના બહાને 3 શખ્સો લૂંટની ઘટનાને અંજામ આપી નાસી છૂટ્યા છે,પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લાલ દરવાજા સીટી સેન્ટર નજીક રહેતા વિરેનભાઈ ગાબાણી હીરાના વેપારી છે.ગત બુધવારે મોડી રાત્રે વેડ રોડ ખાતે રહેતા તેમના સંબંધીને મળી વિરેનભાઈ પોતાની મોટર સાયકલ ઉપર ઘરે જવા માટે નીકળ્યા હતા.
એવામાં રાત્રીના પોણા બાર વાગ્યાના અરસામાં સૈયદપુરા આસરવા હોસ્પિટલ નજીક પહોંચ્યા ત્યારે અંદાજીત 30 વર્ષના ત્રણ અજાણ્યા ઇસમોએ હાથનો ઇશારો કરી તેમની મોટરસાઇકલ રોકી પૂછ્યું હતું કે, "સલાબતપુરા કા રાસ્તા કહા સે જાતા હૈ” વિરેનભાઈ તેમને રસ્તો સમજાવે તે પહેલાં જ એક વ્યક્તિએ તેમના મોઢાના ભાગે મુક્કો મારી દીધો હતો.
જ્યારે બીજા વ્યક્તિએ ચપ્પુ બતાવ્યું અને ત્રીજા વ્યક્તિએ વિરેનભાઈનો હાથ પકડી પાછળના ભાગેવાળી દઇ તેમના ગળામાંથી હીરાજડિત સોનાની ચેઇન, હાથમાં પહેરેલું હીરાજડિત સોનાનું બ્રેસલેટ અને આંગળીમાંથી હીરા જડિત સોનાની વીંટી મળી રૂ.૨.૨૦ લાખની કિંમતના દાગીના કાઢી લીધા હતા.બાદમાં તે વ્યક્તિએ વિરેનભાઈના ખિસ્સામાંથી એપલના બે ફોન અને રોકડા રૂ.૪૦,૦૦૦ મળી કુલ રૂ. 3 લાખની મત્તાની લૂંટ કરી હતી…અને ત્રણેય મોટરસાઇકલ ઉપર બેસી ભાગળ ચાર રસ્તા તરફ ભાગી છૂટયા હતા.આ મામલે પોલીસ ફરિયાદ નોધાતા પોલીસે રસ્તો બતાવવાના બહાને લૂંટને અંજામ આપનાર 3 ઇસમો સુધી પહોંચવા કવાયત તેજ ધરી છે.