Mysamachar.in-જામનગર:
ગુજરાત સરકાર એક અઠવાડિયાથી અલગ મુડમાં છે. ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીઓ શરૂ થઈ છે. નોંધપાત્ર બાબત એ છે કે, આ કાર્યવાહીઓ આકરી છે. સરકારે છેલ્લા એક જ સપ્તાહની અંદર રાજ્યના બે ઉચ્ચ અધિકારીઓને ફરજિયાત નિવૃતિ પકડાવી દઇ કાયમ માટે ઘરે બેસાડી દેતાં ભ્રષ્ટ અધિકારીઓ ધ્રૂજી રહ્યા છે. આ બે અધિકારીઓ પૈકી એક અધિકારી ભૂતકાળમાં જામનગરમાં નોકરી કરી ચૂક્યા છે.
જામનગરમાં ભૂતકાળમાં જીલ્લા રજિસ્ટ્રાર રહી ચૂકેલા અને હાલ રાજ્યના ઈન્ચાર્જ ખેતીવાડી નિયામકનો હોદ્દો ભોગવતા મનોજ સીતારામ લોખંડેને સરકારે કાયમ માટે ઘરે બેસાડી દીધાં છે, સરકારના આ હુકમને કારણે રાજ્યભરના ભ્રષ્ટ અને ઉચ્ચ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ હમણાં જ નર્મદા નિગમના અધિક્ષક ઈજનેર જેજે.પંડયાને પણ આ જ રીતે ઘરે બેસાડી દેવાયા છે. સરકારના આ પગલાંને કારણે હવે આગામી દિવસોમાં કોનો વારો ચડી જશે ? એ ચર્ચાઓ શરૂ થઈ છે.
મનોજ સીતારામ લોખંડે આ અગાઉ રાજકોટમાં પણ જિલ્લા રજીસ્ટ્રાર હતાં. તે સમયનાં ઘણાં કાંડ તેમને નડી ગયા છે. લોખંડે જામનગર જિલ્લા રજિસ્ટ્રાર હતાં ત્યારે પણ તેમણે એક મંડળીની નોંધણીમાં ‘લીલા’ કરી હતી. આ મામલો પણ સરકારે ગંભીર રીતે તપાસી, આ આકરો નિર્ણય લીધો છે. લોખંડેએ જામનગરમાં કરેલી કામગીરીઓ પણ જેતે સમયે વિવાદમાં રહી હતી. તેમણે જિલ્લા પંચાયત કર્મચારીનગર નિર્માણ કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી મંડળીની નોંધણી સમયે સરકારના પરિપત્રનો ભંગ કરી, આ મંડળીને ગ્રામ્ય વિસ્તારની મંડળી તરીકે નોંધવાને બદલે શહેરી વિસ્તારની મંડળી તરીકે અનધિકૃત રીતે રજિસ્ટ્રેશન આપી દીધું હતું. આ મામલામાં લોખંડે દોષિત પણ ઠરી ચૂક્યા છે. સરકારે લોખંડેને વિવિધ કારણોસર ઘરે બેસાડી દીધાં છે પરંતુ નોંધનીય બાબત એ પણ છે કે, તેમની વિરુદ્ધ લાંચ રૂશવત વિરોધી શાખાએ કરેલાં કેસમાં તેમને ‘બેનિફિટ ઓફ ડાઉટ’નો લાભ આપી જેતે સમયે દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા હતાં.