Mysamachar.in-જામનગર:
જામનગરનો બ્રાસ ઉદ્યોગ શહેર અને જિલ્લાના અર્થતંત્ર માટે કરોડરજ્જુ છે. લાખો લોકોને રોજગારી આપે છે. વરસે દહાડે સરકારોને વિવિધ ટેક્સ સ્વરૂપે અબજો રૂપિયાની કમાણી કરાવે છે. આ ઉદ્યોગ વિશ્વ પ્રસિદ્ધ છે અને તેને કારણે જ સમગ્ર દુનિયામાં જામનગર બ્રાસ સિટી તરીકે જાણીતું છે. પરંતુ સામા છેડાની હકીકત એ છે કે, ઈન્ટરનેશનલનું ટેગ ધરાવતો આ ઉદ્યોગ 75 વર્ષ બાદ પણ પોતાના પ્રદૂષણનું નિયંત્રણ કરી શક્યો નથી, પ્રદૂષણનો નિકાલ કરી શક્યો નથી. આ નિષ્ફળતા સૌથી મોટી અને ઝેરી છે, સોનાની થાળીમાં લોઢાની મેખ છે. રાજ્ય તથા કેન્દ્રની સરકારો પણ આ મુદ્દે દાયકાઓથી ઉદાસીન રહી હોય, બ્રાસ ઉદ્યોગનું પ્રદૂષણ માઝા વટાવી ગયું છે અને જામનગર માટે ઝેર સાબિત થઈ રહ્યું છે.

અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કે, શહેરના શંકર ટેકરી વિસ્તારમાં આવેલો બ્રાસ ઉદ્યોગ રોજેરોજ શહેરની જમીનો પર અને શહેરની ગટરોમાં ઝેરી, જોખમી અને પ્રદૂષિત પાણીનો કચરો છોડે છે. આ ઝેર માણસ સહિતની સમગ્ર જીવસૃષ્ટિ માટે મોટો ખતરો છે. શહેરની જમીનો બગડી રહી છે, ભૂગર્ભજળ દૂષિત થઈ રહ્યા છે. શહેરની હવાને પણ બ્રાસ ઉદ્યોગની ભઠ્ઠીઓ ઝેરી બનાવે છે. ઉદ્યોગના ખેરખાંઓ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા ઉદ્યોગના કહેવાતા આગેવાનો આ મુદ્દે ચૂપ છે.
શહેરમાં આગામી ફેબ્રુઆરીએ બ્રાસ ઉદ્યોગનું ઈન્ટરનેશનલ એકઝિબિશન યોજાવા જઈ રહ્યું છે. 12,000 સ્કવેર મીટર જમીન પર જર્મન ડોમ બનશે. જે એર કન્ડિશન્ડ હશે. 30થી વધુ દેશોના પ્રતિનિધિઓ આ બિઝનેસ ફેયરમાં ભાગ લેશે. 250 સ્ટોલ બનશે. બ્રાસ ઉદ્યોગના ઉત્પાદકો સીધાં જ બાયર એટલે કે ખરીદદારો સાથે જોડાઈ જશે, વચ્ચેથી ટ્રેડર નામના વચેટિયાઓ નીકળી જશે. 75 વર્ષમાં પ્રથમ વખત આ પ્રકારનો ઈન્ટરનેશનલ બિઝનેસ ફેયર યોજાઈ રહ્યો છે, એવી વધામણી જાહેર થઈ છે ત્યારે સ્થાનિક સ્તરે ઉદ્યોગની હાલત અંગે પણ આગેવાનોએ વિચારવું જોઈએ, જાણકારો આમ કહે છે.

સ્થાનિક સ્તરે દરેડના હજારો બ્રાસ એકમો ઝેરી વપરાશી પાણી તથા જોખમી કચરાનો નિકાલ કરવા માટેની કોઈ જ વ્યવસ્થાઓ ધરાવતાં નથી. જામનગર મહાનગરપાલિકા , રાજ્ય સરકાર કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ દિશામાં કયારેય આગળ આવ્યા નથી. બ્રાસ ઉદ્યોગ શહેરના જળસ્ત્રોત અને વરસાદી પાણીના નિકાલ માટેના જળમાર્ગોમાં ઝેર ઠાલવે છે. આ ઝેર ભૂગર્ભજળ મારફતે જામનગરના લોકોના આંતરડામાં ઠલવાઈ રહ્યું છે. આગેવાનોને જાણકારીઓ નથી ?!! ઈન્ટરનેશનલ ટેગ ધરાવતો આ બ્રાસ ઉદ્યોગ સ્થાનિક સ્તરે આટલો પછાત ?! આટલો બેદરકાર ?! આટલો નુકસાનકારક ?! આટલો ઝેરી ?! આટલો જોખમી ?! કાં ?! પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ શું કરે છે ? અને, બ્રાસ ઉદ્યોગના કહેવાતા આગેવાનો ચૂપ કાં ?! શહેરીજનો આ પ્રશ્નોના જવાબો જાણવા માંગે છે.

-આ અંગે ઉંડી તપાસ કરાવી, પગલાંઓ લેવામાં આવશે: પ્રદુષણ નિયંત્રણ બોર્ડ
આજે શુક્રવારે બપોરે શહેરના બ્રાસ ઉદ્યોગના પ્રદૂષણ મુદ્દે Mysamachar.in દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જામનગર ખાતેની પ્રાદેશિક કચેરીના વડા ગૌરાંગ ભટ્ટનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેઓની બદલી તાજેતરમાં જ ગાંધીનગરથી અહીં જામનગરમાં થઈ હોય, આ પ્રદૂષણ મુદ્દે તેઓને ખૂબ અચરજ થયું. તેમણે આ વાતચીતમાં કહ્યું: ઉદ્યોગનગરોમાં સ્થળ તપાસ કરવામાં આવશે, પ્રદૂષણ નિયંત્રણ માટે જરૂરી પગલાંઓ ભરવામાં આવશે.
