Mysamachar.in-જામનગર;
જામનગર તાલુકાના 11 ગામોના કુલ 21 સ્થળોએ સુઝલોન પવનચકકી કંપનીનો પથારો હાલ યથાવત્ સ્થિતિમાં પડ્યો છે અને કલેક્ટર દ્વારા કંપની સંબંધે શું નિર્ણય લેવામાં આવે છે.? તેના પર આ આખો મામલો હાલ નિર્ભર હોવાનું બહાર આવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, થોડાં સમય અગાઉ ગ્રામ્ય પ્રાંત અધિકારીએ કંપનીની કામગીરીઓને રુકજાવનો હુકમ કર્યો હતો જેની વિરુદ્ધમાં કંપની ખુદ કલેક્ટર સમક્ષ પહોંચી છે, જયાં તેણે સુધારા હુકમની માંગણી કરી છે.
થોડાં સમય અગાઉ જામનગર તાલુકાના ગામડાંઓમાં આક્ષેપો સાથે બુમરાળ ઉઠી હતી કે, સુઝલોન નામની પવનચકકી કંપની પોતાની કામગીરીઓમાં મનમાની કરે છે. તંત્રએ મૂકેલી શરતોનો પણ ભંગ કરે છે અને નિયત જગ્યાને બદલે અન્ય જગ્યાઓ પર પવનચકકીઓ લગાડે છે, ગ્રામ્ય વિસ્તારની જમીનો પર દબાણ પણ કરે છે. આ રજૂઆતો અને બાદની તપાસમાં તથ્ય બહાર આવતાં જામનગર ગ્રામ્યના પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરિયાએ જે-તે સમયે કંપનીની આ મનમાની પર મનાઈ હુકમ દ્વારા બ્રેક લગાવી હતી.
જો કે એમ છતાં કંપનીએ મનમાની ચાલુ રાખી હતી જેને કારણે ગ્રામજનોએ ઉહાપોહ કર્યો હતો અને તેથી તંત્રએ સ્થળ પર દોડી જવું પડયું હતું અને કંપનીની કામગીરીઓ બાદમાં બંધ કરાવવામાં આવી હતી. ત્યારબાદ કંપનીએ કાગળ પર એક અન્ય ગેઈમ આદરી છે અને આ ગેઈમના ભાગરૂપે અગાઉનો મનાઈહુકમ કામચલાઉ ઉઠી જતાં કંપનીએ પોતાની કામગીરીઓ ફરી શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે. કંપનીની કામગીરીઓ ફરી શરૂ થતાં ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં ફરી કંપની વિરુદ્ધ સળવળાટ શરૂ થયો છે.
ગ્રામ્ય પ્રાંત અધિકારીના મનાઈહુકમ બાદ પણ સુઝલોન કંપની આ તમામ વિસ્તારોમાં પોતાની કામગીરીઓ કેવી રીતે આગળ ધપાવી રહી છે?! એ પ્રશ્નનો ઉત્તર મેળવવા આજે Mysamachar.in દ્વારા ગ્રામ્ય પ્રાંત અધિકારીનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેઓના જણાવ્યા અનુસાર, હવે આ આખો મામલો કલેક્ટર હસ્તક છે. કારણ કે કંપની જિલ્લા મેજિસ્ટ્રેટ કોર્ટમાં પહોંચી છે.
સુઝલોન કંપનીએ ગ્રામ્ય પ્રાંત અધિકારીના હુકમ વિરુદ્ધ જિલ્લાકક્ષાએ જિલ્લા મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુધારાહુકમ માટે અરજી કરી છે. આ મુદ્દે પ્રાંત અધિકારીએ Mysamachar.in સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, હાલમાં આ મામલો જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ હોય, અગાઉનો મનાઈહુકમ હાલ અમલમાં નથી અને કંપની શરતો મુજબ પોતાની કામગીરીઓ આગળ ધપાવી રહી છે.
કલેક્ટર કક્ષાએ જો કંપનીની સુધારાહુકમની માંગણી મંજૂર થશે તો કંપની શરતો મુજબ અગાઉ ફાળવવામાં આવેલી જગ્યાઓ પર કામગીરીઓ કરી શકશે. અને એ રીતે અગાઉના મનાઈહુકમમાં સુધારો કરી આપવામાં આવશે અને જો કંપનીની સુધારાહુકમની માંગણી મંજૂર નહીં થાય તો અત્યાર સુધીની અને હવે પછીની તપાસ અનુસંધાને જિલ્લા મેજિસ્ટ્રેટ કક્ષાએથી કંપનીને પેનલ્ટી થઈ શકે છે અને બાદમાં શરતો મુજબની કામગીરીઓ કરવાની કંપનીને છૂટ મળી શકે છે.
સૂત્રના જણાવ્યા અનુસાર, કાગળ પરની આ ગેઈમ બાદ સુઝલોન કંપની પોતાની ગતિવિધિઓ આગળ વધારવા માટેની લીલી ઝંડી મેળવી લેવાની દિશામાં આગળ વધી રહી છે અને તેની સાથે-સાથે કંપનીને સામાન્ય રકમની પેનલ્ટી ભરવાનો પણ આદેશ થઈ શકે છે. જો કે હાલ આ મામલો મેજિસ્ટ્રેટ કોર્ટમાં હોય, આ મુદ્દે વધુ વિગતો જાહેર થવા પામી નથી.
-સુઝલોન ખાણખનિજ વિભાગમાં પણ ખેલ કરે છે !!
અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કે, સુઝલોન કંપનીએ અન્ય પવનચક્કી કંપનીઓની જેમ ખાણખનિજ વિભાગમાં પણ કાગળ પર ગેઈમ ગોઠવી લીધી છે. કંપનીને તોતિંગ પવનચકકીઓના પાયા એટલે કે ફાઉન્ડેશન માટે માટી-મોરમ અને પથરાળ જમીનોના મોટા ખોદકામની જરૂરિયાત ઉભી થતી હોય છે, અને આ જમીનોમાંથી ટનબંધ ખનિજ પણ ખોદી કાઢવું પડતું હોય છે, આ ઉપરાંત વિવિધ ગામોથી દૂરના સ્થળોએ આવેલી કંપનીની સાઈટ્સ સુધી પહોંચવા કંપનીને પોતાના વાહનોની અવરજવર માટે ઘણાં રસ્તાઓનું પણ નિર્માણ કરવું પડતું હોય છે અને આ બધી કામગીરીઓ માટે કંપનીને હજારો ટન માટી મોરમ વગેરેની જરૂર પડતી હોય છે,
પરંતુ ખૂબીની વાત એ છે કે, સુઝલોન સહિતની એક પણ પવનચકકી કંપની આ બધી કામગીરીઓ માટે ખાણખનિજ વિભાગમાં એપ્લાય થતી નથી. આ પવનચકકી કંપનીઓ આ બધી કામગીરીઓ પેટા કોન્ટ્રાક્ટર હસ્તક પતાવી લેતી હોય છે તેથી મહેસૂલ વિભાગમાં તથા ખાણખનિજ વિભાગમાં કયાંય પણ, કોઈ પણ પવનચકકી કંપનીના નામે આ કામગીરીઓ માટે મંજૂરીઓ મેળવવા વગેરેની કાર્યવાહીઓ થતી હોતી નથી, તેથી કંપનીને કાયદાકીય જફાઓ બહુ રહેતી નથી અને પૈસા ફેંકો તમાશા દેખો કહેવત અનુસાર કંપનીઓ પોતાના કામોને આગળ ધપાવી લેવામાં સફળ થતી હોય છે અને આવી બાબતોમાં સંબંધિત તંત્રો ઝીણું કાંતવાને બદલે આંખ આડા કાન કરવામાં શાણપણ દેખતાં હોવાનું પણ સૂત્ર જણાવે છે. આ રીતે કાયદાની છટકબારીઓના લાભો અને ગેરલાભો લેવાતાં રહેતાં હોય છે.જો કે પવનચક્કી કંપનીઓ અંગેના મામલાઓ તલસ્પર્શી તપાસ માગી લેતા પણ છે. જો તેવું થાય થાય તો જાણકારોને મતે કંપનીની તિજોરીઓને મોટો ફટકો પડી શકે તેમ છે.