Mysamachar.in-અમદાવાદ:
જમીન સંપાદન જામનગર સહિત સમગ્ર દેશમાં કાયમ માટે સંવેદનશીલ મામલો રહ્યો છે અને વળતર સહિતના મુદ્દાઓ ચર્ચાઓમાં રહેતાં હોય છે, આ મુદ્દે સુપ્રિમ કોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે જેની વિગતો સૌએ જાણવી જોઈએ. સુપ્રિમ કોર્ટ દ્વારા કહેવાયું છે કે, આ મામલામાં તમામ બંધારણીય પ્રક્રિયાઓ ફરજિયાત છે. આર્ટિકલ 300Aના તમામ સાતેય સિદ્ધાંતનું પાલન કરીને જ જમીન સંપાદન થઈ શકે. અત્રે ઉલ્લેખનિય છે કે, આર્ટિકલ 300A હેઠળ દરેક જમીન માલિકને કેટલાંક બંધારણીય અધિકારો આપવામાં આવ્યા છે. અને સરકાર આ અધિકારોનું પાલન કરીને જ જાહેર હેતુ માટે ખાનગી જમીનનું સંપાદન કરી શકે.
સુપ્રિમ કોર્ટે કહ્યું છે, આ એક માનવ અધિકાર પણ છે. કારણ કે ભારતમાં જમીનોનું રક્ષણ થઈ શકે તે માટે જમીન માલિકને બંધારણે અધિકારો આપેલાં છે. જમીન સંપાદનના પ્રત્યેક મામલામાં આ અધિકારોનું રક્ષણ થવું જોઈએ અને સમગ્ર સંપાદન પ્રક્રિયાઓ વેલિડ હોવી જોઈએ.
આ ચુકાદો લખતી વખતે સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે, સરકાર આ બંધારણીય અધિકારોનું પાલન કરવા બંધાયેલી છે. આર્ટિકલ 300A માં કહેવાયું છે કે સરકાર જે જમીન સંપાદન કરવા ઇચ્છતી હોય એ જમીનના માલિકને સરકારે પોતાનો આ ઈરાદો નોટિસ મોકલી જાણ કરવી પડે. જમીન માલિકને સંપાદન સંબંધે કોઈ પણ પ્રકારનો વાંધો વિરોધ હોય તો સરકારે તે વાંધો વિરોધ સાંભળવો પડે. સંપાદન અંગેનો સરકારે જે નિર્ણય લીધો હોય તે નિર્ણય અંગે જમીન માલિકને જાણ કરવી સરકારની ફરજ છે.
જમીન સંપાદન માત્ર અને માત્ર જાહેર હેતુ માટે કરવામાં આવી રહ્યું છે એ બાબતની સરકારે જમીન માલિકને ખાતરી આપવી પડે. સરકારે પર્યાપ્ત વળતર આપવું પડે અને જમીન માલિકના પુનર્વસન માટેની વ્યવસ્થાઓ કરવી પડે, સંપાદન પ્રક્રિયાઓ સરકારે અસરકારક રીતે અને નિયત સમય મર્યાદામાં કરવી પડે અને સમગ્ર પ્રક્રિયાઓ સરકારે પરિણામલક્ષી રીતે પૂર્ણ કરવી પડે. અધૂરી પ્રક્રિયાઓ ન ચાલે.
સંપાદનની તમામ પ્રક્રિયાઓ દરમિયાન ન્યાયનું પાલન થવું જોઈએ. પ્રક્રિયાઓ દરમિયાન કુદરતી ન્યાયનું પાલન અને પારદર્શિતા જળવાવી જોઈએ. કોઈ પણ તબક્કે બળજબરી ન થઈ શકે. આ સાતેય સિદ્ધાંતના પાલન દરમિયાન જમીન માલિકના અધિકારનો ભંગ ન થવો જોઈએ. કોલકાતામાં એક જાહેર બગીચા માટે ત્યાંનું મ્યુનિસિપલ કોર્પોરેશન એક ખાનગી જમીન સંપાદન કરવા ઈચ્છતું હતું. સુપ્રિમ કોર્ટે નિયમભંગના કારણે કોર્પોરેશનના આ નિર્ણયને રદ્દ જાહેર કર્યો. આ કેસ દરમિયાન અદાલતે ઉપરોકત ચુકાદો આપ્યો.