Mysamachar.in-ગાંધીનગર
ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક મળી હતી, જેમાં રાજ્યમાં પડેલા ભારે વરસાદ તેમજ ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં રાહતની સમિક્ષા વિશે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય મંત્રીમંડળે બેઠકમાં મુખ્યમંત્રી સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડનારા ભૂમાફિયાઓની દાદાગીરીને રોકવા માટે અને લોકોને ન્યાય મળે એ માટે કેબિનેટે કાયદાની મંજૂરી આપી છે. કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ મહેસુલમંત્રી કૌશિક પટેલે માહિતી આપી કહ્યું કે ભૂમાફિયાઓની દાદાગીરીને રોકવા માટે અને લોકોને ન્યાય મળે એ માટે કેબિનેટે કાયદાની મંજૂરી આપી છે. દિન-પ્રતિદિન જમીનની કિંમતો વધતી જતી હોય છે તેવા સંજોગોમાં ભૂમાફિયાઓ ખોટા દસ્તાવેજો કરીને જમીન પચાવી પાડતા હોય છે અને રોક લાવવા માટે કેબિનેટે આજે આ કાયદો મંજૂર કરવાનો નિર્ણય લીધો છે.
આ કાયદામાં મુખ્યત્વે આ કેસને લગતી સ્પેશ્યલ અને ખાસ કોર્ટનું આયોજન કરવામાં આવશે. આ કોર્ટ છ માસની અંદર ચુકાદો આપીને દબાણ કરવા વાળા લોકો સામે પગલાં ભરશે. ભૂમાફિયાઓને રોકવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આગળની પ્રક્રિયા વિભાગ દ્વારા કરવામાં આવશે અને ઝડપથી ગુજરાતમાં કાયદાનું અમલીકરણ થાય તેવી કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત મહેસુલ વિભાગ દ્વારા જમીન માપણી માટે ઓનલાઈન સિસ્ટમ પણ કરવામાં આવી છે. સમય મર્યાદામાં જમીન માપણીનું કામ પૂર્ણ કરવામાં આવશે. ઓનલાઇન પૈસા પણ જમીન માપણી માટેની અરજી સાથે ભરી શકાશે. ગઈકાલથી આખા ગુજરાતમાં ઓનલાઈન જમીન માપણીની ચાલુ કરવામાં આવી છે.હવે આ નિર્ણય કેવો અને કેટલો અસરકારક રહે છે તે જોવાનું છે.