Mysamachar.in:ગાંધીનગર
ગુજરાત વિધાનસભા આજથી ઈ-વિધાનસભા બની ગઈ છે. આજથી વિધાનસભાનું ત્રિદિવસીય ચોમાસુ સત્ર પણ શરૂ થઈ ગયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આજથી આ વિધાનસભા ઈ-વિધાનસભા બની છે. રાષ્ટ્રપતિએ વિધાનસભામાં સંબોધન પણ કર્યું હતું. ગુજરાતની વિધાનસભા આજથી પૂરી રીતે ડિજિટલ બનવાની શરૂઆત થઈ ગઈ છે. આજથી વિધાનસભાની તમામ કામગીરીઓ અને કાર્યવાહીઓ ઓનલાઇન થવા પામી છે. કાગળો બચશે. પર્યાવરણ સંરક્ષણને વેગ મળશે. વડાપ્રધાનના ડિજિટલ ઈન્ડિયા અભિયાનને પણ ગતિ મળી છે. રાષ્ટ્રપતિએ મુખ્યમંત્રીને બે વર્ષનું શાસન પૂર્ણ કરવા બદલ અભિનંદન આપ્યા. ગણતંત્રના મંદિરમાં સંબોધન કરવું મારાં માટે સુખદ અનુભૂતિ છે એમ તેઓએ જણાવ્યું.
રાષ્ટ્રપતિના સંબોધન બાદ મુખ્યમંત્રીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, આજથી ગુજરાત વિધાનસભા વન નેશન, વન એપ્લિકેશનમાં સામેલ થયું છે. તેઓએ કહ્યું, ભારત નેટના બીજા તબકકામાં 7,000થી વધુ ગ્રામ પંચાયતો ફાઈબર નેટથી જોડાવા જઈ રહી છે. ગુજરાતે દેશમાં સૌથી વધુ 158 સેવાઓ ડિજિટલ સાથે જોડી છે. ઈ-સરકારના માધ્યમથી અંદાજે 10લાખથી વધુ ફાઈલ પ્રોસેસ થઈ રહી છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું. અત્રે ઉલ્લેખનિય છે કે, આજે વિધાનસભાના ત્રણ દિવસના ચોમાસુ સત્રનો પ્રારંભ પ્રશ્નોતરીકાળથી કરવામાં આવ્યો અને બાદમાં એજન્ડા મુજબ શોકદર્શક ઠરાવ અને ત્યારબાદ વિવિધ વિભાગોના અહેવાલો મેજ પર મૂકવામાં આવશે, જુદાજુદા સરકારી બિલો પર ચર્ચાઓ અને બાદમાં મતદાન થશે.