Mysamachar.in-સુરત:
માત્ર સીસીટીવી કેમેરાના ભરોસે રહેતા લાખોની કેશ ભરેલા એટીએમ સેન્ટરો કેટલા સુરક્ષિત તેના અનેક કિસ્સાઓ એટીએમ સેન્ટરોમાં થતી ચોરીઓ અને ચોરીના પ્રયાસો સાબિત કરી બતાવે છે, આવો જ વધુ એક કિસ્સો સુરત ગ્રામ્ય વિસ્તારમાં સામે આવ્યો જ્યાં ઓલપાડ સ્ટેટ હાઈવેને અડીને આવેલ SBI બેન્કના ATM બૂથ પરથી 7 લોકોની ટોળકી ટેમ્પો સાથે ત્રાટકી હતી. જેમાં સૌ પ્રથમ મોં પર માસ્ક બાંધી એક તસ્કરે CCTV પર સ્પ્રે છાંટી દીધો હતો. બાદમાં અન્ય તસ્કરોએ અંદર પ્રવેશી મશીનમાંથી રૂપિયા નહીં પરંતુ સમગ્ર મશીન જ ઉખાડીને બહાર લઈ ગયાં હતાં. જો કે મંદિરના સિક્યુરીટી ગાર્ડની જાગૃતાથી તમામ તસ્કરો ATM મશીનને અધવચ્ચે છોડીને નાસી ગયાં હતાં.
રાત્રિના 3 વાગ્યાના અરસામાં એક યુવક ATM સેન્ટર મશીન પાસે આવી પરિસ્થતિનો તાગ મેળવી ચાલ્યો જાય છે. બાદમાં થોડીવારમાં એક બુકાનીધારી ચોર ઇસમ આવી ATM મશીન પર અને બૂથની ફરતે લગાવેલ CCTV કેમેરા પર કાળા કલરનો સ્પ્રે મારીને તેના સાથેના અન્ય 6 જેટલા ચોરોને બોલાવી પોતાની સાથે લઈને આવેલા તીક્ષ્ણ હથીયારો વડે ATM મશીન તોડી પાડી ઉચકીને બુથની બહાર મુખ્ય માર્ગ પર લઈ જઈ ટેમ્પોમાં મશીન મૂકવાની તૈયારી કરતા હતાં ત્યારે નજીક આવેલ સાઈબાબા મંદિરનો સિક્યુરિટી ગાર્ડ જાગી જઈ ચોર ટોળકીને જોઈ જતા તેણે બૂમા બૂમ કરતા નજીકમાં રહેતા લોકો જાગી જવાની વાતે ચોર ટોળકી ડરીને ATM મશીન મૂકી ટેમ્પો લઈને ઓલપાડ તરફ ભાગી છૂટ્યા હતા,
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું ATM મશીન ઉઠાવીને લઈ જવાના નિષ્ફળ પ્રયાસ જેવી ચોરીની ગંભીર ઘટના વાળા ATM મશીનમાં દિવાળીના તહેવાર બાદ એટલેકે 10 નવેમ્બરે રૂપિયા 20 લાખ જેટલી રોકડ રકમ લોડ કરવામાં આવી હતી. ત્યારે બેંકના અધિકારીઓના કહેવા મુજબ 3 દિવસમાં અંદાજીત 5 લાખ રૂપિયા ગ્રાહકો દ્વારા ઉપાડીને લઈ જવાયા હોય તો 15 લાખ જેટલી મોટી રોકડ રકમ મશીનમાં હોવાનો અંદાજ લગાવ્યો છે. ત્યારે ચોર ટોળકી મશીન લઈને ભાગી છુટવામાં સફળ થઈ હોત તો 15 લાખ જેટલી મોટી રોકડ રકમ ચોરી થઈ જવા પામી હોત,સમગ્ર ઘટના મામલે ઓલપાડ પોલીસે આજુ બાજુના વિસ્તાર સાથે સુરત શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગના સીસી.ટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે.અને આ ટોળકી અન્ય એટીએમ સેન્ટરને નિશાન બનાવે તે પૂર્વે જ તેને ઝડપી પાડવા ટીમો કામે લાગી છે.