રાજ્યની પંદરમી વિધાનસભાનું સાતમું સત્ર આગામી 8 સપ્ટેમ્બરથી 3 દિવસ માટે યોજાશે. જેમાં શોકદર્શક ઠરાવો, પ્રશ્નોતરી અને સરકાર દ્વારા વિધેયકો રજૂ કરવાની તથા મંજૂર કરાવવાની પ્રક્રિયાઓ ટૂંકા સમયમાં આટોપી લેવામાં આવશે.
8 મી સપ્ટેમ્બરથી શરૂ થનારા આ સત્રનો આખરી દિવસ 10 સપ્ટેમ્બર રહેશે. સત્રની સંભવિત કામગીરીઓ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલએ જાહેરાત કરી છે કે, આ સત્રમાં કુલ 5 વિધેયક લાવવામાં આવશે. જેમાં કારખાના(સુધારા) વિધેયક, માલ અને સેવાકર( દ્વિતિય સુધારા) વિધેયક, જનવિશ્વાસ બિલ(જોગવાઈ સુધારાઓ), વૈદ્યક વ્યવસાયીઓનું સુધારા વિધેયક અને ચિકિત્સા સંસ્થાઓ (નિયમન અને સુધારાઓ) વિધેયકનો સમાવેશ થશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં GSTમાં ફેરફાર થયા હોય, આ ફેરફારો રાજ્યમાં શક્ય તેટલાં વહેલા લાગુ કરવા જાહેર કરવામાં આવેલા વટહુકમને અધિનિયમમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ સત્ર દરમ્યાન પ્રથમ દિવસે પ્રશ્નોતરી અને શોકદર્શક પ્રસ્તાવો આવશે. આ ઉપરાંત ઓપરેશન સિંદૂર સફળતા સંબંધે અભિનંદન પ્રસ્તાવ CM દ્વારા રજૂ થશે. સત્રના બાકીના 2 દિવસ દરમ્યાન પ્રશ્નોતરી અને વિધેયકો મંજૂર કરવાની પ્રક્રિયાઓ થશે.