Mysamachar.in:અમદાવાદ
માર્ગ સલામતી – આ શબ્દો જામનગર સહિત રાજ્યભરમાં વારંવાર વાંચવા અને સાંભળવા મળે છે. ખાસ કરીને સરકારી લખાણોમાં આ શબ્દોનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ હકીકત એ છે કે, રાજ્યમાં આ કાયદો બન્યો ત્યારથી, એટલે કે 2018થી આ એકટનું સંપૂર્ણ પાલન થતું નથી ! સરકાર અને વાહનચાલકો – બેમાંથી કોઈ માર્ગ સલામતી અંગે ગંભીર જણાતાં નથી ! હજારો લોકો માર્ગો પર મોતને હવાલે થાય છે ! વધુ ગતિથી વાહન ચલાવનારાઓ પોતે તો મરે જ છે, અન્ય લોકોને પણ મારી નાંખે છે ! ગુજરાતમાં અકસ્માત અને અકસ્માતને કારણે નીપજતાં મોતનાં આંકડા ભયાવહ છે ! તો પણ કોઈની આંખો ઉઘડતી નથી ! થોડાં થોડાં સમયે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીઓ થતી રહે અને માર્ગ સલામતી મુદ્દે સરકારી બેઠકો થતી રહે – એટલું જ. બાકી અંધેર !!
નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના પાછલાં ત્રણ વર્ષનાં આંકડા કહે છે, ગુજરાતનાં ચાર મહાનગરોમાં અકસ્માતમાં 18,287 નાગરિકો માર્યા ગયા ! કલ્પના કરો, કેટલાં પરિવારો છિન્નભિન્ન થયાં ?! કેટલાં લોકોએ આજિવન ખોડ મેળવી ?! સરકાર તથા લોકોનું કેટલું નાણું બરબાદ થયું ?! કેટલાં માનવકલાકો બગડ્યા ?! અકસ્માત નાની બાબત નથી. અકસ્માત ગંભીર બાબત છે – એવું આપણે કયારે સમજીશું ?!
અકસ્માત મોતનાં આંકડામાં રાજ્યમાં સુરત પ્રથમ ક્રમે છે. માત્ર 3 જ વર્ષમાં સુરતમાં 6,760 લોકો અકસ્માતમાં માર્યા ગયા. અમદાવાદમાં આ આંકડો 5,495 અને રાજકોટમાં આંકડો 3,934 નો છે. વડોદરા પ્રમાણમાં શાંત છે. ગુજરાતમાં રોડ સેફ્ટી એકટ 2018 માં અમલમાં આવ્યો. આજની તારીખે આ એકટનું રાજ્યમાં સંપૂર્ણ પાલન થતું નથી ! તંત્રો કે સરકાર, પાલન માટે કડક કાર્યવાહી કરતાં નથી. લોકોમાં પણ જાગૃતિ ઓછી છે !
ગુજરાતમાં નેશનલ હાઇવે પર વર્ષ 2021માં વધુ પડતી ગતિથી વાહન ચાલતાં હોવાથી સર્જાયેલાં અકસ્માતમાં 1,971 લોકો માર્યા ગયા. અને, 2022 માં આ પ્રકારના અકસ્માતોમાં 1,991 નાગરિકો માર્યા ગયા. રોંગ સાઇડ વાહનો ચલાવવાને કારણે દર વર્ષે નેશનલ હાઇવે પર ઓછામાં ઓછાં 60-65 લોકો માર્યા જાય છે. નેશનલ હાઈવે સિવાયનાં રાજ્યનાં માર્ગો પર 2021 માં 7,118 લોકો વધુ ગતિએ વાહનો ચલાવવા નાં કિસ્સાઓમાં માર્યા ગયા. અને 2022 માં આ આંકડો 7,236 છે !