Mysamachar.in: ગાંધીનગર
રાજ્યનું વાર્ષિક અંદાજપત્ર જાહેર થાય છે ત્યારે સર્વત્ર અપેક્ષાઓ અને બાદમાં નાણાંકીય જોગવાઈઓને કારણે સંબંધિત લોકો હરખાઈ ઉઠતાં હોય છે, પરંતુ પછી એ નાણાંકીય વર્ષ પૂર્ણ થાય અને સરકાર દ્વારા સંબંધિત આંકડા જાહેર થાય, ત્યારે ઘણાં બધાં લોકોને આંચકા અનુભવાતા હોય છે કેમ કે, આંકડા દર્શાવતા હોય છે કે, ચિત્ર જેટલું દોરવામાં આવે છે, એટલું રૂપાળું નથી હોતું.
ગુજરાત રાજ્યમાં સૌથી મોટાં 2 વ્યવસાય એટલે ઉદ્યોગ અને ખેતી- રાજ્યના કરોડો પરિવારોનો નિભાવ આ 2 ક્ષેત્રમાં હોય છે. કારણ કે, આ બંને ક્ષેત્રમાં રોજગાર સર્જન પણ મોટાં પ્રમાણમાં હોય છે. ઉદ્યોગોના વિકાસથી શહેરો ખુશહાલ રહી શકે છે અને ગ્રામ્ય વિસ્તારોની રોનક ખેતી આધારિત હોય છે. આથી કરોડો લોકો ઈચ્છતા હોય છે કે, સરકાર બજેટ મારફતે આ બંને ક્ષેત્રમાં કરોડો રૂપિયા ઠાલવે, મદદ કરે અને પ્રોત્સાહન આપે. આ માટે દર વર્ષે અંદાજપત્રોમાં આ બે વિભાગો માટે અબજો રૂપિયાની જોગવાઈ કરવામાં આવતી હોય છે પરંતુ નાણાંકીય વર્ષના અંતે આંકડાઓ શું કહે છે, જાણો.
ગુજરાત સરકારે વર્ષ 2020-21 માં બજેટમાં ખેતી માટે રૂ. 4,437 કરોડની જોગવાઇ જાહેર કરી. પછી, વર્ષ દરમિયાન સરકારે ખેતીને રૂ. 3,581 કરોડ આપ્યા. સીધો રૂ. 900 કરોડનો કાપ. ત્યારબાદ રાજ્યના કૃષિ વિભાગે આ ફાળવણી પૈકી રૂ. 108 કરોડનો ખર્ચ ન કર્યો. એટલે કે, બજેટમાં જોગવાઇ કરતાં રૂ. 1,000 કરોડ આ ક્ષેત્રને ઓછાં પ્રાપ્ત થયા.
એ જ રીતે, રાજ્યે ખેતી માટે વર્ષ 2021-22 માં બજેટમાં રૂ. 4,619 કરોડની જોગવાઇની જાહેરાત કરી. વર્ષ દરમિયાન આપ્યા રૂ. 3,358 કરોડ. અને, આ રકમમાંથી પણ કૃષિ વિભાગે વર્ષના અંતે રૂ. 461 કરોડ વાપર્યા નહીં. આ રકમ ખર્ચ કરવામાં આવી નહીં. ત્યારબાદ, વર્ષ 2022-23માં અંદાજપત્રમાં ખેતી માટે રૂ. 3,595 કરોડની જાહેરાત થઈ. વર્ષ દરમિયાન આ વિભાગને સરકારે આપ્યા રૂ. 2,936 કરોડ અને તેમાંથી આ વિભાગે વર્ષ દરમિયાન રૂ. 116 કરોડનો ખર્ચ ન કરી, સરકારને પરત આપી દીધાં. કલ્પના કરો, આ બધાં વર્ષ દરમિયાન આ વધારાના અબજો રૂપિયા ખેતીમાં ઠલવાયા હોત તો, આ ક્ષેત્રને કેટલું વધારાનું પ્રોત્સાહન મળી શક્યું હોત ??
ઉદ્યોગ ક્ષેત્રના બજેટના આંકડાઓ પણ જાણવા જેવા છે: વર્ષ 2021-22 માં જોગવાઇ રૂ. 4,977 કરોડની. ફાળવણી કરવામાં આવી રૂ. 4,923 કરોડની અને તેમાંથી આ વિભાગે 51 કરોડ સરકારને પરત આપી દીધાં. વર્ષ 2022-23 માં જોગવાઇ રૂ. 5,472 કરોડની, તેમાંથી ફાળવણી થઈ રૂ. 4,652 કરોડની અને વર્ષ આખરે આ વિભાગમાં રૂ. 319 કરોડ વણવપરાયેલા પડ્યા રહ્યા. સરકારે વર્ષ દરમિયાન જેતે વિભાગને જે રકમ ફાળવી હોય, તેમાંથી અમુક ટકા રકમ વણવપરાયેલી પડી રહે તેની પાછળ મુખ્ય કારણ એ હોય છે કે, સંબંધિત વિભાગ દ્વારા વર્ષ દરમિયાન આયોજન યોગ્ય રીતે થતું ન હોય. આ પ્રકારની સ્થિતિઓને કારણે જેતે વિભાગના લાભાર્થીઓ બળાપો ઠાલવતાં હોય છે કે, નામ બડે- દર્શન ખોટે. રાજ્યના મત્સ્ય ઉદ્યોગમાં પણ લાભાર્થી અનેક પ્રકારના અફસોસ અને વસવસા વ્યક્ત કરતાં હોય છે, રાજ્યમાં દરિયાકિનારો લાંબો હોય, લાખો પરિવારો આ ઉદ્યોગ પર પણ નભે છે.