Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં મોબાઈલને કારણે પ્રૌઢ, યુવાઓ અને સગીરોમાં પણ જાતીય આડા સંબંધોનો સ્ફોટ જોવા મળી રહ્યો છે અને આ સ્થિતિને કારણે ઘણાં ફોજદારી કેસો નોંધાઈ રહ્યા છે. અને આપઘાતના બનાવ પણ બની રહ્યા છે. આવો વધુ એક કેસ હાલમાં જ બહાર આવ્યો છે.
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં એક સગીર અને એક સગીરા વચ્ચે પ્રેમના અંકુર ફૂટયા. બંને નજીક આવ્યા. બંને વચ્ચેના સંબંધ આગળ વધી ગયા. એક વખત આ બંને ફલેટમાં એકલાં હતાં. તે સમયે સગીરાની મોટી બહેન અચાનક આવી ચડી અને બંનેને ફલેટમાં પૂરાયેલા જોઈ ગઈ. સગીરા ડરી ગઈ. બાદમાં, સગીરાએ બહેન માતાપિતાને જાણ કરી દેશે તો ? એ ભયને કારણે આપઘાત કરી લીધો. પોલીસે રાબેતા મુજબ A.D.(અકસ્માત મોત) નોંધી લીધી.
બાદમાં બહાર આવ્યું કે, મૃતક સગીરા અને સગીર વચ્ચે ગાઢ સંબંધ હતાં. અવારનવાર મળતાં. સગીરાના આપઘાત બાદના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એમ જાહેર થયું કે, સગીરાએ જાતીય સમાગમ પણ કરેલો. કાયદાની જોગવાઈ મુજબ, ટેકનિકલી આ જાતીય સંબંધ દુષ્કર્મની વ્યાખ્યામાં આવે. કારણ કે, સગીરા 15 વર્ષની હતી. સગીર 16 વર્ષનો છે. કાયદા મુજબ, સંમતિથી સેક્સની ઉંમર 18 લેખાય છે. આથી પોલીસે આ કેસમાં સગીર વિરુદ્ધ ‘પોકસો’ એકટની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો.
(અહી મુકવામાં આવેલ તસ્વીર પ્રતિકાત્મક છે)