Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
સમગ્ર રાજ્યમાં ગત્ રવિવારથી ગઈકાલે મંગળવારની રાત્રિ સુધી કમોસમી ચોમાસુ અને કેટલાંક વિસ્તારોમાં ભારે પવનો પણ ફૂંકાયા. આ પ્રકારની સ્થિતિઓને કારણે હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજતંત્રને ઘણું નુકસાન સહન કરવું પડ્યું અને વીજગ્રાહકોએ હાલાકીઓ વેઠવી પડી.
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજતંત્રનું સૌથી મોટું વીજસર્કલ જામનગર છે જે છેક ઓખા સુધીનો કાર્યભાર સંભાળે છે. આ વીજસર્કલમાં સોમ-મંગળવાર દરમ્યાન ઘણી તારાજી થઈ. જો કે તંત્રનો દાવો છે કે, મોટાભાગના વિસ્તારોમાં વીજપૂરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે, અત્યારે પણ યુદ્ધના ધોરણે કામગીરીઓ ચાલી રહી છે અને આજે સાંજ સુધીમાં તથા આવતીકાલ સુધીમાં બંને જિલ્લાઓમાં કોઈ જ ફરિયાદ ન રહે એ દિશામાં કામગીરીઓ થઈ રહી છે.

જામનગર વીજસર્કલના અધિક્ષક ઈજનેર હસિત વ્યાસએ આજે સવારે Mysamachar.in સાથે કેટલીક આંકડાકીય માહિતીઓ શેયર કરી છે. આ તમામ વિગતો 6 મે ના સાંજે 05-30 કલાકની સ્થિતિઓ દર્શાવે છે, પરંતુ એ પછી અત્યાર સુધીમાં ઘણી કામગીરીઓ કરી લેવામાં આવી હોવાનું એમણે જણાવ્યું છે.
તા. 6 મે સાંજની સ્થિતિઓ મુજબ, હાલારમાં 159 ગામોને આ તોફાની વાતાવરણની અસરો થઈ હતી, જે પૈકી 154 ગામોમાં વીજપૂરવઠો પૂર્વવત કરી લેવામાં આવ્યો. હાલારના 2 ટાઉનમાં તકલીફો ઉભી થયેલી, જે દૂર કરી લેવામાં આવી છે. ભારે પવન અને વરસાદને કારણે 488 ફીડરોમાં ક્ષતિઓ આવી હતી, જે પૈકી 126 ફીડરમાં સમારકામ કરી લેવામાં આવ્યું હતું.
જે વીજપોલને અસરો થઈ તેની સંખ્યા 337 હતી. જે પૈકી 292 પોલ HT અને 45 પોલ LT વીજલાઈનના હતાં. આ થાંભલા પૈકી HTના 24 અને LTના 8 થાંભલા પૂર્વવત કરવામાં આવ્યા હતાં. અને, હાલારમાં કુલ 27 ટ્રાન્સફોર્મરને અસરો પહોંચી હતી, જેના સમારકામની કામગીરીઓ ચાલી રહી છે.(file image)
