Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત રાજ્યભરમાં વીજતંત્રની બેદરકારીઓ જાણીતી બાબત છે. ઘણાં કિસ્સાઓમાં અલગઅલગ પ્રકારની બેદરકારીઓને કારણે દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છે. જો કે આવા મોટાભાગના કિસ્સાઓમાં વીજતંત્ર દુર્ઘટનાઓના પરિણામો અંગે પોતાની જવાબદારીઓ ખંખેરી નાંખતું હોય છે, પરંતુ હવે એમ નહીં થઈ શકે. વડી અદાલતે એક મોતના કેસમાં વીજતંત્રને જવાબદાર ઠેરવી વળતર અંગેનો એપેલેટનો હુકમ કાયમ રાખ્યો છે.
જૂનાગઢ જિલ્લામાં એક ખેતરમાં કામ કરતી વખતે એક સગીર ભૂલથી વીજવાયરને ટચ થઈ જતાં આ સગીરનું મોત થયું હતું. બાદમાં આ મામલો એપેલેટ કોર્ટમાં ગયો હતો. આ કોર્ટે સગીરના મોત સંબંધે વળતરનો હુકમ કર્યો હતો. ત્યારબાદ વીજતંત્રએ આ હુકમને સેકન્ડ અપીલ તરીકે પડકાર આપ્યો હતો, જે મામલામાં વડી અદાલતે એપેલેટ કોર્ટના હુકમને માન્ય રાખી ભોગ બનનારના પરિવારને વળતર ચૂકવવા કહ્યું છે.
આ કેસ દરમિયાન અદાલતે ચુકાદામાં ઠરાવ્યું છે કે, કોઈ પણ આકસ્મિક બનાવ કે દુર્ઘટના રોકવા વીજલાઈનના તમામ વાયરો ઈન્સ્યુલેટેડ એટલે આવરણથી સુરક્ષિત રાખવા અને જાળવવા એ વીજકંપનીની એટલે કે પીજીવીસીએલની જવાબદારી છે. અને જો વાયરો ખુલ્લા હોય અને લટકતા હોય તેવા સંજોગોમાં કોઈ દુર્ઘટના બને કે આકસ્મિક બનાવ બને તો વીજકંપનીની મુખ્ય અને સ્પષ્ટ જવાબદારી બને છે.
વડી અદાલતે આ કેસમાં વીજકંપનીની સેકન્ડ અપીલ એડમિશન સ્ટેજમાં જ ફગાવી દીધી હતી. અને જણાવ્યું હતું કે, એપેલેટ કોર્ટે તમામ કાયદાકીય જોગવાઈઓનું પાલન કરીને ચુકાદો આપ્યો છે. જસ્ટિસે આ વિષય સંબંધે સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ ટાંકી, આ કેસમાં સગીરના વાલીને 9 ટકા વ્યાજ સાથે રૂ. 1.90 લાખનું વળતર અપાવતો એપેલેટ કોર્ટનો હુકમ બહાલ રાખ્યો હતો અને વીજકંપનીની આ હુકમ સામેની અપીલ કાઢી નાંખી હતી.(file image source:google)