Mysamachar.in-જામનગર:
જામનગરની એક પબ્લિસિટી એજન્સીનો અગાઉ એક દાવો મંજૂર થયેલો, જેની સામે મુંબઈના એક પ્રતિવાદી દ્વારા અદાલત સમક્ષ થયેલી અરજી અદાલતમાં ટકી શકી નથી. આ કેસની અદાલતી કાર્યવાહીની વિગતો અનુસાર, જામનગરમાં દર્શન પબ્લિસિટી ચલાવતા દર્શન ઠક્કરે થોડા સમય અગાઉ પોતાની એક પાર્ટીની જાહેરાત ગુજરાત સમાચારની મુંબઈ આવૃતિમાં પ્રસિદ્ધ કરાવવા મુંબઈના નરેશ જોબનપુત્રાને એડવાન્સ પેમેન્ટ તરીકે જેતે સમયે રૂ. 3,56,006 મોકલી આપ્યા હતાં અને આ રકમ પ્રતિવાદી જોબનપુત્રાના ખાતામાં જમા થઈ ગઈ હતી.
ત્યારબાદ, આ મામલામાં ગુજરાત સમાચાર તરફથી દર્શન પબ્લિસિટીને જણાવવામાં આવેલું કે, ઉક્ત જાહેરાતનું પેમેન્ટ મળેલ નથી. આથી દર્શન પબ્લિસિટીએ આ પેમેન્ટ બીજી વખત કરવું પડ્યું હતું. અને, મુંબઈસ્થિત પ્રતિવાદીને આ પેમેન્ટ ચૂકવણી બાબતે દર્શન પબ્લિસિટી દ્વારા જેતે સમયે નોટિસ આપવામાં આવી હતી અને જામનગરની સિવિલ કોર્ટમાં આ દાવો દાખલ કરવામાં આવ્યો હતો. જે દાવામાં દર્શન પબ્લિસિટીની તરફેણમાં ચુકાદો આવેલો હતો.
ત્યારબાદ, ખૂબ જ લાંબા સમય પછી પ્રતિવાદી દ્વારા અદાલતમાં ડીલે કોન્ડોનની અરજી સાથે અપીલ ફાઇલ કરવામાં આવી હતી. આ અપીલ 735 દિવસ મોડી ફાઈલ કરવામાં આવી હતી. જે અંગે પ્રતિવાદી દ્વારા આપવામાં આવેલ કારણો પૈકી એક પણ કારણ માનવાલાયક ન હતું. જેથી અદાલતે પ્રતિવાદીની ડીલે કોન્ડોનની અરજી નામંજૂર કરી છે. મૂળ વાદી દ્વારા તેની રકમની વસૂલી માટે અદાલતમાં દરખાસ્ત કરવામાં આવી છે. જેની નોટિસ બજતાં પ્રતિવાદીએ અપીલ ફાઇલ કરેલી, જેમાં તેમને સફળતા મળી નથી. આ કેસમાં દર્શન પબ્લિસિટી વતી વકીલ તરીકે વસંત ગોરી તથા દિપક નાનાણી હાજર રહ્યા હતાં.(file image)