Mysamachar.in-જામનગર:
શાસન તથા પ્રશાસનમાં ઘણાં પ્રકારની કસરતો થતી રહેતી હોય છે અને તેની પાછળ લાખો કરોડો રૂપિયાના ખર્ચ પણ થતાં રહેતાં હોય છે. લોકોની મહેનતની કમાણી તંત્રો દ્વારા, આ કવાયતો પાછળ ખર્ચ થતી રહે છે, જેનો સીધો કોઈ જ લાભ કરદાતા નાગરિકોને પ્રાપ્ત થતો નથી- સ્વચ્છતા સર્વેક્ષણ પણ આ પ્રકારનું એક નાટક છે. જેનો ખરેખર તો કોઈ ઉપયોગ નથી !
શહેરો સ્વચ્છ રહે તે જરૂરી છે અને આ બાબત ખરેખર તો ફરજિયાત હોવી જોઈએ. શહેરો સ્વચ્છતા બાબતે એકબીજા સાથે સ્વસ્થ સ્પર્ધા કરે એ પણ આવશ્યક બાબત છે. પરંતુ સ્વચ્છતા સર્વેક્ષણ શું છે અને તેમાં અંતે શું થાય છે- એ જાણવું જરૂરી લેખાશે.
તાજેતરમાં એમ જાહેર કરવામાં આવ્યું કે, ફલાણી કેટેગરીમાં અમદાવાદ દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર થયું અને ફલાણી કેટેગરીમાં સુરતનો પણ સ્વચ્છ શહેરમાં સમાવેશ થયો. અને, રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ સહિતની ઉજવણીઓ રંગેચંગે થઈ ગઈ. કોઈ પણ શહેર ખરેખર કેટલું સ્વચ્છ છે- એ પ્રશ્નનો સાચો જવાબ તે શહેરના નાગરિક પાસે હોય છે, તેને કશું પૂછવામાં આવતું નથી !
સ્વચ્છતા સર્વેક્ષણ નામની ટીમ પોતાની રીતે પોતાનું કામ ગૂપચૂપ રીતે નિપટાવી લે છે ! આ કામગીરીઓ માટે મહાનગરપાલિકાઓને પણ કશું પૂછતી નથી, જણાવતી નથી. મહાનગરપાલિકાએ સ્વચ્છતા સંબંધિત કામગીરીઓ અંગે જે વિગતો અને આંકડાઓ ‘ઓનલાઈન’ અપલોડ કર્યા હોય, તેના આધારે સ્વચ્છતા સર્વેક્ષણ ભંભેભંભ થતું હોય છે ! કેમ કે, કોઈ મહાનગરપાલિકા ઓનલાઈન પોતાની ખામીઓ તો ન જ દર્શાવે, એ તો સૌ સમજી શકે એવી વાત છે.
બીજું..સ્વચ્છતા સર્વેક્ષણ માટેની ટીમે શહેરના ગંદા સહિતના કોઈ પણ વિસ્તારની મુલાકાત લીધી હોય, વિગતો રેકોર્ડ પર ટાંકી હોય, સ્વચ્છતા બાબતે કોઈ પણ નાગરિકને, કશું પણ પૂછ્યું હોય- એવું કયારેય બહાર આવતું નથી. સ્વચ્છતા સર્વેક્ષણ માટે જામનગર શહેરમાં એક ખાનગી કન્સલ્ટન્ટને સર્વેક્ષણ માટેની કામગીરીઓ સોંપવામાં આવે છે. આ કન્સલ્ટન્ટને જામનગર મહાનગરપાલિકાએ આ સેવા માટે લાખો રૂપિયા પ્રજાની તિજોરીમાંથી ચૂકવવાના હોય છે. આ કન્સલ્ટન્ટના બે માણસો મહાનગરપાલિકામાં બેસી, ઓનલાઈન અગડમ બગડમ માહિતીઓ એકત્ર કરી, કન્સલ્ટન્ટને સોંપી દે, બાદમાં કન્સલ્ટન્ટ અને સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ પોતાનું ‘કામ’ ખાનગીમાં પતાવી લ્યે અને અમુક સમય બાદ બધાં શહેરોના સ્વચ્છતા સર્વેક્ષણ અનુસારના ક્રમ જાહેર કરી દયે. આખું નાટક આમ હોય છે. ખાયા, પિયા ઔર બારહ આને કા ગિલાસ તોડા.
-સ્વચ્છતા સર્વેક્ષણમાં જામનગરના ક્રમ અંગે અધિકારી શું કહે છે ?..
આજે સવારે આ સંબંધે Mysamachar.in દ્વારા જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વડા મુકેશ વરણવાનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું છે કે, સ્વચ્છતા સર્વેક્ષણમાં જામનગરનો ક્રમ 29મો આવ્યો છે, ગત્ વર્ષે નેશનલ લેવલે આપણો આ ક્રમ 83 મો હતો. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, રાજ્યના 3 થી 10 લાખની વસતિ ધરાવતા શહેરોની કેટેગરીમાં જામનગરને જે 26મો ક્રમ આપવામાં આવ્યો છે, તેમાં કોઈ ગેરસમજણની સંભાવના ધ્યાન પર આવી હોય, આ બાબતે મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર સમક્ષ કેટલીક બાબતો રજૂ કરી છે.