Mysamachar.in-ગાંધીનગર:
મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ કક્ષાએથી અવારનવાર ખાસ સૂચનાઓ અને ખાસ આદેશો થતાં હોય છે, આ સૂચનાઓ અને આદેશોની નકલો છેક તાલુકા અને ગ્રામ્ય કક્ષા સુધી પહોંચતી હોય છે પરંતુ આમ છતાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને પદાધિકારીઓ જે રીતે કામો નિપટાવતા હોય છે એ જ પુરાણી પદ્ધતિઓથી કામો કરતાં હોય છે, જેને કારણે આટલાં વર્ષોથી કયાંય, કામોમાં ગતિશીલતા જોવા મળતી નથી. નાગરિકો આજની તારીખે પણ, સરકારને ગોકળગાય જ સમજે છે. આ સ્થિતિનો ચિતાર વધુ એક વખત CM સુધી પહોંચતા તેઓએ મંત્રીઓ અને સચિવો- બધાંને સારી ભાષામાં ઠપકો આપ્યો છે.
કાલે મંગળવારે CM ના અધ્યક્ષપદે કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી. CM પાસે એ રિપોર્ટ પહોંચી ગયો કે, મંત્રીઓ સચિવાલયમાં પોતાની ચેમ્બર, બંગલો અને પોતાના મતવિસ્તાર સિવાય, રાજ્યમાં અન્ય વિસ્તારોમાં ધ્યાન આપતાં નથી. આ ઉપરાંત સચિવો પણ સચિવાલય અને પોતાના આવાસ વચ્ચે જ વ્યસ્ત રહે છે. આ પ્રકારના મંત્રીઓ અને સચિવોને CMએ આડે હાથ લીધાં.
મંત્રીઓ અને સચિવોને પોતાની ઓફિસથી બહાર નીકળી, ફિલ્ડમાં જઈ સાચી હકીકતોની જાણકારીઓ મેળવી નિર્ણયો લેવાની પદ્ધતિઓ વિકસાવવા ટકોર કરવામાં આવી. મોટાભાગના મંત્રીઓ અને સચિવો ઓફિસ બહાર નીકળવાનું ટાળે છે. પરિણામે, લોકોના રોજબરોજના પ્રશ્નો હજારોની સંખ્યામાં પહોંચી ગયા છે. તંત્રો કામો કરતાં નથી. આ સ્થિતિની જાણ થતાં મુખ્યમંત્રીએ સૌ સંબંધિતોને ખખડાવ્યા હોવાનું બહાર આવ્યું છે.
કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને આ બાબતે પૂછવામાં આવતાં, તેઓએ આ વાત સ્વીકારી હતી. તેમણે સ્વીકાર કર્યો કે, મુખ્યમંત્રીએ સૌને નાગરિકોની વચ્ચે જવા, લોકોની સમસ્યાઓ સમજવા સૂચનાઓ આપી છે. સૌને ફિલ્ડમાં જવા કહેવાયું છે. મુખ્યમંત્રીએ કહ્યું: વિકાસકામોની સમીક્ષા થવી જોઈએ, લોકોને પડતી મુશ્કેલીઓનો ઝડપી નિકાલ આવવો જોઇએ.
આ ઉપરાંત એમ પણ કહેવાયું કે, દર મહિને જિલ્લાકક્ષાએ સંકલનની જે બેઠકો મળે તેમાં માત્ર ભાજપાના જન પ્રતિનિધિઓના જ નહીં, સૌના કામો થવા જોઈએ. આ ઉપરાંત સંકલનની બેઠકમાં જન પ્રતિનિધિઓ જે પણ રજૂઆત કરે તે અંગેની સૂચનાઓ છેક નીચે સુધી જવી જોઈએ. આ બાબત રાજ્યના મુખ્ય સચિવે જોવાની રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, દરેક જિલ્લામાં કલેક્ટર કચેરીમાં મહિનાના ત્રીજા શનિવારે સંકલનની આ બેઠક યોજાતી હોય છે. જેમાં લોકોના પ્રશ્નો અને રજૂઆતો અંગે ચર્ચાઓ થતી હોય છે, સૂચનાઓ અપાતી હોય છે અને નિર્ણયો લેવાતાં હોય છે. ( જો કે આમ છતાં ઘણાં સ્થાનિક પ્રશ્નો લાંબા સમય સુધી પડતર રહેતાં હોય છે, કામોમાં વિલંબ થતો રહે છે). આજથી 3 દિવસ રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ છે, મંત્રીઓ તથા સચિવો એમાં વ્યસ્ત રહેશે. આવતાં સપ્તાહથી CMની આ સૂચનાઓનું પાલન થાય છે કે કેમ, તે ખબર પડી જશે.(file image)