Mysamachar.in-અમદાવાદ
આપણે ત્યાં નકલી સરકારી અધિકારીઓના સ્વાંગમાં આવીને ઠગાઈ કરવાના બનાવો કૂદકેને ભૂસકે સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદના ઓઢવમાં આવેલી સિંગરવા જી.આઇ.ડી.સી.માં એક ફેક્ટરી ધરાવતા ફેકટરી માલિક સાથે બન્યો છે. ફેકટરી માલિક પાસે નકલી વિજિલન્સ અધિકારીના સ્વાંગમાં આવી અલગ અલગ દસ્તાવેજ માંગી ફેકટરી બંધ કરાવવાની ધમકી આપતો તોડ કરવાના ઈરાદે ગયેલા આ નકલી અધિકારીને પોલીસે ઝડપી પાડ્યો છે,
ફેક્ટરી ધરાવતા સંદીપ પટેલે અલગ અલગ ફ્લેવરની અગરબત્તી બનાવવાનો વ્યવસાય કરી રહ્યા છે. ગુરુવારના રોજ સવારે તેમની ફેકટરીમાં એક વ્યક્તિ આવીને પોતે ડ્રગ્સ વિભાગનો વિજિલન્સ અધિકારી એ.કે.પટેલ છે.. એવી ઓળખ આપી હતી. પછી તે નકલી અધિકારીએ ચેક કરવા માટે ફેકટરીના વિવિધ દસ્તાવેજોની માંગણી કરી હતી. તમામ પ્રકારના જરૂરી દસ્તાવેજ ફેકટરી માલિકે બતાવ્યા હતા.
છતાંય તેણે એક અધિકારી માફક રોફથી ગુમાસ્તાધારા અને પોલ્યુશન બોર્ડનું લાયસન્સ તથા ફાયરસેફ્ટી પ્રમાણપત્ર તમારી પાસે નથી તેમ કહીને આ પ્રમાણપત્ર કરવી આપવાની વાત કરી હતી. તેના માટે 3500ની માંગણી કરી હતી. જે રકમ વેપારીએ આપી દીધી હતી. તેમજ જો આ પ્રમાણપત્ર વિના ફેકટરી સીલ મારી દેવાની ધમકી પણ આપી હતી.
હવે બીજા દિવસે પોતે રૂબરૂ આવી પ્રમાણપત્ર આપી જશે તેમ કહી આ નકલી અધિકારીએ પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો. જેમાં ફેક્ટરી માલિકે ફોન કરતાં કોઈ મહિલાએ ફોન ઉપાડી ને કહ્યું કે તે મને ફોન કરશો તો પોલીસ ફરિયાદ કરી દઈશ. આથી ફરિયાદીને શંકા ગઈ હતી. તેણે ગાંધીનગરમાં આ નામના અધિકારી ખરાઈ કરાવતા તેની પાસે આવેલ અધિકારી નકલી અધિકારી હોવાનું સાબિત થયું હતું.
બીજી તરફ આજે સવારે તે પ્રમાણપત્ર આપવા આવતાં જ ફરિયાદીએ અગાઉથી પોલીસને જાણ કરી હતી. તે મુજબ ઓઢવ પોલીસે આરોપીને પકડી પાડયો હતો. પોલીસે પકડેલ તે આરોપી કે નકલી અધિકારીના સ્વાંગમાં હતો તે ખોખરા વિસ્તારમાં પશ્ચિમ રેલવે કોલોનીમાં રહેતો અમિત જૈન કુમાર આચાર્ય હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તેની પાસેથી સિક્કાઓ અને નકલી પ્રમાણપત્રો કબજે કર્યા હતા.