Mysamachar.in-જામનગર:
શહેરમાં આવેલી રાજાશાહી વખતની અને હાલ બહુચર્ચિત દયારામ લાયબ્રેરીના ગેરકાયદેસર બાંધકામ ને તોડવાનો હુકમ થઇ ગયો છે,જેના કારણે ટ્રસ્ટી મંડળના અમુક સીયાવીયા થઇ ગયા છે અને મોટી "ઓથ" શોધવા લાગ્યા છે.રણજીતરોડ ઉપર આવેલી નઝરાણા સમાન લાયબ્રેરીનો મુળ હેતુ વાંચન,સાહિત્ય,લેખન-વાંચન કલા,વિવિધ ગ્રંથ ગોષ્ઠી વિકસે તેવો જ હતો. ધીમે ધીમે મુળ હેતુ બાજુમાં રાખી કમાણીનું સાધન બનાવવા સાડાત્રણ દાયકા પહેલા ખુલ્લી જગ્યામા દુકાનો ઉતારી ભાડાપટ્ટે આપવામાં આવી જેથી મુળ ઢાંચો તો ગોખલું થઇ ગયો, બાદમા આ જગ્યા અમુક કાર્યક્રમો માટે લાગતા વળગતાઓને આપવાની પૈરવી પણ શરૂ થઇ એટલુ જ નહી ચોખ્ખી ચણક ગણાતી સંસ્થામા ભાડે અપાયેલાઓ દ્વારા નાસ્તાની જ્યાફત અને ભોજનની મીજબાની બાદ ઉકરડા જેવા દ્રશ્યો પણ થવા લાગ્યા.
તેમાં હવે છેલ્લા દોઢ વર્ષથી અમુક લોકોની દાઢ ડણકી છે અને જાહેર સંસ્થાને ઇજારો ગણી જંગી નાણા રળવા માટે મુળ લાયબ્રેરીના ઉપરના ભાગે સંખ્યાબંધ દુકાનોના બાંધકામ શરૂ કરી દીધા છે.ટ્રસ્ટની જગ્યા હોય વિધીવત ઠરાવ કરી તેનો હેતુ સ્પષ્ટ કરી મુળ હેતુ જળવાઇ રહેતા હોય તો જ જિલ્લા કલેક્ટર દ્વારા રાજ્ય સરકારમાં સમગ્ર પ્રકરણ મોકલી ત્યાંથી મંજુરી મળે તો મહાપાલીકામાંથી બાંધકામ પરવાનગી મેળવવા અરજી કરવી જોઇએ. આ સમગ્ર કાયદેસરની પ્રક્રિયા ન થઇ હોય હવે આ ગેરકાયદેસર બાંધકામ કાયદાનુસાર ડીમોલીશન કરવાનુ થાય છે જોવાનુ એ છે કે વારંવાર ચોક્કસ કારણસર "મૂડ" બને ત્યારે રેકડી પથારા ઉપાડતુ ઓટલા તોડતુ તંત્ર અહી ડીમોલીશન ની ઇચ્છાશક્તિ દર્શાવે છે કે કમિશનર સહિતનુ તંત્ર કોઇ કારણસર ઉણુ ઉતરે છે તેના ઉપર મીટ મંડાઇ છે કે પછી લીગલ ઓપીનિયનના બહાને જેમ રેગ્યુલર "પ્રેક્ટીસ"ચાલે છે તેવો કોઇ ખેલ આ કિસ્સામા લેણ દેણ કે અન્ય કસબથી પડી જાય છે.
નોટીસને દાદ ન આપતા તોડી પાડવા હુકમ
સમગ્ર ચકચારી પ્રકરણ અંગે આસસ્ટિન્ટ ટાઉન પ્લાનીંગ ઓફીસર ઉર્મિલ દેસાઇએ જણાવ્યુ છે કે એકતો એ લોકોએ બાંધકામ પરવાનગી માંગેલી તે યોગ્ય અને કાયદેસરના ઠરાવ અનુસારની ન હોઇ પરવાનગી અપાઇ જ નથી માટે બાંધકામ અનઅધીકૃત ઠરે છે..માટે તેને ૨૬૦/૧ નોટીસ પાઠવી ખુલાસો મંગાયો પરંતુ નોટીસ ને દાદ ન આપતા ત્રણ વખત બાંધકામ અટકાવાયુ બાંધકામ મટીરીયલ પણ જપ્ત કરાયુ તેમ છતા આ ગેરકાયદે પ્રવૃતિ અટકી ન હોઇ ૨૬૦/૨ હેઠળ તોડી પાડવાનો આખરી હુકમ થયો છે…
જેની અમલવારી કરવાની જ છે હા,લીગલ ઓપીનિયન એટલા માટે લેવાનો છે કે એ લોકોએ મનાઇહુકમ માટે અદાલતમાં દાદ માંગી છે..પરંતુ મનાઇ હુકમ મળ્યો ન હોય અમારે પગલા લેવામા કાનુની કોઇ બંધન રહેતુ નથી. બીજુ અહી કોઇ રીતે મંજુરી મળી શકે નહી કેમકે જુના ગામમા નવા નિયમ અનુસાર ગ્રાઉન્ડ ફ્લોર ૭૫ ટકા ખુલ્લો રાખવો પડે અહી તો આવવા જવા કે પાર્કીંગ માટે પણ પુરતી જગ્યા રહેતી નથી..આ તમામ બાબતો પણ અમો જરૂર પડ્યે નામદાર કોર્ટના ધ્યાને જે કાયદાની જોગવાઇ છે તે સ્પષ્ટ રજુ કરી શકીએ છીએ માટે આ ગેરકાયદેસર બાંધકામ તોડવાની દિશામા અમો ગતિશીલ છીએ તેમ પણ ઉમેર્યુ છે.