Mysamachar.in:અમદાવાદ
અમુક ઉંમર પછી મોતિયાનું ઓપરેશન આમ તો એકદમ સામાન્ય બાબત છે પરંતુ તેમાં જો બેદરકારી રહી જાય તો સમસ્યા પણ સર્જાતી હોય છે. આવા એક કેસમાં એક વૃદ્ધે દ્રષ્ટિ ગુમાવવી પડી છે. બાદમાં આ કેસમાં રૂ. 8 લાખનાં વળતરનો આદેશ પણ થયો છે. મામલો અમદાવાદનો છે. એક વૃદ્ધે કોર્પોરેશન સંચાલિત એક હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું. બાદમાં તેની એક આંખની દ્રષ્ટિ જતી રહી. તેણે રૂપિયા 15 લાખનો વળતરનો દાવો કર્યો. તે દરમિયાન જાહેર થયું કે, આંખમાં જે પ્રવાહી આંજવામાં આવેલું તેમાં બેકટેરિયાની હાજરી માલૂમ પડી ! આ બેકટેરિયાને કારણે આ વૃદ્ધે એક આંખની દ્રષ્ટિ ગુમાવવી પડી. આ મામલો જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં પહોંચ્યો હતો.
સમગ્ર મામલાની તપાસ દરમિયાન બહાર આવ્યું કે, આ વૃદ્ધની આંખમાં ‘સેવલોન’ નામનાં એન્ટી સેપ્ટિક પ્રવાહીનો ઉપયોગ થયો હતો. આ પ્રવાહીની લેબોરેટરી તપાસમાં કલ્ચર રિપોર્ટમાં જાહેર થયું કે આ પ્રવાહીમાં બેકટેરિયા ગ્રોથ થયો હતો. જેને કારણે આંખમાં ચેપ લાગ્યો અને આ વૃદ્ધની એક આંખની રોશની જતી રહી. આ રિપોર્ટ પછી ગ્રાહક ફોરમમાં આ વૃદ્ધે દ્રષ્ટિ ગુમાવવા બદલ વળતરનો દાવો કર્યો હતો. ફોરમે આ વૃદ્ધને રૂપિયા આઠ લાખનું વળતર વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો.
આ સર્જરી સમયે કેમ્પનાં કુલ પાંચ દરદીઓએ દ્રષ્ટિ ગુમાવી હતી. આ ઓપરેશન અમદાવાદ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં થયા હતાં. આ મામલામાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે ‘સેવલોન’ પ્રવાહીનાં સપ્લાયર વિરુદ્ધ પોલીસમાં FIR નોંધાવવા આદેશ કર્યો છે. આ પ્રકારના કેસોમાં નિષ્ણાંતનો અભિપ્રાય ફરજિયાત નથી હોતો. લેબોરેટરી રિપોર્ટ માન્ય રહે છે. અને બેદરકારી સંબંધે આરોપીએ પોતે બેદરકાર રહ્યા ન હતાં એવું સાબિત કરવું પડે એમ આ કેસમાં કહેવામાં આવ્યું.