Mysamachar.in-અમદાવાદ:
કોઈ પણ ગુન્હાને થતો અટકાવવા, અપરાધની તપાસમાં અને ક્રિમીનલને દબોચી લેવામાં તથા સજા અપાવવામાં વધુને વધુ ટેક્નોલોજીનો ઉપયોગ એક આવકારદાયક કોન્સેપ્ટ છે. પરંતુ તેની અમલવારી સમયે એ જાગૃતિ દાખવવી પડે કે, આ ટેકનોલોજી અને સુવિધાઓ લોકલક્ષી હોય, ઈઝીલી અવેઈલેબલ હોય, ઝડપી અને પરિણામલક્ષી હોય તો જ તે ટેકનોલોજી લોકો માટે આશિર્વાદરૂપ પૂરવાર થઈ શકે. અત્રે આપણે e-FIRનો એક કિસ્સો જોઈએ.
અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં એક દંપતિ રહે છે. આ દંપતિ પૈકીની મહિલાનું સ્કૂટર પોતાના એપાર્ટમેન્ટનાં પાર્કિંગમાંથી ગૂમ થયું. એ તારીખ હતી 15 નવેમ્બર. સ્કૂટર પાર્કિંગમાં એલોટેડ જગ્યાએ પાર્ક કરવામાં આવેલું. હેન્ડલ લોક પણ હતું. છતાં નકલી ચાવીથી કોઈ ઉપાડી ગયું ! બાદમાં 15 નવેમ્બરથી જ આ દંપતિએ ગૃહવિભાગની e-FIR સુવિધા મારફતે ઓનલાઇન ફરિયાદ અરજી દાખલ કરવા, ચોરાયેલા સ્કૂટરની વિગતો તેમાં સબમિટ કરવા પ્રયાસ કર્યો.
દિવસો સુધી તેઓને સફળતા ન મળી. દરમિયાન તેઓએ સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. પોલીસ ઇન્સ્પેકટરને તમામ હકીકતો જણાવી. અધિકારીએ માર્ગદર્શન આપ્યું. તે દરમિયાન આ દંપતિ પાસેથી પોલીસે મેન્યુઅલ એટલે કે ઓફલાઈન ફરિયાદનો પણ આગ્રહ રાખ્યો. ઓફલાઈન ફરિયાદ પણ લેવામાં આવી. પછી 11 ડિસેમ્બરે તેઓની ઓનલાઇન અરજી ફરિયાદ e-FIRમાં સબમિટ થયાં. 27 દિવસ, 648 કલાક અને આટલો રઝળપાટ! માનસિક તાણ ! આ કેસમાં દંપતિ કહે છે: ઓનલાઇન આઈડી તથા RC બુક અપલોડ કરવામાં ઘણી જ પરેશાનીઓ થઈ. RTOની પણ મદદ લેવી પડી.
આ e-FIR સુવિધા સમગ્ર રાજ્યમાં ગત્ જૂલાઈથી શરૂ થઈ છે. 22 જૂલાઈએ આ સુવિધા લોન્ચ કરવામાં આવી ત્યારે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, વાહનચોરી તથા મોબાઇલ ચોરી જેવાં બનાવોમાં લોકોએ ફરિયાદ માટે આખો દિવસ પોલીસ સ્ટેશનમાં પસાર કરવાની જરૂર નથી. પોલીસ વિભાગે કેટલીક સુવિધાઓ ઓનલાઇન આપવાનો નિર્ણય લીધો છે. અત્રે નોંધનીય છે કે, ઘાટલોડિયા વિસ્તારનાં આ કેસમાં દંપતિ ફરિયાદ નોંધાવવા પ્રથમ તો પોલીસ સ્ટેશન જ ગયું હતું. કેટલાંક પોલીસકર્મીઓએ આ દંપતિને ઓનલાઇન અરજી ફરિયાદ દાખલ કરવા કહેલું. પછી, આ દંપતિની ઉપરોક્ત પરેશાનીઓ શરૂ થઈ ! સરકાર આ પ્રકારની ઓનલાઇન સુવિધાઓ ઝડપી, સરળ અને લોકભોગ્ય બનાવે એવી લાગણી લાખો લોકો ધરાવે છે. આપણે સૌ આશા રાખીએ, નવી સરકાર નવી રીતે કામ કરશે.