Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના બગધરા ગામની સીમમાં રવિવારે વહેલી સવારે આઠથી દસ જેટલાં શખ્સોએ પાવડા અને કોદાળીઓ જેવા ઘાતક હથિયારોનો ઉપયોગ કરીને એક આદિવાસી યુવાનને અતિ કરપીણ રીતે મોતને ઘાટ ઉતારી દીધાના સનસનાટી સર્જનાર એક પ્રકરણમાં મૃતકના પત્નીએ હત્યારાઓ વિરુદ્ધ ગત્ મધરાતે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
જામજોધપુર તાલુકાના શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ભૂરીબેન મંશારામ ઉર્ફે મનિષ નરગાંવે(30, ખેતમજૂર, મધ્યપ્રદેશ)નામની પરણિતાએ પોતાના પતિ મનિષની હત્યા નીપજાવવા બાબતે 8-10 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.જેમાં જણાવાયું છે કે, આ મામલાના આરોપીઓએ તેના પતિની હત્યા કરી છે અને મૃતકના મિત્ર પ્રદીપભાઈને માર માર્યો છે.
ફરિયાદીએ જણાવ્યું છે કે, તેના પતિ મનિષ અને સાહેદ પ્રદીપ આઠમી માર્ચે સાંજે સાતેક વાગ્યે, બુટાવદરથી અટાણુ કરી પરત ફરી રહ્યા હતાં ત્યારે ચાર રસ્તા નજીક આરોપીઓ પૈકી પરબત રબારી રીક્ષાછકડો લઈ આવી રહ્યો હતો, આ સમયે આરોપીએ રિક્ષાછકડો યોગ્ય રીતે ન ચલાવતાં મૃતક મનિષે તેને વાહન સરખું ચલાવવા કહેલું. બાદમાં પરબતે ઉશ્કેરાઈ જઈ મનિષને બેત્રણ ફડાકા ખેંચી લેતાં, બંને વચ્ચે ઝપાઝપી પણ થયેલી.

આ બાબતનું મનદુઃખ રાખી પરબત પુંજા રબારી, નારણ પુંજા રબારી, રઘા દેવા રબારી, બઘા બટુક રબારી તથા અન્ય ચારથી છ જેટલાં અજાણ્યા શખ્સો, રવિવારે બગધરા સીમમાં એક વાડીમાં વહેલી સવારે ચારથી સાડા છ ના સમય દરમ્યાન ત્રાટક્યા. આરોપીઓ પાસે લાકડાના ધોકા, પાવડા તથા કોદાળીઓ હતી. આ કાવતરાંના ભાગરૂપે આ શખ્સોએ ફરિયાદીના પતિ મૃતક મનિષને જીવલેણ ઘા માર્યા, આ ઉપરાંત પ્રદીપને પણ માર માર્યો. ગંભીર ઈજાઓને કારણે આ હુમલામાં મનિષનું મોત થયું. પ્રદીપ સારવારમાં છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ મામલાની તપાસ શેઠવડાળાના પોલીસ ઈન્સ્પેક્ટર પી.જી.પનારાના વડપણ હેઠળ ચાલી રહી છે અને આરોપીઓને શોધી કાઢવા પોલીસ દોડધામ કરી રહી છે. આમ, વાહન સરખું ચલાવવા અંગે અપાયેલા ઠપકા જેવા સામાન્ય કારણસર આરોપીઓએ કાવતરૂં ઘડી આ ઘાતકી ગુનાને અંજામ આપ્યો હોય, સમગ્ર જામજોધપુર પંથકમાં સનસનાટી મચી ગઈ છે.