Mysamachar.in-અમદાવાદ:
રાજ્યમાં વધુ એક વખત એ.ટી.એમ મશીન સાથે ચેડાં કરીને બેંકો સાથે છેતરપિંડી કરતી મેવાતી ગેંગના બે શખ્સો પોલીસને હાથ લાગ્યા છે, જેમાં પોલીસની તપાસમાં મેવાતી ગેંગ આ ગુનો કરતી હોવાનું સામે આવતા સાયબર ક્રાઇમની ટીમે મેવાતી ગેંગને પકડી પાડી છે.અમદાવાદ સાયબર ક્રાઇમે રાહુલ સાજીદ ખાન અને મોહમદ ઈલિયાશ નામના આરોપીઓની ધરપકડ કરી છે. તેઓએ બેંક સાથે છેતરપિંડીનો નવો કીમિયો અજમાવ્યો છે. જેમાં આરોપીઓ એ.ટી.એમ મશીન પાસે જઈને કાર્ડ ઘસીને નાણાં ઉપાડતા અને એ નાણાં જેવા મશીનમાંથી બહાર આવે કે તેઓ અડધા મશીનની અંદર અને અડધા મશીનની બહાર પકડીને ઉભા રહેતા હતા. જેથી મશીનનો ટાઈમ આઉટ થાય કે તરત જ નાણાં કાઢી લેતા હતા.
જેના કારણે બેંકમાં આ નાણાં નીકળ્યાની કોઈ એન્ટ્રી થાય નહીં અને બેંકમાં આ બાબતે ફરિયાદ કરો તો સાત દિવસમાં જે તે બેંક એકાઉન્ટમાં નાણાં પરત મળી જાય ત્યારે આ રીતે બેંક સાથે છેતરપિંડી આચરતા હતા.સાયબર ક્રાઈમની તપાસમાં આરોપીઓ હરિયાણાના હોવાનું સામે આવ્યું છે. જ્યારે પોલીસે બાતમીના આધારે રિલીફ રોડ પાસેથી બંનેને ઝડપી પાડ્યા છે.પોલીસે ઝડપાયેલા બન્ને શખ્સો પાસેથી અલગ અલગ બેન્કોના 30 જેટલા એટીએમ કાર્ડ પણ કબજે કર્યા છે.