Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં ગુન્હેગારોને તો જાણે પોલીસનો કોઈ ડર જ ના રહ્યો તેમ હત્યાના બનાવો સામે આવી રહ્યા છે એક સપ્તાહ પૂર્વેની જ વાત છે કે બેડી વિસ્તારમાં સમી સાંજે એડવોકેટ હારુન પલેજાની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી અને સાયચા ગેંગ સહિતના 15 ઈસમો વકીલને મોતને ઘાટ ઉતારીને ચાલ્યા ગયાની ઘટનાએ રાજ્યભરમાં ચકચાર જગાવી છે ત્યાં જ આજે બીજી ચર્ચાસ્પદ કહી શકાય તેવી હત્યાની ઘટનામાં એક બાળકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા પોલીસ દોડતી થઇ છે, આ ઘટનામાં મળતી વિગતો મુજબ જામનગર શહેરના રાજપાર્ક વિસ્તારમાં વસવાટ કરતા એક પરીવારની 12 વર્ષની માસુમ દીકરી દ્રષ્ટિ કારાવદરા નામની બાળકીની હત્યા તેના પરિવારના નજીકના વ્યક્તિએ નીપજાવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
જામનગર એસ.પી.પ્રેમસુખ ડેલુએ વાતચીત દરમિયાન કહ્યું કે “હત્યા નીપજાવનાર લાલજી પંડ્યા અને મૃતક બાળકી દ્રષ્ટિના પિતા રાજેશભાઈ કારાવદરા સાથે ટ્રક ડ્રાઈવિંગ કરતા હતા, અને રાજેશભાઈના ઘરની બાજુમાં જ આરોપી લાલજીએ પણ ભાડે મકાન રાખ્યું હતું અને મૃતકના ઘર પરિવાર સાથે જ આરોપીની ઉઠક બેઠક જમવા સહિતની રહેતી હતી, આરોપીએ થોડા વર્ષો પૂર્વે તેની પત્નીની પણ હત્યા નીપજાવી હતી અને 14 વર્ષ બાદ જેલમાંથી મુક્ત થયેલ હોવાનો અમારી પ્રાથમિક તપાસમાં સામે આવે છે, અને થોડો માનસિક ટાઈપનો આ હત્યારો મૃતક દ્રષ્ટિને પણ પોતાની દીકરી જ માનતો હતો જો કે હત્યા ક્યાં કારણોસર કરવામાં આવી તે હજુ સ્પષ્ટ નથી અમારી અલગ અલગ ટીમો અલગ અલગ દિશાઓમાં આરોપીને શોધવા માટે કામે લાગી છે”
આમ આ બનાવે જામનગર શહેર અને સૌરાષ્ટ્રમાં ખળભળાટ મચાવી દીધો છે અને જામનગર સ્થાનિક પોલીસ, એલસીબી એસઓજી સહિતની ટીમો તપાસમાં કામે લાગી છે.