Mysamachar.in-અમદાવાદઃ
ગુજરાતના બહુ ચર્ચિત પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં સીઆઇડી ક્રાઇમને મોટી સફળતા હાથ લાગી છે. હત્યાકાંડના મુખ્યસૂત્રધાર મનિષા ગોસ્વામી અને સુજીત ભાઉની ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી છે. થોડા મહિના પહેલા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી કચ્છથી અમદાવાદ ટ્રેનમાં આવી રહ્યાં હતા એ દરમિયાન ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા પાછળ સૂત્રધાર ભાજપના પુર્વ ધારાસભ્ય છબીલ પટેલ અને મનિષા ગોસ્વામી હોવાનું સામે આવ્યું હતું. મનિષા અને છબીલ પટેલે જયંતિનો કાંટો કાઢી નાખવા માટે હાથ મીલાવ્યો હતો અને સાથે મળી મહારાષ્ટ્રથી સાર્પશૂટરોને રૂપિયા 30 લાખની સોપારી આપી પ્લાનિંગ સાથે હત્યા કરાવી હતી.
એક જ પાર્ટીમાં પોતાના હરીફ જયંતીનો કાંટો કાઢવા માટે છબીલ પટેલે સાબરમતી જેલમાં રહેલી મનીષાનો સંપર્ક કર્યો હતો. જયંતિના ખોટા ધંધા અને કાળા કરતુતોની તમામ માહિતી મેળવી હતી. મનીષાના જામીન થાય તે માટે મદદ કરી હતી. ત્યારબાદ જયંતિ ભાનુશાળીની હત્યા માટે છબીલ પટેલે મનિષા ગોસ્વામીને પુના ખાતે શાર્પ શૂટર સાથે મુલાકાત કરાવી હતી. આ સાર્પ શૂટરમાં એક શશિકાંત કાંબલે અને બીજો શેખ અસરફનો સમાવેશ થાય છે. આ બંને મહારાષ્ટ્રના રહેવાસી છે. સોપારી આપ્યા બાદ શાર્પ શૂટરોને ગુજરાતમાં રહેવાની વ્યવસ્થા આરોપી મનિષાએ કરી આપી હતી. તેઓ છબિલ પટેલના ફાર્મ હાઉસમાં રોકાયા હતા.ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા માટે ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે રૂપિયા 30 લાખની સોપારી શંશીકાંત ઉર્ફે બિટિયા દાદાને આપી હતી. જો કે સમગ્ર હત્યાકાંડ બાદ દુબઇ ફરાર થઇ ગયેલા છબીલ પટેલે શરણાગતિ સ્વીકારી સામેથી SIT સમક્ષ હાજર થઇ ગયો હતો. હવે તેના અન્ય સાગરિત મનિષા અને સુજીત ભાઉની ધરપકડકથી સીઆઇડી ક્રાઇમને મોટી સફળતા મળી છે.