Mysamachar.in-ગાંધીનગર:
એક સામાન્ય તર્ક: ગુજરાતની આસપાસના અને બિહારને બાદ કરતાં દેશભરના રાજ્યોમાં કયાંય દારૂબંધી નથી, બધે જ છૂટથી દારૂ મળે છે, લાખો વાહનચાલકો દારૂના બંધાણી હોય છે. અને, ગુજરાતમાં પણ દારૂબંધી હોવા છતાં નશાખોરો માટે બધી જ વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. ગુજરાત સિવાયના રાજ્યોના વાહનચાલકો ગુજરાતમાં હોય ત્યારે, અહીં પણ દારૂ મળતો હોય, દારૂ પીધાં વિના રહે ? અને, ગુજરાતીઓ પણ દારૂ પી ને વાહનો ચલાવવાની આદતો ધરાવે જ છે- ખુદ સરકારના આંકડા કહે છે.
આવી સ્થિતિઓ વચ્ચે, જીવલેણ અકસ્માતો ન થાય તો જ નવાઈ કહેવાય. દારૂ પી ને વાહનો ચલાવતા લોકોએ અકસ્માત કર્યા હોય, તેવા આંકડા વધી રહ્યા છે, આવા અકસ્માતોમાં મોતનું પ્રમાણ પણ અતિ ગંભીર રીતે વધી રહ્યું છે. સાદી ભાષામાં…ગુજરાતમાં દારૂનો દૈત્ય લોકોને નિર્દય રીતે ભરખી રહ્યો છે !!

દારૂબંધીવાળા ગુજરાતમાં વર્ષ 2023 દરમિયાન દારૂ પી વાહન ચલાવવા બદલ 27,495 ચાલકો વિરુદ્ધ કેસ દાખલ થયા. કેસ દાખલ ન થતાં હોય, એ આંકડો આના પરથી સમજાઈ શકે. ગુજરાત વિધાનસભામાં આ આંકડો વર્ષ 2023-24ના રોડ સેફટી રિપોર્ટમાં રજૂ થયો. 2 વર્ષ અગાઉ આવો એક રિપોર્ટ જાહેર થયેલો તેની સરખામણીએ આ આંકડો બમણો થઈ ગયો. મતલબ, ગુજરાતમાં દારૂની રેલમછેલ વધી રહી છે. આટલાં કેસ અને આટલો દારૂ પકડાઈ જતો હોવા છતાં, ખરેખરો બિઝનેસ કેટલાં અબજ રૂપિયાનો હશે ? અને, એ ત્રિરાશિ મુજબ પોલીસવિભાગની ‘કમાણી’ કેવડી હશે ?!
રિપોર્ટ અનુસાર: વર્ષ 2023માં હેલ્મેટ ન ધારણ કરવાના 3,31,445 કેસ દાખલ થયા. સીટ બેલ્ટ નિયમ ભંગના 4,21,082 કેસ, ઓવર સ્પીડીંગના 1,66,831 ગુના, ટ્રાફિક સિગ્નલ તોડવાના 3,23,809 ગુનાઓ, ચાલુ વાહને મોબાઈલ ઉપયોગના 2,08,404 ગુનાઓ – એમ આ વર્ષ દરમિયાન કુલ 14.79 લાખ ગુના દાખલ થયા.
ગુજરાતમાં મે-2024ની સ્થિતિએ, કુલ વાહનોની નોંધણી 2.46 કરોડ, લાયસન્સ વિનાના વાહનોના ઉપયોગના 56,871 કેસ, વીમા વગર વાહનનો ઉપયોગ 38,570 કેસ, પરમિટ વિનાના વાહનનો ઉપયોગ 9,411 કેસ, ઓવરલોડના 37,651 કેસ, યોગ્ય પ્રમાણપત્ર વગર વાહન ચલાવવાના 28,335 કેસ, ઓવર ડાયમેન્શનલ કાર્ગોના 5.05 લાખ કેસ દાખલ થયા. વાહનોની સ્પીડ માપવા માટેની ગનથી સજ્જ હોય એવા ઈન્ટરસેપટર વાહનો RTO હસ્તકની 35 ઓફિસ દ્વારા સંચાલિત છે, જે ધોરીમાર્ગો પર પેટ્રોલિંગ કરે છે, એમ સરકાર કહે છે.(ફાઈલ તસ્વીર)
