Mysamachar.in-જામનગર:
લોકસભાની ચૂંટણી સંદર્ભમા ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના ૭૮-જામનગર (ઉતર) વિધાનસભા મત વિસ્તારનું કાર્યાલય શરૂ સેક્સન રોડ શિવમ પેટ્રોલપંપ પાસે અને ૭૯-જામનગર (દક્ષિણ) વિધાનસભા મતવિસ્તારનું કાર્યાલય અંબિકા ડેરી સામે દિગ્વિજય પ્લોટ નજીક એમ બંને મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે અગ્રણીઓ અને કાર્યકરોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.

કાર્યાલયોના ઉદ્ઘાટન પ્રસંગને સંબોધતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ કહ્યું કે મોદી સરકારના ૫૫ માસના સુશાસન અને બે જવાબદાર વિપક્ષ વચ્ચેની આ ચૂંટણી છે. માત્ર એક સાંસદ નહીં પરંતુ દેશના કર્ણધાર નક્કી કરવાની આ ચૂંટણી છે. રાષ્ટ્રદ્રોહની કલમ હટાવવાનું ચૂંટણી ઢંઢેરામાં કહેનારીએ કોંગ્રેસ કોનો ફાયદો ઈચ્છે છે? તેવો હુંકાર પણ માંડવિયા એ કર્યો હતો અને કહ્યું કે દેશના ઉજ્જવળ ભવિષ્ય અને રાષ્ટ્રની સંપત્તિ, સરહદોની ચોકીદારી માટે પીએમ નરેન્દ્ર મોદી બને તે જરૂરી છે.

જ્યારે જામનગર દક્ષિણના ધારાસભ્ય કેબિનેટ મંત્રી આર.સી.ફળદુએ જણાવેલ કે, નરેન્દ્રભાઈની સરકારે સત્તાની તાકાતનો ઉપયોગ દેશવાસીઓની સુખાકારી માટે કર્યો છે, તેથી દેશની જનતા ફરી મોદીજીને સતારૂઢ કરવા થનગને છે, રાષ્ટ્રહિત પહેલા સતા પછી એ ભાજપનો સિદ્ધાંત રહ્યો છે. મોદી સરકારની કામગીરી અને પુનમબેનની સક્રિયતા ધ્યાને લઇ જંગી સરસાઈ અપાવવા પણ આર.સી.ફળદુએ પોતાના સંબોધનમા લોકોને અપીલ કરી હતી,તો રાજ્યમંત્રી અને જામનગર ઉત્તરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાએ પોતાના સંબોધનમાં મોદીજીની વિકાસની રાજનીતિથી પ્રેરાઈને ભાજપમાં આવ્યો હોવાનું કહી ઉમેર્યુ હતું કે આ વિસ્તારના લોકો મને આપેલી લીડ કરતા પણ વધુ લીડ પૂનમબેનને અપાવી મોદી સરકારના પુનઃનિર્માણમાં સહભાગી બને તેવી અપીલ કરી હતી,

પાંચ વર્ષ સુધી સાંસદ તરીકે અસરકારક કામગીરી કરનાર લોકલાડીલા સાંસદ પૂનમબેન માડમે તેમનો પ્રતિભાવ આપતા જણાવેલ કે લોકોના આશીર્વાદથી જ મને ફરી જામનગર બેઠક માટે પક્ષે જવાબદારી સોંપી છે. ત્યારે પૂનમબેને જણાવ્યુ કે સંસદીયક્ષેત્રના લોકો માટે હમસફર ટ્રેન હોય, જામનગરની પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર હોય, ઉદ્યોગના ટેકસ સહિતના પ્રશ્નો હોય, પીવાના પાણીની વાત હોય, ખેડૂતોના પાક વીમો કે જમીન માપણીના પ્રશ્નો હોય કે સિંચાઇનું કામ હોય લોકોના, પાર્ટીના નેતાઓના સહકારથી સરકારમાં હકારાત્મક પરિણામો લાવી શક્યાનો આનંદ પૂનમબેને પોતાના સંબોધનમા વ્યક્ત કર્યો હતો,

ભાજપના ઉમેદવાર પૂનમબેને વધુમાં જણાવ્યુ કે ગુજરાતના રાજ્ય ધોરીમાર્ગમાંથી ૩ ધોરીમાર્ગની પસંદગી રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવા માટે જામનગર સંસદીય ક્ષેત્રમાંથી થઈ છે. સૌની યોજના થકી રણજીતસાગર, ઉંડ, આજી-૩માં નર્મદાનું પાણી ભરાયું છે. જી.જી.હોસ્પિટલનું, મેડિકલ કોલેજનું નવું-અદ્યતન બિલ્ડીંગમાં સ્થળાંતર થયું હોવાનો ઉલ્લેખ પણ કર્યો,5 વર્ષમાં વિચાર્યું નહોતું એટલા કામ આ વિસ્તાર માટે થયા છે.કોંગ્રેસે કાયમ મતનું રાજકારણ રચ્યું છે, જ્યારે ભાજપ હંમેશા વિકાસની રાજનીતિ કરે છે. કોંગ્રેસની સરકાર અને પક્ષ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની માફક વર્તે છે. મોદી સરકારે આરોગ્ય સેવા ક્ષેત્રે વિક્રમ સર્જ્યો છે. દરેક વર્ગને એક તાંતણે બાંધવા મોદી સરકારે અભિયાન છેડયું છે.

કોંગ્રેસના ધારાસભ્ય તેના ઉમેદવારનું પૂરું નામ નથી ખબર તો તે સંસદીય ક્ષેત્રને કેવી રીતે સાચવશે? કાર્યકરોની ઓળખાણ થશે ત્યાં સુધીમાં ચૂંટણી પૂરી થઈ ગઈ હશે. ચાર જણાએ અહી લડવાની ના પાડ્યા પછી ઉમેદવાર માંડ મળ્યા તેવી સ્થિતિ કોંગ્રેસની છે, પુનમબેને અંતમાં જણાવેલ કે જેટલી લીડ વધુ તેટલી જવાબદારી વધુ. “લીડ” એ ઉમેદવારમાં લોકોનો કેટલો વિશ્વાસ અને અપેક્ષા છે તે માપવાનું માધ્યમ છે.

શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચાએ પણ ગત ચૂંટણી કરતા સવાઈ લીડ પૂનમબેનને આપવા ઉપસ્થિત સૌ કોઈને હાકલ કરી હતી અને દેશમાં ૩૦૦ કમળ ખીલશે. હસમુખ હિંડોચાએ કહ્યું કે હાર્દિકે તેના સમાજનો ઉપયોગ કોંગ્રેસ માટે કર્યો છે. જાગૃત મતદારોના મતથી જામનગર જીતીશુ અને દેશ પણ જીતીશું તેવો વિશ્વાસ કાર્યાલયોના ઉદ્ઘાટન સમયે વ્યક્ત કર્યો હતો,

કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે મેયર હસમુખભાઈ જેઠવા, પૂર્વમંત્રી વસુબેન ત્રિવેદીએ પણ પ્રાસંગિક ઉદ્દબોધન કરી પુનમબેનને ઐતિહાસિક લીડથી જીતાડી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા લોકોને આહવાન કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ, ડેપ્યુટી મેયર કરસનભાઈ કરમુર સ્ટે.કમિટીના ચેરમેન સુભાષભાઈ જોશી, નેતા દિવ્યેશભાઈ અકબરી, દંડક જડીબેન સરવૈયા પૂર્વ મેયરો, પૂર્વ ધારાસભ્ય સંગઠનના હોદ્દેદારો, વિવિધ વોર્ડના કોર્પોરેટરો, શહેર ભાજપના પૂર્વ પ્રમુખો વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓ, કાર્યકરો તથા નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેના લીધે પૂનમબેન માડમ નું કમળ ખીલવું નિશ્ચિત બની રહયુ હોય તેવો માહોલ ઉભો થયો હતો.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.