Mysamachar.in:અમદાવાદ
ગુજરાત સહિત દેશભરમાં આર્થિક નબળાં વર્ગ (સવર્ણ) માટે શિક્ષણ તથા નોકરીઓમાં 10 ટકા અનામતની વ્યવસ્થા અમલમાં છે પરંતુ તાજેતરમાં કેટલાંક તબીબી છાત્રોએ આ અનામત મુદ્દે હાઈકોર્ટમાં એક પિટિશન ફાઇલ કરી, ઓલઓવર મેડિકલ બેઠકો વધારવા મુદ્દે દાદ માંગી હતી પરંતુ અદાલતે આ માંગ ફગાવી દીધી છે. તબીબી વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવા ઇચ્છતા 9 છાત્રોએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી એવી દાદ માંગી હતી કે, મેડિકલ વિદ્યાશાખામાં બેઠકો વધારી આપવા અંગે અદાલત રાજય અને કેન્દ્રની સરકારોને નિર્દેશ આપે. અદાલતે આ પિટિશન ફગાવી દીધી છે.
આ પિટિશનમાં એમ કહેવામાં આવ્યું હતું કે, આર્થિક નબળાં વર્ગ માટે મેડિકલ શાખામાં પ્રવેશ વખતે 10 ટકા અનામત રાખવામાં આવી હોય, એટલાં પ્રમાણમાં જનરલ બેઠકો ઘટી જાય છે. જેથી આ EWS વર્ગ સિવાયનાં વર્ગના જે છાત્રો છે તેઓને પ્રવેશ મેળવવામાં તકલીફ પડે છે. પ્રવેશથી વંચિત રહેવું પડે છે. આથી સરકાર મેડિકલ વિદ્યાશાખામાં જનરલ કવોટાની બેઠકોની સંખ્યા વધારી આપે એ પ્રકારનો નિર્દેશ રાજય સરકાર તથા કેન્દ્ર સરકારને આપવામાં આવે. આ પિટિશનની સુનાવણી દરમિયાન જસ્ટિસ નિખીલ કારિયેલએ કહ્યું કે, આ અનામત સરકારની એક યોજના છે. અને સુપ્રિમ કોર્ટની બંધારણીય બેન્ચ દ્વારા લેવામાં આવેલો નિર્ણય છે. તેનાં વિષે હું કેવી રીતે અભિપ્રાય આપી શકું ? જો કોઈ વ્યકિતને આ અનામતને કારણે પ્રવેશ ન મળતો હોય તો તેણે અન્ય કોઈ વિકલ્પ પસંદ કરવો પડે. અને મેડિકલ બેઠકોની સંખ્યા અનલિમિટેડ ન રાખી શકાય, એ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાફ તથા નાણાં વગેરે વ્યવસ્થા કરવી પડતી હોય છે.
આ ઉપરાંત અદાલતે એમ પણ કહ્યું કે, મેડિકલ બેઠકોની સંખ્યા કેટલી રાખવી ? વધારવી કે કેમ ? વગરે નીતિવિષયક બાબતો છે. એ સરકારનો વિષય છે. અદાલત એમાં કશું જ ન કહી શકે. જો સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ ન મળે તો, ખાનગી મેડિકલ કોલેજમાં પણ પ્રવેશ મેળવી શકાય. અદાલતે આ અરજદારોને દલીલો દરમિયાન એમ પણ કહ્યું કે, મેડિકલ વિદ્યાશાખામાં જ પ્રવેશ મેળવવા કોઈ તમને દબાણ નથી કરતું. અન્ય શાખાઓમાં પણ અભ્યાસ કરી શકાય છે.