Mysamachar.in:અમદાવાદ
ગુજરાત પોલીસમાં હજારો જગ્યાઓ ખાલી છે, એક તબક્કે તો વડી અદાલતે સરકાર તથા ગૃહ વિભાગને એમ પણ પૂછી લીધેલું કે, આ સ્થિતિમાં તમે રાજ્યમાં પોલીસદળનું સંચાલન કેવી રીતે કરી શકો છો ? આ મામલો હાલ પણ વડી અદાલતમાં ચાલી રહ્યો છે. અદાલત આ મામલામાં સુઓમોટો સુનાવણીઓ કરી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પાંચ વર્ષથી આ મહત્વપુર્ણ મુદ્દામાં અંતિમ સ્ટેજ સુધી પહોંચી શકાયું નથી. હવે અદાલતે રાજ્ય સરકારને જણાવી દીધું કે, આ અંતિમ તક છે.
ગુજરાત પોલીસતંત્રમાં જૂના મહેકમ મુજબ પણ અસંખ્ય જગ્યાઓ ખાલી હોવાને કારણે, 2019 ના સુપ્રિમ કોર્ટના હુકમ બાદ, ગુજરાતમાં આ મુદ્દે સુઓમોટો રિટ દાખલ થયેલી જેની સુનાવણી દરમ્યાન, રાજ્યની વડી અદાલતમાં સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી કે, હાઈકોર્ટના આદેશ મુજબ અમો વિવિધ કેડરમાં કેટલી પોસ્ટ છે, કેટલી ભરતીઓ કાઢવામાં આવી છે એ તમામ વિગતો એકત્ર કરી રહ્યા છીએ. તેથી બે સપ્તાહનો સમય આપવામાં આવે.
વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની ખંડપીઠે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે, આ અંતિમ તક આપવામાં આવી રહી છે. અને આગામી સુનાવણીએ તમામ વિગતો સોગંદનામા મારફતે રજૂ કરવામાં આવે. કોર્ટ મિત્રને સોગંદનામાની એક નકલ એડવાન્સમાં આપવામાં આવે. આ કેસની વધુ સુનાવણી 22 એપ્રિલના રોજ રાખવામાં આવી છે.
અગાઉ વડી અદાલતે સરકારને ભરતી નિયમો રજૂ કરવા આદેશ આપ્યો હતો. એ સિવાય રાજ્યમાં તમામ પોસ્ટ માટે ભરતી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે કે કેમ ? તે તમામ વિગતો રજૂ કરવા આદેશ આપેલો. આ કેસની સુનાવણીએ અગાઉ સરકારે કોર્ટને જણાવેલું કે, સરકાર નજીકના ભવિષ્યમાં વિવિધ 12 હજાર પોસ્ટ પર ભરતીઓ શરૂ કરશે. જો કે તે સિવાયની અન્ય હજારો ખાલી જગ્યાઓ અંગે સરકારે કોઈ સ્પષ્ટતાઓ કરી ન હતી તેથી વડી અદાલતે આદેશ આપ્યો હતો કે, સરકાર 12,000 ભરતી કરશે તે સિવાય ટેક્નિકલ અને IB વિભાગની 29,000 જગ્યાઓ, SRPFની 4,500 જગ્યાઓ અને પોલીસ ખાતાની 23,516 જગ્યાઓ પણ હાલ ખાલી છે. આ તમામ પોસ્ટ પર કઈ રીતે સરકાર ભરતીઓ કરવા માંગે છે, એ અંગે આગામી સુનાવણીએ પ્રગતિ અહેવાલ રજૂ કરીને સ્પષ્ટતા કરે.
ખંડપીઠે આ આદેશમાં એમ પણ નોંધ્યું છે કે, રાજ્ય સરકારે સોગંદનામું કર્યું છે કે, જૂલાઈમાં યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પોલીસતંત્રની વિવિધ પોસ્ટ પર ભરતીઓ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વિવિધ વિભાગને એ અંગે જરૂરી માહિતી આપી દેવામાં આવી હતી. ગત્ ઓક્ટોબરમાં 12,000 ખાલી જગ્યાઓ ભરવા નિર્ણય લેવાયો હતો. જો કે, બાકીની ખાલી જગ્યાઓ ભરવા અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી.