જામનગર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં 27 ટકા OBC અનામતનો મુદ્દો ચર્ચાઓમાં છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ મામલે હાલ અદાલતી કાર્યવાહીઓ ચાલી રહી છે. અને, સુપ્રિમ કોર્ટમાં આ મામલો પડતર છે.
સમગ્ર રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં 27 ટકા OBC અનામતનો સમાંતર લાભ આપવાની બાબત જાહેર હિતની અરજીના કારણે વડી અદાલતમાં ચાલી રહી છે જેમાં સરકારે સોગંદનામા દ્વારા જવાબ દાખલ કર્યો છે અને તેમાં કહેવાયું છે કે, આ મામલો સુપ્રિમ કોર્ટમાં પડતર છે.
ગુજરાત હાઇકોર્ટમાં આ સુનાવણી આગામી મહિને યોજાશે. અન્ય રાજ્યોના આ સંબંધેના વિવાદ સુપ્રિમ કોર્ટ સમક્ષ વિચારાધીન છે. ગુજરાતમાં જાહેર હિતની અરજીમાં એવા મુદ્દાઓ છે કે, જ્ઞાતિ કે જાતિની સંખ્યાના આધાર ધ્યાનમાં લીધાં વગર આ અનામત જોગવાઈ લાગુ કરવામાં આવી છે. ઝવેરી પંચના રિપોર્ટની ભલામણોનો અમલ કરવામાં આવ્યો નથી. આ રિપોર્ટ પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો નથી. જ્યાં જનરલ કેટેગરીની અથવા ઓબીસી કેટેગરીની સંખ્યા વધુ હોય ત્યાં, આ સમાંતર 27 ટકા અનામત લોકહિતમાં કઈ રીતે હોય શકે, એમ પણ આ અરજીમાં કહેવાયું છે.