Mysamachar.in:જામનગર:દેવભૂમિ દ્વારકા:
ચૂંટણી લડવી ઘણાંનો શોખ હોય છે. ઘણાં લોકો તો ઉછીના રૂપિયા લઈને, ચૂંટણી ડિપોઝિટ ભરતાં હોય છે.! ઘણાં લોકો ડિપોઝિટ પેટે પરચૂરણ જમા કરાવતાં હોય છે. અને, ઘણાં અપક્ષોને તેઓનાં પરિવારજનો પણ મત આપતાં નથી ! સાથે સાથે એ વાત પણ યાદ રહે કે, ઘણી બેઠકો એવી પણ હોય છે જ્યાં NOTA અને અપક્ષોમાં પડેલાં મતોનો સરવાળો મહત્વનો પૂરવાર થતો હોય છે.પરિણામ નક્કી કરવામાં. અને, આવાં કિસ્સાઓમાં પરાજિત ઉમેદવારને સમજાઈ જતું હોય છે, અપક્ષોનુ મહત્વ. બાકી સામાન્ય સંજોગોમાં જ્યાં વિજેતાઓની લીડ બહુ મોટી હોય છે ત્યાં અપક્ષોમાં પડેલાં મતો વેડફાયેલા પૂરવાર થતાં હોય છે.
અત્રે નોંધનીય છે કે, 2017 ની વિધાનસભા ચૂંટણીમાં જામનગર સહિત સમગ્ર હાલારમાં અપક્ષોની સંખ્યા નોંધપાત્ર રહી હતી. કેટલીક બેઠકોમાં તો બબ્બે EVM મૂકવા પડ્યા હતાં. તેની સરખામણીમાં આ વખતે અપક્ષોની સંખ્યા જો કે મર્યાદિત છે પરંતુ સાથે-સાથે એ પણ જોવા મળી રહ્યું છે કે, હાલારની કુલ સાત બેઠકો પૈકી જામનગર શહેરની બે અને દ્વારકા તથા ખંભાળિયાની બેઠકો પર, બાહોશ ઉમેદવારો અને પાર્ટીઓ ‘ ગોઠવણ’ કરવામાં સફળ રહ્યા છે. તેઓનો ડર અપક્ષોની સંખ્યામાં પ્રતિબિંબિત થઈ રહ્યો છે ! તેઓને સફળતા મળશે કે કેમ ? તે પ્રશ્નનો જવાબ આઠમી ડિસેમ્બરે આપોઆપ સ્પષ્ટ થઈ જશે.
જામનગર જિલ્લાની પાંચ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે બેઠકો મળી કુલ સાત બેઠકોની વાત કરીએ તો, 76-કાલાવડ વિધાનસભા બેઠક પર મુખ્ય ત્રણ ઉમેદવારોને બાદ કરતાં અન્ય ઉમેદવારો માત્ર બે જ છે. 77-જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ઘણાં બધાં ઉમેદવારો હશે એવું સૌ માનતાં હતાં પરંતુ આ બેઠક પર ચાર મુખ્ય ઉમેદવારો સહિત કુલ માત્ર 6 જ ઉમેદવારો છે. આ બેઠક પર અપક્ષોને ખ્યાલ છે કે, ચારેય ઉમેદવારોની તરફેણમાં જ મતદાન થશે. અપક્ષોને આ બેઠક પર મતદારો મહત્વ નહીં આપે, એવું દેખાતાં ઘણાં લોકોએ ફોર્મ ભરવાનું ટાળ્યું હોવાનું સમજાઈ રહ્યું છે.
78-જામનગર ઉત્તર વિધાનસભા બેઠકની વાત કરીએ તો, આ બેઠક પર કુલ 11 ઉમેદવારો છે. જેમાં મુખ્ય ત્રણ ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. એ જ રીતે 79-જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક પર પણ મુખ્ય ત્રણ ઉમેદવારો ઉપરાંત અન્ય ઉમેદવારોની સંખ્યા નોંધપાત્ર છે ! આ બેઠક પર ‘ગોઠવણ’ વધુ ચોક્કસ તથા એક જ પેટર્ન ધરાવતી જોવા મળી રહી છે. 89-જામજોધપુર વિધાનસભા બેઠક પર મુખ્ય ત્રણ ઉમેદવારો સામે અન્ય 6 ઉમેદવારો પણ મેદાનમાં છે. આ બેઠક સાંકડી લીડવાળી બેઠક તરીકે મોટેભાગે ચર્ચામાં રહે છે ! આ વખતે તો વળી ત્રિપાંખિયો જંગ હોવાથી આ બેઠક પર કોઈ પણ પ્રકારનાં અપસેટ સર્જાઈ શકે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો, 81-ખંભાળિયા/ભાણવડ વિધાનસભા બેઠક પર મુખ્ય ત્રણ ઉમેદવારો ઉપરાંત અન્ય આઠ ઉમેદવારો જુદાં જુદાં પક્ષનાં બેનર હેઠળ અથવા અપક્ષ તરીકે લડી રહ્યા છે. એ જ રીતે આ જિલ્લાની બીજી બેઠક 82-દ્વારકા/કલ્યાણપુર વિધાનસભા બેઠક પર પણ મુખ્ય ત્રણ ઉમેદવારો ઉપરાંત અન્ય દસ ઉમેદવારો એવું માને છે કે, મતદારો તેઓને ઘણાં મતો આપશે. આ મતો ઉલટફેર કરી શકે છે, કેમ કે ગત્ ચૂંટણીમાં પણ આ બેઠકનો ઈતિહાસ આ પ્રકારનો જોવા મળ્યો હતો !