Mysamachar.in-જામનગર:
હાલારના બંને જીલ્લાઓની અમુક સરકારી કચેરીઓમાં એજન્ટોના રાજ ચાલે છે તેમ કહીએ તો ખોટુ નથી જો કે સરકારી ભાષા/હુકમોમાં ભાષા વૈભવ નહી પરંતુ વહીવટી વિજ્ઞાન મુજબ લખાણ હોય તેમ તાજેતરમાં ફરીથી જામનગર જીલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ એડીશનલ કલેક્ટરે જુદા જુદા સરકારી વિભાગોની સ્થિતિ તેમજ અમુક વિભાગોની દરખાસ્તો અરજદારોની અનેક ફરીયાદો,એજન્ટ પ્રથા રદ કરવાની સરકારની પણ નિતી….વગેરેને ધ્યાને લઇ જાહેરનામુ બહાર પાડ્યુ છે,
પરંતુ તે જાહેરનામાનો વિસ્તાર કરીએ તો થોડામાં જ આ જાહેરનામું ઘણું કહી જાય છે અને બીજી તરફ અમુક કચેરીઓમાં તો અમુક “દલાલો” એવા પેધી ગયા છે કે કોઇ અરજી,કોઇ ફરીયાદ,કોઇ હુકમ વગેરે ઇન્વર્ડ થાય ત્યાં તો તે દલાલોને ખબર પડી જાય(સાહેબો પાસે તો ક્યારે એ પ્રકરણ પહોંચે) ત્યાં તો આવા દલાલો તે વિષય ઉપર “વર્ક” કરવા લાગે છે ત્યારે પ્રશ્ન થાય કે આવા દલાલો સાથે કચેરી કે શાખાના કોઇ કર્મચારીઓની સાંઠગાંઠ હશે કે પછી કોઇ ભ્રષ્ટાચારની “ચાવી” હાથમાં રાખી અમુક કર્મચારીઓને નચાવતા હશે કે પછી કચેરી વતી આવા શખ્સ કે શખ્સો “દલાલી” કરતા હશે ને બ્રાંચના વડાઓ પણ મુક સાક્ષી બનતા હશે??? વગેરે અનેક સવાલ ઉભા થાય છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ મ્યુનિસપલ કમીશનર તેમજ બીજા વિભાગોના વડાઓએ જીલ્લા કલેક્ટરને આવા શખ્સો સામે પ્રતિબંધ મુકવા વિધીવત દરખાસ્ત કરી હતી ત્યારે વધુ એક વખત જુદી જુદી દરખાસ્તો ધ્યાને લઇ ને હુકમ થયો હોઇ પહેલા તો આવા ઇસમોને પ્રવેશ અંદર કે બહાર પ્રતિબંધ મુકતુ જાહેરનામું જોઇ લઇએ.
સરકારી કચેરીઓમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે છે.તેમજ આ કચેરીઓમાં રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના વિવિધ કામ માટે આવે છે. કેટલાક બનાવો પરથી જણાયું છે કે સરકારી કચેરીઓની આસપાસ તથા નજીકના સ્થળે કેટલાક ઈસમો એકલા અથવા ટોળામાં જાહેર જનતા પાસેથી છેતરપીંડી આચરી પૈસા પડાવે છે અથવા તો ગેરકાયદે પ્રવૃતિઓ કરી જાહેર જનતાને ગેરમાર્ગે દોરવા જેવી પ્રવૃતિઓ કરે છે, જો કે દલાલી કામ કરનારના વિડીયો પણ બજારમાં ધૂમ મચાવી રહ્યા છે.
આથી, જામનગર જિલ્લામાં આવેલ કલેકટર કચેરી, તમામ પ્રાંત અધિકારીઓની કચેરીઓ, તમામ તાલુકા મામલતદાર કચેરીઓ, ઝોનલ કચેરીઓ, જી.જી.હોસ્પીટલ, જિલ્લા પંચાયત કચેરી, જિલ્લા સેવા સદન-૨, જિલ્લા સેવા સદન-૩, જિલ્લા સેવા સદન-૪, મહેસુલ સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓ, પોલીસ અધિક્ષકની કચેરી, નાયબ પોલીસ અધિક્ષકની કચેરીઓ તથા તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ પોલીસ સ્ટેશનો, જામનગર મહાનગરપાલિકાની કચેરી તથા તે કચેરી હેઠળની ઝોન કચેરીઓ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી અને આર.ટી.ઓ. ચેકપોષ્ટ તથા જિલ્લામાં આવેલ તમામ અન્ય સરકારી કચેરીઓમા જયાં રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના કામ માટે આવતી હોય તેવી જિલ્લાની સરકારી કચેરીઓમાં સરકારી કામે આવેલ હોય, કામ કરતા હોય તેવા કે વાજબી કામે આવેલ હોય તે સિવાયના અનધિકૃત ઈસમો કે ઇસમોની ટોળીને ઉપરોક્ત કચેરીઓમા આવતા અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપવા જેવી પ્રવૃતિ કરી રહેલ ઈસમોને પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું ભાવેશ એન.ખેર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલ છે.
હવે ફરીથી મુખ્ય પ્રશ્ન એ કે આવુ જાહેરનામું પ્રસિધ્ધ કરવાની જરૂર કેમ પડી તેમજ આ વખતના જાહેરનામામાં ઘણી બધી કચેરીઓ આવરી લેવાઇ છે ત્યારે અમુક કચેરીઓમાં એજન્ટો ખુરશી ટેબલ ઉપર એવા બેઠા હોઇ કે ખબર જ ન પડે કે તે એજન્ટ છે કે કર્મચારી?? તે બાબત જીલ્લા વહીવટી તંત્રને ધ્યાને આવી હશે?
દરમ્યાન આ જાહેરનામાંના મુળ વિષય અંગે જુદી જુદી કચેરીઓની ચબરાકોએ એકઠી કરેલી વિગતોમાં ઘણા મુદાઓ ઉભરી આવ્યા છે જે સરકારી તંત્રો માટે ચિંતાજનક અને અરજદારો-આસામીઓ-પરવાનેદારો-રજુઆત કરનારો માટે ગેરમાર્ગે દોરનાર અથવા આર્થીક નુકસાન કરનાર બની શકે છે, કેમકે હાલારમાં અમુક (જિલ્લા મથક તાલુકા મથક વહીવટી તંત્રો સ્થાનિક સ્વરાજ્ય સહિત) સરકારી કચેરીઓમાં “ખાનગી” હેલ્પ ડેસ્કની ધૂમ “કમાણી” કે શું?? તેવા ચિંતાજનક અંદાજો ઉભા થયા છે જે વાસ્તવિકતા સાથે સંબંધ ધરાવે છે,
જો કે સરકારી કચેરીઓએ આવા ફુલતા ફાલતા દલાલો સામે ફોજદારી નોંધાવવી જોઇએ તો “એજન્ટો”માં સપાટો બોલી જાય કેમકે અમુક આવા વચેટીયાઓની મીલકત-વાહનો જોવા જેવા હોય છે-સીન સપાટા પણ જોવા જેવા હોય છે ત્યારે એ શંકા જરૂર ઉઠે કે રોજબરોજના વહીવટમાં/કચેરી કામગીરીમાં આ દરમ્યાનગીરી એ અમુક કર્મચારી કે અધીકારીની જ દેન હશે કે શું??
અમુક જાણકારોના મત મુજબ એસીબીના દરોડા-વીજીલન્સ તપાસ-વીડીયોગ્રાફી-આકસ્મીક તપાસણી-ખાનગી રીપોર્ટ વગેરેની તાતી જરૂર છે તેમજ સીસીટીવી કેમેરા સારા વીઝન સાથે ઓડીયો-વીડીયો કેમેરા મનપા સહિત અમુક કચેરીઓમા ખાસ જરૂરી છે એટલા માટે કે અમુક-અમુક તો “કોક” ઓઠા હેઠળ એવા પેધી ગયા છે કે ફાઇલો, રજીસ્ટર,ફોર્મ વગેરે પણ જાતે તપાસવા લાગ્યા છે તો વળી બીજા પ્રકારના એવા પણ છે કે ફોર્મ ભરી આપવાનો ધંધો કરે છે તો અમુક એવાય હોય છે કે કચેરીમાં અંદર કોઇ ઓળખતુ ન હોય તો પણ અરજદારોને આંબા આંબલી બતાવી રોજના બે પાંચ ફસાઇ તો ય એ કહેવાતા વચેટીયાનું તો કામ થઇ ગયુ ને?
અમુક “દલાલ શખ્સો” કર્મચારીઓ કે અધીકારીઓના બ્લેક મેઇલીંગ કરે છે તો કોક કોક આસામીને ભય બતાવી પોતાનો અડીંગો મજબૂત કરે છે- માટે જ આ નોટીફીકેશન મુજબ એક્શન લઇ દાખલો બેસાડવો પડે નહી તો આ દૂષણ સરકારના “હાથપગ”ને લકવાગ્રસ્ત કરશે તેવી સમીક્ષકોમાં ચિંતા છે એક એવું પણ સૂચન આવ્યુ છે કે સરકારના આવા જાહેરનામાને અસરદાર કરવા ફોર્મ-અરજીઓ-મંજુરી પ્રોસેસના માર્ગદર્શન કક્ષ બનાવે તે જરૂરી-પરંતુ અધુરા સ્ટાફ વચ્ચે એ પણ દરેક કચેરીઓમાં શક્ય નથી બની શકતુ તે પણ વાસ્તવિકતા છે.
એજન્ટ પ્રતિબંધનું આ જાહેરનામું મોટા અક્ષરથી સ્પષ્ટ વંચાય તેમ દરેક કચેરીઓમાં પ્રવેશ દ્વાર પાસે લગાડવાનું હોય છે તો પણ જુદા જુદા વિભાગો પોતે એજન્ટો હટાવવા પોતે સક્ષમ ન હોઇ જામનગર જીલ્લા કલેક્ટરને દરખાસ્ત કરવી પડે છે. જોકે જીલ્લા કલેક્ટર જાતે અને તેમનું તંત્ર આવી કોઇ પણ ગેરરીતી ડામવા કટીબદ્ધ હોવાનું સમીક્ષકો કહે છે
સરકારી કચેરીઓમાં આવતા અરજદારોને ગેરમાર્ગે દોરતા અનધિકૃત ઈસમો માટે કચેરીઓમાં પ્રતિબંધ કેદ અને દંડની જોગવાઇ છે છતાં ય એજન્ટોની “બહાદૂરી” તો જુઓ હવે તો કોર્પોરેશનની જેમ જ પોસ્ટ ઓફીસ-પાસપોર્ટ કચેરી-સમાજસુરક્ષા-જુદી જુદી સહાય યોજના કચેરીઓ આજુબાજુ “અમુક” કંઇ ન જાણનારા કાંતો શીશામાં ઉતારે કાંતો કંઇક ઝુટવી નાસી જાય છે અને અરજદાર મોં વકાસી બેસે છે લાચાર થઇ જાય છે.