Mysamachar.in-અમદાવાદ:
રાજ્યની વડી અદાલતે RTO વિભાગ અને પોલીસ વિભાગની કામગીરીઓ અંગે ઠપકો આપવા માટે જે શબ્દો પસંદ કર્યા એ શબ્દો કેટલી હદે આકરાં રહ્યા, એ જાણવું આવશ્યક લેખાશે. વડી અદાલતે આ ઠપકો અને ચેતવણી આપતી વખતે એવો પણ વસવસો વ્યક્ત કર્યો કે, આ માત્ર કોઈ એક શહેરની વાત નથી, આખા રાજ્યમાં આ પ્રકારની સ્થિતિઓ જોવા મળી રહી છે.
રાજ્યના શહેરોમાં લકઝરી બસોનો ગેરકાયદે પ્રવેશ, જાહેર માર્ગો પર પાર્કિંગ, રાજ્યમાં પરમિટ વિના દોડતાં વાહનો, સ્કૂલવાનમાં સીએનજી કીટ પર બેસાડવામાં આવતાં બાળકો સહિતના વિવિધ મુદ્દાઓ પર વડી અદાલતે RTO તંત્ર અને પોલીસ વિભાગને જોરદાર ઝટકો આપ્યો છે. વડી અદાલતે ત્યાં સુધી પૂછી લીધું કે, તંત્રની નાકામી મુદ્દે કોઈ બળવો કરે, તેની રાહ જૂઓ છો ? અથવા, આવું કાંઈ થશે ત્યારે ?!
હાઈકોર્ટે RTO અધિકારી, ગૃહ વિભાગના અન્ડર સેક્રેટરી તથા રાજ્યના ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરીના ઉચ્ચ અધિકારીઓને અદાલતમાં રૂબરૂ હાજર રખાવ્યા હતાં. જસ્ટિસ સંદીપ ભટ્ટે સમગ્ર સિસ્ટમ ખાડે ગઈ હોવા મુદ્દે અને જનતા ભયંકર રીતે હેરાન થઈ ત્રાહિમામ પોકારી ગઈ હોવા મુદ્દે સત્તાવાળાઓને આડે હાથ લીધાં હતાં.
હાઈકોર્ટે એક તબક્કે બહુ જબરદસ્ત માર્મિક ટકોર કરતાં કહ્યું: તમે બધાં પબ્લિકને સમજો છો શું ? કોઈ ત્રસ્ત થયેલો માણસ બળવો કરશે, ત્યારે તમે સરખું કામ કરશો ? તમે RTO કચેરી પ્રજા માટે ચલાવો છો કે એજન્ટો માટે ? વડી અદાલતે કાયદા અને નિયમોનું પાલન કરાવી જરૂરી પગલાંઓ ભરવા અને 4 સપ્તાહમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો.
વડી અદાલતે RTO, ટ્રાન્સપોર્ટ વિભાગના એડિશનલ કમિશનર અને ગૃહ વિભાગના અન્ડર સેક્રેટરી સહિતના અધિકારીઓને ફટકાર લગાવતાં જણાવ્યું કે, શું ચાલે છે તમારી RTO કચેરીઓમાં આ બધું ? વાહન ટ્રાન્સફર કરાવવા આવે એમાં 6-6 મહિનાઓ સુધી વાહન ટ્રાન્સફર થતાં નથી. મોટર વ્હીકલ એક્ટમાં શું જોગવાઈઓ છે? જણાવો. વાહનનો માલિક કોણ ગણાય? આજે કોઈ માણસ તેનું વાહન વેચી દે, પછી પણ તમે મહિનાઓ સુધી આ વાહનની માલિકી ટ્રાન્સફર ન કરો તો એનું જવાબદાર કોણ? એજન્ટ રાખો તો જ કામ થાય એવું છે. સામાન્ય જનતાને કેમ તકલીફ પડે છે?
ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિ ગુજરી જાય તો તેના પુત્રના નામે વાહન ટ્રાન્સફર ન થાય, તેની પત્નીના નામે જ વાહન ટ્રાન્સફર થાય, એમ તમારી કચેરી જણાવે છે. આવા નિયમો કયાંથી શોધી કાઢો છો? નાગરિકોને હેરાન કરવાના એટલે એ કંટાળી એજન્ટને પકડે. એજન્ટ તમને લાભ કરી આપે, પછી જ તમે કામ કરો છો. બધું કહેવા ખાતર ઓનલાઈન છે, ફીટનેસ સર્ટિફિકેટમાં પણ કેટલો સમય લો છો તમે. રોડ પર જઈ ચેક કરો છો કે, કેટલાં વાહનો સર્ટિફિકેટ વિના ફરે છે? વાહનો પાસે પરમિટ છે કે નહીં, એ ચેક કરો છો? તમારે બેસીને બસ ખાલી એજન્ટો સાથે લાયઝનીંગ કરવાનું.
અદાલતે વધુમાં જણાવ્યું કે, RTO કચેરી જનતા માટે છે કે એજન્ટો માટે? શું સ્ટાફને આર્થિક લાભ થાય તેના માટે કચેરી ચલાવો છો? જો સિસ્ટમ ઓનલાઈન હોય તો, એ જ દિવસે કામ થવા જોઈએ, પણ કેમ નથી થતાં? લાયસન્સ, ટ્રાન્સફર કે રિન્યુ કોઈ પણ કામ હોય, દિવસો સુધી પડ્યા રહે છે. સર્વર ધીમું છે, સ્ટાફ રજા પર છે, બધાં બહાના. પણ જો એજન્ટને પકડો, સવારે કામ આપો અને સાંજે થઈ જાય, તમારાં બધાં ક્રાઈટેરીયા બદલાઈ જાય. તમારે સિસ્ટમમાં સુધારો કરવાનો છે કે, હાઈકોર્ટ બધું તેના ઓર્ડરમાં જણાવે?
હાઈકોર્ટે ભારે દુ:ખ સાથે જણાવ્યું કે, સિસ્ટમ બિલકુલ ખાડે ગઈ છે અને એકદમ અંધેર તંત્ર છે. તમારી એટલી બૂમ(ત્રાસ) છે કે, ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બરાબર કામ નથી કરતાં, લાયસન્સ સમયસર નથી આપતાં, પરમિટ ચેક નથી કરતાં, લોકોના કામો દબાવી રાખો છો. અખબારોમાં ફોટા આવે છે એ તો ધ્યાનમાં લો. રીક્ષામાં પાછળ દફતર લટકતાં હોય છે. દસ-દસ પેસેન્જર બેઠાં હોય છે. સ્કૂલવાનમાં જોખમી રીતે કેટલાં બાળકો ભર્યા હોય છે.
પોલીસ વિભાગને પણ ઉધડો લેતાં વડી અદાલતે કહ્યું: પોલીસ કે ટ્રાફિક વિભાગને તો કંઈ કહેવા જેવું નથી. નજર સામે બધું જ જુએ છે, છતાં પગલાંઓ લેતાં નથી. ખાનગી કાર પેસેન્જર ભરવા ઉભી હોય, તેની બાજુમાં લકઝરી બસો, એસટી બસ, એક બાજુ લારીઓ ઉભી હોય અને જનતાને જવા અહીં કોઈ રસ્તો ન હોય, પોલીસે સતાનો નિષ્ઠાપૂર્વક ઉપયોગ કરી ખરેખર તેની ફરજો બજાવવી જોઈએ.
હાઈકોર્ટે RTO સત્તાવાળાઓને બહુ માર્મિક ટકોર કરતાં કહ્યું: તમારે તો સ્કૂલવર્ધી એસોસિએશનવાળા તમાશો કરે એટલું જ જોઈતું હોય, પહેલેથી નક્કી જ હોય, તમારૂં બધાંનું સેટીંગ(એડજસ્ટમેન્ટ) જ હોય કે, તમે ઉહાપોહ કરશો એટલે દોઢ બે મહિનાની છૂટ આપીશું. પછી કોઈ પગલાંઓ નહીં લેવાના. કારણ કે, તમારાં બધાંનો એમાં ફાયદો છે, કંઈક ને કંઈક.નહીં તો તમારી ફરજ છે, કેમ ડયૂટી નથી કરતાં.
વડી અદાલતે RTO સત્તાવાળાઓને ફટકાર લગાવતાં કહ્યું: નાગરિકો રોજ નાના કામો માટે ધક્કા ખાય, હેરાન થઈ જાય અને તમે કહો સર્વર સ્લો ચાલે છે, સ્ટાફ ઓછો છે, પરંતુ જો તમે એજન્ટ રાખો તો એ જ કામ બીજે દિવસે પતી જાય. તમે જાતે કયારેય કચેરીએ ગયા છો, એક બારીથી છેલ્લી બારી સુધી, સાંજ સુધી તમારો કોઈ પતો જ ન લાગે. ઓનલાઈન સિસ્ટમ કર્યા છતાં એટલી બધી જટિલ અને ગૂંચવાડાભરી સિસ્ટમ બનાવી દીધી છે કે, પબ્લિક ભયંકર રીતે હેરાન થઈ રહી છે. RTO કચેરીનું અણઘડ તંત્ર છે, અધિકારીઓ તેમની ફરજ નિષ્ઠાપૂર્વક નથી બજાવતા. હાઈકોર્ટ આ મામલે નક્કર પરિણામ અને પગલાંઓ ઈચ્છે છે.
વડી અદાલતે RTO, ટ્રાન્સપોર્ટ કમિશનર અને ગૃહ મંત્રાલયના અધિકારીઓને સાફ શબ્દોમાં કહ્યું: હવે સમય આવી ગયો છે કે, તમારે ટોચના અધિકારીઓની જવાબદારીઓ નક્કી કરવાની જરૂર છે. જો અકસ્માતમાં કોઈનું મૃત્યુ થઈ જાય અને તેની પાસે લાયસન્સ ન હોય, વાહનની પરમિટ ન હોય, ત્યારે જેતે અધિકારીઓની જવાબદારીઓ નક્કી કરવામાં આવશે અને હા, એટલું ધ્યાન રાખજો કે, આ વાત માત્ર કોઈ એક શહેર માટે નથી, આખા ગુજરાત માટે છે.
જસ્ટિસ સંદીપ ભટ્ટે શહેરોમાં લકઝરી બસોના ગેરકાયદેસર પ્રવેશ અને આડેધડ પાર્કિંગ બાબતે પોલીસ વિભાગનો ઉધડો લીધો. અને જણાવ્યું કે, લકઝરી બસો સામે કેમ પગલાંઓ લેવાતા નથી. વડી અદાલતના હુકમો છે છતાં પોલીસ નિષ્ક્રિય છે. લાગે છે કે પોલીસને જરાય રસ નથી. તમારી સિસ્ટમ કયારેય સુધરવાની નથી. સામાન્ય માણસ કેટલો હેરાન થાય છે તેનો તમને ખ્યાલ છે? પોલીસની ડ્રાઇવ આંખમાં ધૂળ નાખવા સમાન છે. શહેરોમાં રોજ કેટલાં લોકો અકસ્માતમાં મરે છે, વિચારો તો ખરા, ગુનાહિત બેદરકારીઓમાં તમારૂં નામ પણ આવશે. અદાલત એવું કરવા માંગે છે કે, જે વિસ્તારમાં અકસ્માત થશે તો તે વિસ્તારના પોલીસ અધિકારીઓ અને RTO અધિકારીઓની જવાબદારીઓ ઠરશે.(file image source:google)