Mysamachar.in-ગાંધીનગર
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ સંબોધન કરતા જણાવ્યું કે રાજ્યની ખેડવાણ જમીનમાં વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય કરીને કૃષિ અને બાગાયત ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસથી બાગાયતી તેમજ ઔષધિય પાકોની ખેતીનો વ્યાપ વધારવાના નક્કર પરિણામલક્ષી આયોજન સાથે એક મહત્વપૂર્ણ કદમ રૂપે ‘મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન’ની જાહેરાત કરી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલી ખેડવાણની સરકારી પડતર જમીનોને 30 વર્ષના લાંબાગાળાના લીઝ પર ફાળવી તેને ઉપજાઉ બનાવીને બાગાયતી અને ઔષધિય પાકોની ખેતીથી વધુ આવક મેળવવાનો અને આવા પાક ઉત્પાદનના વેલ્યુએડીશનથી એકસપોર્ટ-નિકાસનું પ્રમાણ વધારવા તથા રોજગારના નવા અવસરો સર્જવાનો આ ‘મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન’નો મુખ્ય ઉદેશ્ય હોવાનું રૂપાણીએ કહ્યું,
મુખ્યમંત્રીએ ખાસ કરીને રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં પિયત પાણી આપવાની યોજનાની સફળતાને પરિણામે આ વિસ્તારોની બિન ઉપજાઉ જમીનોને પણ આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ફળ-ઝાડની વાડીમાં પરિવર્તીત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, હવે રાજ્ય સરકારે આ જિલ્લાઓમાં આવેલી બિન ઉપજાઉ ઉજ્જડ-બંજર પડતર સરકારી જમીનોમાં પણ અદ્યતન ટેકનોલોજીના સમન્વયથી બાગાયતી ઔષધિય પાક સમૃદ્ધિ દ્વારા નવઘડતર અને ખેડૂતોની આવક બમણી કરવા, રોજગારસર્જન વધારવા આ મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની પહેલ કરી છે. મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનનો પ્રથમ તબક્કે રાજ્યના પાંચ જિલ્લા કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અમલ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
આ મિશન અન્વયે બાગાયતી તથા ઔષધિય પાકો માટે રાજ્યમાં આવેલી બિન ઉપજાઉ સરકારી પડતર જમીનમાંથી રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલા વિસ્તારો અને સરવે નંબરની અંદાજે 20 હજાર હેક્ટર જમીન ફકત આવા પાક વાવેતર માટે 30 વર્ષની લીઝ-ભાડાપટ્ટે ફાળવવામાં આવશે. આના પરિણામે, બિન ઉપજાઉ સરકારી પડતર જમીનોનો યોગ્ય ઉપયોગ કરીને ફળ-ફૂલ, શાકભાજી, મસાલા તેમજ ઔષધિય પાકોની ખેતીનો વ્યાપ વધારવા પ્રોત્સાહન મળશે. રાજ્યનું કૃષિ ઉત્પાદન અને આવક વધારી નવી રોજગારીની તકો ઊભી થવાથી દેશના જી.ડી.પી.માં ગુજરાતના કૃષિ ક્ષેત્રનો ફાળો અગ્રેસર રહેશે અને પાઈલોટ પ્રોજેક્ટના ભાગરૂપે પ્રથમ આ 5 જિલ્લાઓમાં પ્રયોગ હાથ ધરવામાં આવશે.