Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં હાઉસિંગ બોર્ડના તથા મહાનગરપાલિકાઓના હજારો મકાનો અને અસંખ્ય ખાનગી સોસાયટીઓના મકાનો સમયના વહેવા સાથે જર્જરિત થયા હોય, સરકારે આવી સોસાયટીઓ અને વસાહતો માટે રિડેવલપમેન્ટ પોલિસી જાહેર કરી છે પરંતુ ગણતરીના કિસ્સાઓ બાદ કરતાં, આ પોલિસી રાજ્યમાં ખાસ સફળ થઈ નથી અને જામનગરમાં તો આ પોલિસી ઉંધા મોંની પછડાટ અનુભવી રહી છે. આ પોલિસીમાં ખાનગી બિલ્ડર્સ અને ડેવલપરને રસ પડતો નથી, કેમ કે તેઓ માટે આ પોલિસી આકર્ષક સાબિત થઈ નથી. આ સ્થિતિ ધ્યાન પર લઈ સરકારે આ પોલિસીની તાકીદે સમીક્ષા કરવી જોઈએ.
અમદાવાદ અને સુરત તથા વડોદરા જેવા શહેરોમાં ઓછાં યુનિટ ધરાવતી ખાનગી સોસાયટીઓ આ પોલિસી અંતર્ગત રિડેવલપમેન્ટ પામી રહી છે. રાજકોટમાં સરકારી રાહે આવો એક પ્લાન સફળ થયો છે, તેમાં જો કે રહેણાંક યુનિટ ખૂબ જ ઓછાં હતાં. પરંતુ જામનગરમાં સ્થિતિ અલગ અને વિશિષ્ટ છે.
સરકારની આ રિડેવલપમેન્ટ પોલિસીમાં એક જોગવાઇ એવી છે કે, ડેવલપરે કોઈ પણ સોસાયટી કે વસાહત રિડેવલપમેન્ટ કર્યા બાદ સાત વર્ષ સુધી તેના મેન્ટેનન્સની જવાબદારીઓ નિભાવવાની હોય છે. ડેવલપરને આ જોગવાઇ અનુકૂળ નથી. આ ઉપરાંત અન્ય એક જોગવાઇ એ છે કે, સોસાયટી અથવા વસાહતના કુલ રહેવાસીઓ પૈકી 75 ટકા રહેવાસીઓ સહમતિ આપે તો જ તે સોસાયટી અથવા વસાહતને રિડેવલપમેન્ટ પ્લાન લાગુ કરી શકાય. ઘણાં કિસ્સાઓમાં આટલાં બધાં રહેવાસીઓ સહમતી ન આપે, એવું પણ બને. આ ઉપરાંત આવો કોઈ એકાદ રહેવાસી મામલો અદાલતમાં ઢસડી જાય તો, ડેવલપર વરસો સુધી હેરાન થઈ જાય કેમ કે, આ પોલિસીમાં એક જોગવાઇ એ પણ છે કે, તમામ રહેવાસીઓને નવા મકાન અથવા ફ્લેટ સોંપવામાં ન આવે ત્યાં સુધી આ તમામ રહેવાસીઓને ડેવલપરે માસિક ભાડાં આપવા પડે. આ પ્રકારના અવરોધને કારણે આ પોલિસી સફળ થઈ રહી નથી.

જામનગરમાં સ્થિતિ એ છે કે, કોર્પોરેશન અને હાઉસિંગ બોર્ડના આવા જર્જરિત મકાનોમાં રહેતાં લોકોની સંખ્યા પણ બહુ મોટી છે, આટલાં બધાં લોકોને રિડેવલપમેન્ટ પોલિસીના અમલ માટે સહમતી આપવા તૈયાર કરવા એ પણ અઘરૂં કામ દેખાઈ રહ્યું છે. આ બધાં અવરોધો ધ્યાન પર લઈ જામનગર મહાનગરપાલિકાએ ઘણાં મહિનાઓ અગાઉ શહેરમાં રિડેવલપમેન્ટ પોલિસી સફળ બનાવવા કેટલાંક સૂચનો રાજ્ય સરકારને મોકલ્યા હોવાનું અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે. પરંતુ સરકાર અન્ય કામોમાં વ્યસ્ત હોય, રિડેવલપમેન્ટ પોલીસીની સમીક્ષા બેઠક યોજી શકતી નથી. આ સ્થિતિને કારણે જામનગર સહિતના શહેરોમાં આવી વસાહતોમાં રહેતાં હજારો લોકો પરેશાન છે. અને, બીજી તરફ હાલ ચોમાસું ચાલી રહ્યું છે.
