Mysamachar.in:નર્મદા
જામનગર સહિત રાજ્યભરમાં જો નર્મદાજળનો વધુ જથ્થો ઉપલબ્ધ થઈ શકે તો, જામનગર જેવાં મહાનગરોને દૈનિક અથવા ચોવીસ કલાક પીવાનું તથા સિંચાઈનું પાણી આપી શકાય. હાલમાં, દાયકાઓ જૂની ફોર્મ્યુલા મુજબ ખૂબ જ ઓછું નર્મદાજળ મળે છે. આ દાયકાઓ દરમિયાન ગુજરાતની વસતિ ડબલ બની છે અને સિંચાઈના પાણીની જરૂરિયાતવાળો વિસ્તાર ખૂબ જ મોટો બની ચૂક્યો છે.
નર્મદા વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલ હાલમાં પોતાની જળવિતરણ વ્યવસ્થાની સમીક્ષા કરવાની તૈયારીમાં છે. આ ટ્રિબ્યુનલની 1979ની ફોર્મ્યુલા મુજબ, હાલમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનને નર્મદાજળ આપવામાં આવી રહ્યું છે. આ ફોર્મ્યુલા મુજબ ગુજરાતને હાલ માત્ર 9 મિલિયન એકર ફીટ પાણી આપવામાં આવે છે. ચાર રાજ્યો વચ્ચે હાલ કુલ 28 મિલિયન એકર ફીટ પાણી વહેંચણી કરવામાં આવે છે. ગુજરાત ઈચ્છે છે કે, રાજ્યમાં વધુ પાણીની આવક આ સ્ત્રોતમાંથી થાય.
ગુજરાત સરકારનાં એક અધિકારીએ જણાવ્યું છે કે, રાજ્યમાં નર્મદા પાઈપલાઈન નેટવર્ક વધ્યું છે, સિંચાઈ હેઠળનો વિસ્તાર વધ્યો છે અને વસતિ પણ બમણી થઈ હોય, ગુજરાતને નર્મદાજળનો હિસ્સો વધવો જરૂરી છે. રાજ્યનાં નર્મદા વિભાગે આ સંદર્ભે દરેક સ્ટેક હોલ્ડરને પોતાની ફાઈલ અપડેટ કરવા સૂચના આપી છે. આ માટે મુખ્ય સચિવ સમયાંતરે ફોલોઅપ પણ લ્યે છે.
1979ની સાલમાં ટ્રિબ્યુનલ અને રાજ્યનાં નર્મદા વિભાગ વચ્ચે જે પત્રવ્યવહાર થયો હતો તેની ઓરિજિનલ કોપી પણ મુખ્ય સચિવે નર્મદા વિભાગ પાસેથી મંગાવી છે. આ ટ્રિબ્યુનલની રચના કેન્દ્ર સરકારે 06/10/1969 નાં દિવસે કરી હતી. અને આ ચાર રાજ્ય વચ્ચે નર્મદાજળ અંગે જે વિવાદો હતાં તે ટ્રિબ્યુનલ દ્વારા 07/12/1979 નાં દિવસે એવોર્ડ દ્વારા સૂલટાવવામાં આવ્યા હતાં અને એ ફોર્મ્યુલા હેઠળ આ ચારેય રાજયોને જળ વહેંચણી કરવામાં આવી રહી છે.