Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં દિનપ્રતિદિન અલગ અલગ હાઈવે પર અકસ્માતોની સંખ્યાનો આંકડો સતત ને સતત મોટો થઇ રહ્યો છે, આવા અકસ્માતોમાં કેટલીય માનવજિંદગીઓ હોમાઈ રહી છે ત્યારે આવા અકસ્માતોની સંખ્યા ઘટે તે માટે સરકારે એક ડગલું આગળ આવી છે પણ આ પ્રયાસોથી કેટલા અકસ્માતો નિવારી શકાશે તે આવનારા સમયમાં સ્પષ્ટ થશે.સરકારે જાહેર કરેલ વિગતો એવી છે કે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં માર્ગ સલામતી રોડ સેફ્ટી માટે જનહિતકારી નિર્ણય કર્યો છે. તેમણે રાજ્યના માર્ગો પરની રોડ સેફ્ટી સંલગ્ન વિવિધ કામગીરી માટે માર્ગ મકાન વિભાગને રૂ।. 188 કરોડના કામો હાથ ધરવા મંજુરી આપી છે.મુખ્યમંત્રીએ માર્ગો પર અકસ્માતોની સંખ્યા ઘટે અને વાહન ચાલકો માટે માર્ગ સલામતી વધે તેવો જનહિત અભિગમ અપનાવ્યો છે. ભૂપેન્દ્ર પટેલે એવા હયાત માર્ગો જ્યાં વધુ અકસ્માત થવાની સંભાવના હોય ત્યાં જરૂરી સુધારણાની કામગીરી માટે રૂ।. 100.53 કરોડ મંજુર કર્યા છે.
તદનુસાર ,વળાંક સુધારણા, ક્રેશ બેરિયર, સ્પોટ વાઇડનિંગ , તથા રોડ ફર્નિચર વગેરે કામગીરી ના કુલ 80 કામો 328.73 કિલોમીટર લંબાઇના માર્ગો પર હાથ ધરવા માટે આ રકમ ફાળવવામાં આવી છે, મુખ્યમંત્રીએ આ ઉપરાંત રાજ્યના માર્ગ મકાન વિભાગ હસ્તકના ફોર લેન અને સિક્સ લેન રોડ પર એન્ટીગ્લેર સિસ્ટમ લગાવવા કુલ 786.41 કિલોમીટરની લંબાઈના માર્ગો પર 76 કામો માટે 87.52 કરોડ રૂપિયા ફાળવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ નિર્ણયને પરિણામે રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટશે તેમજ યાતાયાત વધુ સુરક્ષિત બનશે.