જ્યાં જ્યાં ‘સરકારી’ અને
‘અર્ધસરકારી’ એવા શબ્દો જોડાયેલા હોય ત્યાં ત્યાં ‘વહીવટ’માં અનેક પ્રકારના કુંડાળાઓ ચાલતાં હોય અને સંબંધિતો કંઈક અલગ જ રીતે ‘વહીવટ’ કરી લેતાં હોય એવા હજારો દાખલા અત્યાર સુધીમાં રેકર્ડ પર આવી ગયા છે. સરકારની તિજોરીનો ‘રૂપિયો’ લાગતાવળગતા લોકો જુદી જુદી મોડસ ઓપરેન્ડી દ્વારા ‘જમી’ જતાં હોય એવા ઉદાહરણોનો તોટો નથી. આ પ્રકારનું વધુ એક ઉદાહરણ રાજ્યના સરકારી આરોગ્ય વિભાગમાં વધુ એક વખત સામે આવી ગયું. છેક ગાંધીનગર સુધી ‘રાડ’ પહોંચી અને સરકારે સંબંધિતોને આકરો ‘ડોઝ’ આપ્યો હોવાનું બહાર આવી ગયું.
અત્યંત આધારભૂત સૂત્રોના કહેવા અનુસાર, રાજ્ય સરકાર સંચાલિત સરકારી હોસ્પિટલો, મેડિકલ કોલેજો અને વિવિધ જિલ્લાઓમાં આવેલાં આરોગ્ય કેન્દ્રો એટલે કે નાની હોસ્પિટલો અને મહાનગરોમાં આવી હોસ્પિટલોમાં ચાલતાં પ્રધાનમંત્રી જનૌષધિ કેન્દ્રો- આ સંસ્થાઓમાં દવાઓ અને મેડિકલ સાધનોની આખા રાજ્યમાં કરોડો-અબજો રૂપિયાની ખરીદીઓ થતી હોય છે. આટલાં મોટા વહીવટમાં ઘણાં સંબંધિતો અંગત લાભો માટે એક અલગ જાતનો ‘વહીવટ’ ચલાવી રહ્યા છે- એવી વિગતો ગાંધીનગર સુધી પહોંચી ગઈ. ખુદ સરકારે પણ એકરાર કરવો પડ્યો કે, હા ખોટું તો થઈ જ રહ્યું છે. આ ખોટું અટકાવવા સરકારે સૌ સંબંધિતોને નવી સૂચનાઓ આપવી પડી. જામનગરમાં પણ આ સૂચનાઓ ગત્ સપ્તાહે આવી ગઈ. હવે જામનગરમાં પણ ‘ખરીદીઓ’માં ફેરફારો કરવા પડશે.
કેવી રીતે થઈ રહી છે ગોબાચારીઓ ??…
સરકાર પાસે જે વિગતો પહોંચી ગઈ તે દર્શાવે છે કે, સરકારી હોસ્પિટલો-મેડિકલ કોલેજો અને જનૌષધિ કેન્દ્રો ખરીદીમાં કુંડાળાઓ કરે છે. યોગ્ય ટેન્ડરીંગ પ્રક્રિયાઓનો ભંગ કરી, મન પડે તે રીતે સ્થાનિક સ્તરે ખરીદી કરી લેવામાં આવે છે. રેટ કોન્ટ્રેક્ટ પધ્ધતિને પણ બાજુ પર મૂકી, ભ્રષ્ટ રીતે ખરીદી થતી હોવાનું પણ સરકારના ધ્યાન પર આવ્યું અને જનૌષધિ કેન્દ્રોએ માત્ર જેનરિક દવાઓ જ વેચાણ કરવાની હોય છે પણ આ કેન્દ્રો પોતાના નિયત કાર્યક્ષેત્ર બહાર જઈ અમુક ખરીદી કરી લ્યે છે અને બારોબાર વેચાણ કરી નિયમોનો ભંગ કરે છે.
આથી સરકારે આ બધી જ અનિયમિતતાઓ અને ગેરરીતિઓ પર સજ્જડ બ્રેક લગાવવી પડી. સૌ સંબંધિતોને નવી સૂચનાઓ આપવી પડી છે. સરકારનો નિયમ એવો છે કે, GMSCL(સરકારી સ્ટોર અથવા વેરહાઉસ)માંથી જ ખરીદી કરવી અને rate contract નું પાલન કરવું. પણ આ નિયમનો ભંગ થઈ રહ્યો છે. અને, ભંગ શા માટે થતો હોય છે- એ સૌ જાણે છે. સરકારમાં ‘ભ્રષ્ટાચાર’ હઠીલો અથવા અસાધ્ય રોગ લેખાય છે.
જીજી હોસ્પિટલના વડા ડો. તિવારીએ આજે શું કહ્યું ??…
સમગ્ર રાજ્યમાં ગાજી રહેલાં આ વિષય અંગે આજે સવારે Mysamachar.in દ્વારા જીજી હોસ્પિટલના વડા ડો. દીપક તિવારીનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેમણે એકરાર કર્યો કે, ગત્ સપ્તાહે અમોને પણ સરકારમાંથી આ પ્રકારની ‘ખરીદીઓ’ સંબંધે લેખિત સૂચનાઓ મળી છે. અત્યાર સુધી સરકારની જૂની સૂચનાઓ અનુસાર ખરીદી થતી, હવે સરકારની નવી સૂચનાઓ મુજબ ખરીદી થશે. દવાઓ અને મેડિકલ સાધનોની ખરીદી પ્રક્રિયાઓમાં નવી સૂચનાઓ અનુસાર જરૂરી ફેરફારો કરવામાં આવશે. જો કે આ અંગે તેમણે વધુ કશું કહેવાનું ટાળી દીધું હતું. ટૂંકા જવાબો આપ્યા હતાં.