Mysamachar.in-
આપણાં સૌ માટે દીવાળી એક જબ્બર તહેવાર છે. લાખ્ખો ગૃહિણીઓ સહિત કરોડો ગુજરાતીઓ દીવાળી અને નૂતન વર્ષનો ઈંતજાર કરવા સાથે-સાથે રાતદિન તૈયારીઓમાં વ્યસ્ત છે. ઠેર-ઠેર વિવિધ આયોજનો અને ઉમંગથી બજારો છલકાઈ જવાની તૈયારીમાં છે. ખરીદીઓ નીકળી છે. વેપારીઓ પણ ખુશ થઈ રહ્યા છે. દીવાળીની અંધારી રાતોને રોશનીના ઝગમગાટથી અજવાળી દેવા સૌ ઉત્સાહ અનુભવી રહ્યા છે. વેપારીઓએ લાઈટોની નાની મોટી સિરીઝ સહિતની હજારો લાઈટ પ્રોડક્ટ્સ બજારોમાં ગોઠવી દીધી છે ત્યારે ચાઈનીઝ ચીજોનું આક્રમણ અને મેઈક ઈન ઈન્ડિયા વિશે પણ જાણવું જરૂરી છે.
જામનગર સહિત સમગ્ર રાજ્યની વાત કરીએ તો કોરોનાકાળ પહેલાં સિરીઝ સહિતની લાઈટ ક્ષેત્રની બજારોનું જે વેચાણ હતું તે બજાર હાલ 90 ટકા જેટલું ધમધમી રહ્યું છે. દસેક ટકા મંદી દેખાઈ રહી છે. દીવાળી જેમ-જેમ નજીક આવતી જશે, છેલ્લી ઘડીએ થતી ખરીદીઓને કારણે આ ચીજોના બજારોમાં અજવાળાં પથરાઈ જશે. અગાઉનાં વર્ષોમાં લાઈટ-સિરીઝની બજારોમાં ચાઈનીઝ ચીજોનું પ્રભુત્વ ગજબ હતું. હાલમાં મેઈક ઈન ઈન્ડિયાની અસરો દેખાઈ રહી છે છતાં હજુ પણ આ બજારોમાં ચાઈનીઝ ચીજોનું પ્રભુત્વ 60 ટકા જોવા મળી રહ્યું છે. આપણે મેઈક ઈન ઈન્ડિયાને વધુ વેગ આપવો આવશ્યક છે. આપણાં લાઈટ ઉત્પાદકોએ વધુ ઝીણું કાંતવું જરૂરી દેખાય છે તો જ ચાઈનીઝ આઈટમોનો બજાર પરનો દબદબો સાવ ઘટાડી લઘુત્તમ કરી શકાય.
અમદાવાદ તથા સૌરાષ્ટ્રનાં ખાસ કરીને એલઈડી લાઈટ અને સિરીઝના ઉત્પાદકો કહે છે, અમો મેઈક ઈન ઈન્ડિયા અભિયાનને આગળ વધારવા પર ધ્યાન આપી રહ્યા છીએ. ઘરઆંગણાના ઉત્પાદનોની વિશાળ શ્રેણી બજારોમાં ઉપલબ્ધ છે. જો કે આમ છતાં આજે પણ ચીનથી આ ક્ષેત્રમાં પુષ્કળ આયાત થાય છે. લાખોની સંખ્યામાં પાર્ટસ આવી રહ્યા છે, જેને ગુજરાતમાં એસેમ્બલ કરવામાં આવે છે અને વેચાણ કરવામાં આવે છે.
અમદાવાદનાં વેપારી સંગઠનો જણાવે છે, LED લાઈટની બજારો પાછલાં ચાર વર્ષ દરમિયાન 30 ટકા જેટલી વધી છે. જેમાં ચાઈનીઝ આઈટમોનો સિંહફાળો છે. વેપારીઓ જણાવે છે, બજારમાં રૂ. 70 થી માંડીને 1,000 સુધીની કિંમતોની LED લાઈટ વેચાઈ રહી છે. જો કે, રૂ. 120 થી રૂ. 500 સુધીની લાઈટ વધુ વેચાણ થઈ રહી છે.
નિષ્ણાંતો કહે છે, ખૂબ જ નીચાં ભાવોને કારણે ચાઈનીઝ આઈટમો સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં છેક નાનાં-નાનાં સેન્ટર સુધી મોટાં પ્રમાણમાં વેચાઈ રહી છે. ગુજરાત વેપારી સંગઠનો કહે છે, LED લાઈટ ઉપરાંત કટલરી અને કોસ્મેટિક ચીજોની બજારોમાં પણ ચાઈનીઝ આઈટમોનો દબદબો છે. જ્યાં સુધી કેન્દ્ર સરકાર આયાતો અંગે કડક નિયંત્રણો નહીં લાવે ત્યાં સુધી આપણાં લોકલ બજારોમાં ચાઈનીઝ ચીજોનું પ્રભુત્વ રહેશે જ.