Mysamachar.in-અમદાવાદ:
ગુજરાત સરકારે જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કાર્યરત અને નવી શરૂ થવા જઈ રહેલી નર્સરી અને પ્રિસ્કૂલ માટે, કાલે સોમવારથી ફરજિયાત ઓનલાઈન નોંધણીનો આદેશ આપી દીધો છે પરંતુ હાલ આ સંઘ કાશી પહોંચે તેવું દેખાતું નથી, કેમ કે શાળા સંચાલક મંડળો નોંધણીના વિરોધમાં મેદાનમાં આવ્યા છે, નોંધણી માટેની જોગવાઈઓ આ મંડળોને મંજૂર નથી. આથી સરકારની આ નોંધણી પ્રક્રિયાનો રાજ્યભરમાં બહિષ્કાર થયો છે.
રાજ્યના 3 મોટા શાળા સંચાલક મંડળે તમામ પ્રિસ્કૂલને સૂચનાઓ આપી છે કે, કોઈએ પણ હાલ રજિસ્ટ્રેશન કરાવવું નહીં. કારણ કે, નોંધણી માટેની જોગવાઈ મંજૂર નથી, આ માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. આગામી દિવસોમાં આ ત્રણેય મંડળ એક સંયુકત બેઠક યોજશે. આ બેઠકમાં, પ્રિસ્કૂલ રજિસ્ટ્રેશન માટેની જે જોગવાઈઓ છે તે પૈકી જેની સામે વાંધો છે તે જોગવાઈઓ અલગ તારવી, તે મુદ્દાઓ પર સરકારમાં રજૂઆત કરવા નિર્ણય લેવામાં આવશે.
સંચાલક મંડળો કહે છે: રજિસ્ટ્રેશન માટે એક વર્ષની સમય મર્યાદા છે, ઉતાવળનો કોઈ અર્થ નથી. નિરાકરણ આવ્યા બાદ, મંડળો રજિસ્ટ્રેશન માટે સૂચનાઓ આપશે, ત્યારબાદ જ સ્કૂલ સંચાલકો રજિસ્ટ્રેશન કરાવે, એવી હાલ તાકીદ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી એવી છે કે, રજિસ્ટ્રેશનને લઈને શિક્ષણ વિભાગ દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં રજિસ્ટ્રેશન માટેની જોગવાઈઓ પણ જાહેર કરવામાં આવી છે. જે પૈકી અમુક જોગવાઈઓ સામે સંચાલક મંડળોને વાંધો છે. તેથી મંડળો ચાહે છે કે, રજિસ્ટ્રેશન પહેલાં આ વાંધાઓનું નિરાકરણ આવે.
રાજ્યના 3 સંચાલક મંડળો ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ અને અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે હાલ રજિસ્ટ્રેશન ન કરાવવા, સંચાલકોને આ સૂચનાઓ આપી છે. સરકારે પ્રિસ્કૂલ રજિસ્ટ્રેશન માટે એક જોગવાઈ એવી રાખી છે કે, સંચાલકે નોંધણી માટે વર્ગદીઠ રૂ. 5,000 ભરવાના રહેશે. આ જોગવાઈ સામે મંડળોને વાંધો છે, મંડળો કહે છે, આ ફી સ્કૂલ દીઠ હોવી જોઈએ, વર્ગદીઠ નહીં.
આ ઉપરાંત સ્કૂલનો પંદર વર્ષનો ભાડાકરાર સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલો હોવો જોઈએ. એવી પણ એક જોગવાઈ છે. જેમાં મંડળો કહે છે: હાલમાં જ્યાં પ્રાથમિક શાળાઓ ચાલે છે ત્યાં તો ભાડાકરાર મળી રહેશે, પરંતુ અન્ય સંસ્થાઓને આ મુદ્દે મુશ્કેલીઓ પડી શકે છે. આમ, આ આખો મામલો હાલ વિલંબ તરફ આગળ વધી રહ્યો છે. સરકાર તથા મંડળો વચ્ચેના આ મતભેદો બાબતે આગામી સમયમાં સરકાર શું વલણ અખત્યાર કરે છે, તેના પર અમલનો સઘળો આધાર હોવાનું હાલ સમજાઈ રહ્યું છે. અત્રે એ પણ નોંધનીય છે કે, હાલમાં રજિસ્ટ્રેશનના અભાવે આ ક્ષેત્રમાં વિવિધ અનિયમિતતાઓ ચાલી રહી છે, ખોલકાં જેવા મકાનોમાં પણ આવી સ્કૂલ ચાલે છે અને કેટલીક પ્રિસ્કૂલ વાલીઓ પાસેથી, કોઈ જ નિયમનના અભાવે બેફામ નાણાં વસૂલી રહ્યા છે.