Mysamachar.in-જામનગર:
કોઈ પણ પુરૂષ અને સ્ત્રીના લગ્ન, એરેન્જ મેરેજના કેસમાં, બંને પરિવારો વચ્ચેના વિશ્વાસના પાયા પર રચાતા હોય છે, પરંતુ સગાઈ અને લગ્ન જેવી મહત્વપૂર્ણ બાબતમાં પણ અમુક પરિવારો કુંડાળાઓ ચીતરવામાં માહિર હોય છે, જેને પરિણામે આવા ઘણાં કિસ્સાઓમાં વિવાદો થતાં હોય છે, છેતરપિંડીઓ અને વિશ્વાસઘાતના કિસ્સાઓ પોલીસ સ્ટેશને પહોંચતા હોય છે અને ઘણાં કિસ્સાઓમાં અદાલતોમાં પણ કાનૂની જંગ ખેલાતા હોય છે. આવો એક કિસ્સો, જામજોધપુર તાલુકાના એક મંદિરમાં બન્યો, એમ ફરિયાદમાં જણાવાયું છે.
ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના રમળેચી ગામમાં રહેતાં 36 વર્ષના વેપારી નીરજ(લાલો) મનસુખભાઈ કમાણીએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં 11મી નવેમ્બરે એવી પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, લગ્નની બાબતમાં એમની સાથે છેતરપિંડી થઈ છે, આ છેતરપિંડી બાબતે એમણે પોતાના સસરા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી. આરોપી સસરાનું નામ કાંતિલાલ કાનજી ઘેટીયા છે. જે રાજકોટના લોધીકા તાલુકાના સાંગસીયાળી ગામમાં કલ્પવન સોસાયટીમાં વસવાટ કરે છે.
ફરિયાદી નીરજ કમાણીએ ફરિયાદમાં લખાવ્યું છે કે, આરોપી કાંતિલાલ ઘેટીયાની પુત્રી ખુશ્બુ સાથે તેના એટલે કે ફરિયાદીના લગ્ન 2021ના જાન્યુઆરી માસમાં થયેલા. જેતે સમયે, આરોપીએ એમ જાહેર કરેલું કે, તેની પુત્રી ખુશ્બુ અપરણીત છે, અને ત્યારબાદ આ લગ્ન સીદસરના શ્રી ઉમિયા મંદિર ખાતે થયેલાં. બાદમાં ફરિયાદ પક્ષના ધ્યાન પર આવ્યું કે, આ મહિલા અગાઉ પરણેલી અને છૂટાછેડા મેળવેલી છે, એમ છતાં જેતે સમયે આરોપીએ ફરિયાદી સાથે છેતરપિંડી કરવા લગ્ન નોંધણી ફોર્મમાં પોતાની પુત્રીને અપરણીત દર્શાવી હતી.