Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાનું વહીવટ તંત્ર સામાન્ય પ્રજાને ગાઠતુ ન હોવાની વારંવાર ફરિયાદો ઉઠે છે…તે સમજી શકાય,પરંતુ પ્રજાનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્યને પણ તંત્ર ઉઠા ભણાવતા હોય તેવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
પ્રજાના પ્રશ્નો,સમસ્યાને વાંચા આપવા માટે અને નિકાલ માટે ધારાસભ્યો માટે જીલ્લા-ફરિયાદ સંકલન સમિતિનું ફોરમ બનાવામાં આવ્યું છે.જેમાં ધારાસભ્યો પોતાના મતવિસ્તારની પ્રજામાંથી આવેલ રજૂઆતો, પ્રશ્નો, ફરિયાદ-સંકલન સમિતિની બેઠકમાં રજૂ કરીને પ્રશ્નના નિકાલની રજૂઆત કરતાં હોય છે.
તેવામાં જામનગર-૭૭ ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભભાઇ ધારવીયાએ ગત ફરિયાદ-સંકલનની બેઠકમાં જામનગર જીલ્લામાં પવનચક્કી ઉભી કરવા માટે અલગ અલગ જગ્યાએ કંપનીઓને અપાયેલ મંજૂરી અન્વયે પવનચક્કીની કંપનીઓ દ્વારા આંતરિક રસ્તાઓ માટે રો-મટીરિયલ્સ, ખનન કરવામાં આવે છે તેની મજૂરી લેવામાં આવેલ છે કે કેમ તેની માહિતી માંગવામાં આવી હતી.
જેમાં ધારાસભ્ય ધારવીયાએ વિગતવાર પ્રશ્ન એવા કર્યા હતા કે, પવનચક્કી ઉભી કરવા માટે લીઝ આપવામાં આવેલ હોય,તેના આંતરિક રસ્તા બનાવવા માટે માટી, મોરમ ઉપાડવા માટે લગત વિભાગની મંજૂરી લેવામાં આવેલ છે. ક્યા ક્યા તાલુકામાં પવનચકકીઓને મંજૂરી અપાયેલ છે, કંપની દ્વારા ડામર રોડ સુધીના મેટર રોડ બનાવેલ છે, તેના રો-મટીરિયલ્સનો જથ્થો કેટલા ટન ઉપાડેલ છે અને આ રો-મટીરિયલ્સ ઉપાડવા માટે લગત વિભાગને રોયલ્ટી ભરેલ છે કે કેમ?તેનો સંપૂર્ણ વિગતવાર અહેવાલ જીલ્લા કલેક્ટરના તંત્ર પાસે માંગવામાં આવ્યો હતો,
ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયાને જુદાજુદા વિભાગો દ્વારા અત્રેની કચેરીએ લગત પ્રશ્ન નથી તેવા જવાબો આપીને હાથ ઉચા કરી લઈને જવાબદારી ખંખેરી લેવાનો પ્રયાસ કર્યો છે. તેમાં ધારાસભ્ય ધારવીયાને જામનગર જીલ્લામાં વગોવાયેલા ખાણ ખનીજ વિભાગે જણાવ્યુ હતું કે,પવનચક્કી ઉભી કરવા માટે કંપનીએ લીઝ મેળવવા માટે અરજી કરેલ નથી અને આંતરિક રસ્તા બનાવવા માટે ખનીજની મંજૂરી મેળવેલ નથી તેવો જવાબ આપ્યો છે અને પવનચક્કીની કંપની દ્વારા ખનન કરવામાં આવે છે તેનો જવાબ આપવાનું ખાણ ખનીજ વિભાગે ટાળ્યુ છે,
આમ જામનગર જીલ્લામાં જોહુકમી ચલાવતી હોવાની પવનચક્કીની કંપનીઑ સામે વ્યાપક ફરિયાદ ઉઠેલ હોય, ગ્રામપંચાયતોની હદમાં પવનચકકીની કંપનીઓ દ્વારા દાદાગીરી આચરવામાં આવતી હોવાની ફરિયાદો વચ્ચે જીલ્લાનું વહીવટ તંત્ર આ કંપનીનું કથિત પીઠું બનીને ધારાસભ્યને પણ વિગતવાર માહિતી આપવામાં ગલ્લા-તલ્લા કરીને આ ગંભીર પ્રશ્નને ફરિયાદ-સંકલન જેવી સમિતિમાં મજાકમાં ઉડાળી નાખતા ચકચાર જાગી છે.
શું છે ફરિયાદ-સંકલન સમિતિ?
સરકારની સૂચનાથી રાજ્યના દરેક જીલ્લામાં ફરિયાદ-સંકલન સમિતિનું ફોરમ હોય છે.આ રીતે જામનગર જીલ્લામાં પણ કલેક્ટરની અધ્યક્ષ સ્થાને જીલ્લા ફરિયાદ-સંકલન સમિતિ બનેલ છે.જે દર ત્રીજા શનિવારે મળતી હોય છે.તેમાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ધારાસભ્યો,જીલ્લા પંચાયતના પ્રમુખ,જીલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન,સાંસદ અપેક્ષિત હોય છે.આ તમામ પ્રજાના પ્રતિનિધિ પાસે જીલ્લાભરમાંથી મળતી રજુઆતો પહેલા લગત તંત્રને કરવા છતાં નિકાલ ન થાય તો ફરિયાદ-સંકલન સમિતિમાં અંતે પ્રશ્ન મૂકવામાં આવે છે.સામાન્ય રીતે ત્યારે પ્રશ્નનો નિકાલ થાય છે અને આ સમિતિનો નિયમિત સરકારમાં રિપોર્ટ પણ થતો હોય છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.