Mysamachar.in-ગાંધીનગર:
સામાન્ય લોકમત એવો છે કે, હાઈવે પર વાહનો બેફામ દોડતાં હોય છે અને વાહનચાલકો નિયમોનું પાલન કરતાં નથી એટલે અકસ્માતો થાય છે.પરંતુ દેશના પરિવહનમંત્રી ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં રોડ અંગેના એક રાષ્ટ્રીય કાર્યક્રમમાં અકસ્માતો અંગે કાંઈક જુદું બોલ્યા છે, તેઓએ અધિકારીઓ પર ફાયરિંગ કર્યું.
ગાંધીનગર ખાતે ઈન્ડિયન રોડ કોંગ્રેસની 82મી વાર્ષિક બેઠકને સંબોધતા કેન્દ્રીય પરિવહનમંત્રીએ રસ્તાઓનું નિર્માણ કરતાં અધિકારીઓ પર આકરાં શાબ્દિક પ્રહારો કર્યા. તેઓએ રસ્તાઓની ડિઝાઈનને ઘટીયા એટલે કે ખૂબ જ નબળી લેખાવી અને રસ્તાઓના નિર્માણ માટેના DPR (ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ)અંગે પણ ટીકાઓ કરી.
કેન્દ્રીય પરિવહનમંત્રી નિતીન ગડકરીએ ગાંધીનગરમાં આ કાર્યક્રમમાં કહ્યું: મોટાભાગના માર્ગ અકસ્માતો ખરાબ રોડ એન્જિનિયરિંગને કારણે થાય છે, વાહનચાલકોની ભૂલોને કારણે ઓછાં અકસ્માતો થતાં હોય છે. તેઓએ વિકાસકામોના DPR બનાવતાં અધિકારીઓની આકરી ટીકાઓ કરી.
ગડકરીએ આ કાર્યક્રમમાં કહ્યું: DPR બનાવનારાઓ માટે મારે કેવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ ?! આટલું ઘટીયા કામ કરનારાઓ મેં કયારેય આ અગાઉ જોયા નથી. તેઓ પોતાના ઘરોમાં બેસી ગૂગલ નકશાઓ જોઈ DPR બનાવી નાંખે છે. રસ્તાઓ અને ફ્લાયઓવરના નિર્માણમાં ડિઝાઇન ખૂબ જ મહત્ત્વની હોય છે, અન્યથા અકસ્માતો થાય.
તેઓએ કહ્યું: કામોની કવોલિટી સાથે બાંધછોડ કર્યા વગર, સમયસર કામો પૂરાં કરી અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી, પ્રોજેક્ટની પડતર કિંમત નીચે લાવી શકાય છે. ડિઝાઈન અને કવોલિટીની બાબતોમાં બાંધછોડ કર્યા વગર DPR 101 ટકા પરફેક્ટ બનાવવો જોઈએ. દેશમાં વર્ષે 15 લાખ અકસ્માત થાય અને દોઢ લાખ લોકો તેમાં જીવ ગુમાવે, આ બાબત યોગ્ય છે ?! અકસ્માતોને કારણે દેશની આવકમાં ગાબડાં પડે છે, આ અકસ્માતોમાં વર્ષે 3 લાખ લોકો પોતાના શરીરના અંગો ગુમાવી દે છે, શું આ બધું ચિંતાપ્રેરક નથી ??
ગડકરીએ કહ્યું: માર્ગ અને મકાન વિભાગ તથા કોર્પોરેશનોના ઈજનેરોએ રસ્તાઓ તથા ફલાયઓવરના નિર્માણ વખતે અને નિર્માણ બાદ પણ, એવા સ્થળો(સરકાર ન કહે તો પણ)પોતાની મેળે શોધી કાઢવા જોઈએ જયાં જિવલેણ અકસ્માત થતાં હોય. અકસ્માતનું કારણ રોડની ઘટિયા ડિઝાઈન ન હોવી જોઈએ. તેઓએ એમ પણ કહ્યું કે, રસ્તાઓના નિર્માણ વખતે વૃક્ષો હટાવવાની જરૂરિયાત ઉભી થાય તેવા સંજોગોમાં એ વૃક્ષો ત્યાંથી હટાવી અન્ય સ્થળોએ વાવી દેવા જોઈએ, નેશનલ હાઈવે ઓથોરિટીએ આ રીતે 78,000 વૃક્ષોનું સ્થળાંતર કર્યું છે.