Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે કાર્યરત આરોગ્ય વિભાગના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર, રાજ્યમાં વધુ 9 મેડિકલ કોલેજ બનશે. આ તમામ મેડિકલ કોલેજ બ્રાઉનફીલ્ડ મેડિકલ કોલેજ તરીકે PPP મોડેલ આધારિત હશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત્ ઓક્ટોબર માસમાં રાજ્યના આરોગ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સહિત રાજ્યના 9 જિલ્લાઓમાં મેડિકલ કોલેજ બનશે. ત્યારબાદ છેલ્લા નવેક મહિનાથી આ બાબતમાં કોઈ ગતિવિધિઓ જાહેર થઈ ન હતી. હાલમાં ગાંધીનગરથી વિગતો બહાર આવી કે, આ PPP મોડેલની 9 મેડિકલ કોલેજ માટે ખાનગી પાર્ટીઓ નક્કી થઈ ગઈ છે. સંભવિત પાર્ટીઓ નક્કી કરવા સાથે સરકારે આ માટે મેડિકલ કોલેજ સાથે કઈ હોસ્પિટલને કેવી રીતે જોડવી તે અંગેનો નિર્ણય પણ કરી લીધો હોવાની જાણકારીઓ મળી રહી છે. આ 9 મેડિકલ કોલેજ ખંભાળિયા ઉપરાંત વેરાવળ, બોટાદ, નડિયાદ, આહવા, લુણાવાડા, આણંદ, મોડાસા અને છોટાઉદેપુર ખાતે બનશે.
-મેડિકલ એજયુકેશનના ડાયરેક્ટર જણાવે છે કે…
રાજ્યના મેડિકલ એજ્યુકેશન ડાયરેક્ટર ડો.આર.એન.દિક્ષિત કહે છે: બ્રાઉનફીલ્ડ મેડિકલ કોલેજ પોલિસીને સરકાર દ્વારા લંબાવવામાં આવશે અને ત્યારબાદ આ પોલિસી અંતર્ગત આ 9 મેડિકલ કોલેજ બનાવવામાં આવશે. આરોગ્યમંત્રીએ અગાઉ જાહેર કરેલું છે એ મુજબ, બ્રાઉનફીલ્ડ મેડિકલ કોલેજ તરીકે આ બધી કોલેજ ચોક્કસ શરતોને આધીન રહી કામ કરશે. આ શરતોમાં જણાવાયું છે કે, આ મેડિકલ કોલેજ સાથેની હોસ્પિટલે દરેક પ્રસૂતાને પ્રસૂતિ બાદ 20 દિવસ સુધી વિનામૂલ્યે સારવાર આપવાની રહેશે. આ ઉપરાંત એક વર્ષની ઉંમર સુધીના બાળકોને પણ વિનામૂલ્યે સારવાર આપવાની રહેશે. આ હોસ્પિટલમાં NICU તેમજ ડાયાલિસીસ સારવાર માટે 10 બેડની વ્યવસ્થાઓ કરવાની રહેશે. આ સાથે જ હાર્ટ, મગજ, કેન્સર અને અંગ આરોપણ સિવાયની તમામ સારવાર આ મેડિકલ કોલેજ સાથેની હોસ્પિટલમાં વિનામૂલ્યે આપવાની રહેશે.
-બ્રાઉનફીલ્ડ મેડિકલ કોલેજ એટલે શું ?…
રાજ્ય સરકારે 2017ની સાલમાં બ્રાઉનફીલ્ડ પોલિસી દાખલ કરી હતી. ત્યારબાદ આ પોલિસીને 2022માં રિવાઈઝડ્ કરવામાં આવી હતી. જેનો સમયગાળો માર્ચ-2025માં પૂર્ણ થયો છે. એટલે સરકારે આ 9 મેડિકલ કોલેજ બનાવવા ફરીથી આ પોલિસીની મુદ્દત લંબાવવી પડશે. આ પોલિસીનો મતલબ એ છે કે, જે હૈયાત હોસ્પિટલ હોય તેને નવી બનનારી મેડિકલ કોલેજ સાથે જોડવામાં આવે. આ મેડિકલ કોલેજનું સંચાલન કરનાર ખાનગી પાર્ટીઓ આ હોસ્પિટલમાં જરૂરી સારવાર અને ઓપરેશન વગેરેની જવાબદારીઓ સંભાળે. હાલમાં અમરેલી, ભરૂચ અને દાહોદ સહિતના શહેરોમાં આ પ્રકારની બ્રાઉનફીલ્ડ મેડિકલ કોલેજ કાર્યરત છે.