Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકા એક એવી ‘ગાય’ છે જેનાં શરીર પર અનેક પ્રકારની જીવાતો રાતદિવસ ચોંટેલી રહે છે અને બગાઈ પ્રજાતિની આ જીવાતો ચોવીસેય કલાક આ ગાયનું લોહી ચૂસતી રહે છે અને પોતે તાજીમાજી રહે છે તથા ગાય કનડગત સહન કરે છે. આ પ્રકારની વધુ એક વિગત હમણાં છેક બહાર આવી.
કોઈ પણ સંસ્થામાં નાણાંની આવકજાવકનું ખુદ સંસ્થા દ્વારા પણ ઓડિટ થતું હોય છે અને અન્ય એજન્સીઓ પણ આ સંસ્થાઓનું ઓડિટ કરતી હોય છે. એ જ રીતે જામનગર મહાનગરપાલિકાએ નાણાંકીય વર્ષ 2022-23 માં આવકો અને ખર્ચ- કેવી રીતે ‘મેનેજ’ કર્યા તેના હિસાબો તપાસી, મહાનગરપાલિકાની ઓડિટ શાખાએ આ ઓડિટ રિપોર્ટ, હાલ 2025માં જાહેર કર્યો.
ઓડિટ રિપોર્ટ મહાનગરપાલિકાની લાઈટશાખાના એક અંધારા પર પ્રકાશનો શેરડો ફેંકે છે. આ અજવાળામાં લાઈટશાખાના એક વૈભવી વાહનનો મામલો સૌના ધ્યાન પર આવ્યો. આ વાહન ફોર વ્હીલર છે અને સેવન સીટર એટલે કે સાત સીટવાળું છે. સેવન સીટર વાહન કિંમતમાં મોંઘુ હોય છે અને તેના કદ-વજનને કારણે તેની એવરેજ ઓછી હોય- એટલે તેનો અર્થ એમ થાય કે કિંમત અને એવરેજ બંને રીતે આ વૈભવી વાહન કોર્પોરેશનને મોંઘુ પડે. સામાન્ય રીતે આવા વાહનો મોટા અધિકારીઓને ‘ખુશ’ રાખવા મોભા અનુસાર સંસ્થા વસાવતી હોય છે પરંતુ આ જ વાહન કોઈ કરાર આધારિત કર્મચારી(નાયબ ઈજનેર)ને આપવામાં આવે ત્યારે, પ્રશ્નો ઉભા થતાં હોય છે. આવો પ્રશ્ન કોર્પોરેશનની લાઈટશાખામાં ઉભો થયો છે.
ઓડિટ રિપોર્ટમાં લાઈટશાખાની આ વાહનકથા વિષે લખાયું છે કે, આ શાખામાં 7 સીટવાળા વાહનની જરૂરિયાત નથી. છતાં આ શાખામાં આ વાહન શા માટે છે ? ઓડિટ શાખાએ આ વાહનમાં GPRS બેસાડવા અંગે સૂચન કરેલું છે. આ ઉપરાંત ટેન્ડરમાં વાહનના વપરાશના એવરેજ કિલોમીટર બાબતે પણ કોઈ કુંડાળાઓ હોય એવું રિપોર્ટ પરથી સમજાઈ રહ્યું છે. આ મુદ્દો કોર્પોરેશન પરનો આર્થિક બોજો વધી ગયો છે તે બાબત સાથે જોડાયેલો છે.
રિપોર્ટ કહે છે: વર્ષ 2021-22 માં આ શાખાએ આ વાહન માસિક 2,000 કિલોમીટર સરેરાશ રીતે ચાલશે એમ ગણતરી કરીને એ રીતે ટેન્ડરમાં ભાવો મંગાવેલા. બીજે વર્ષે 2022-23 માં શાખાએ કહ્યું કે, વાહન દર મહિને સરેરાશ ત્રણેક હજાર કિલોમીટર ચાલશે. એ રીતે ટેન્ડર બહાર પાડ્યું. ખરેખર આ વાહન મહિને 1,000-1,500 કિલોમીટર ચાલે છે. તો પછી ટેન્ડરમાં ભાવો મંગાવતી વખતે શાખાએ વધુ વપરાશ જણાવીને ભાવ શા માટે મંગાવ્યા ? એ બાબતે રિપોર્ટમાં પૂછાયું છે.
આ ઉપરાંત ઓડિટ રિપોર્ટ કહે છે: આ શાખાએ ટેન્ડર મંગાવતા 3 પાર્ટીએ ટેન્ડર ભર્યા. જેમાંથી 2 પાર્ટી નાપાસ થઈ. તો પછી એક જ પાર્ટીના ભાવ શા માટે ધ્યાનમાં લેવામાં આવ્યા ? ઓડિટ શાખાએ આ અંગે જરૂરી સ્પષ્ટતાઓ માંગી છે. આ ઉપરાંત માલસામાન ખરીદી, રોજકામ, કવોટેશન તથા ભાવ સંબંધિત બાબતોમાં આઈટમોનો સમાવેશ વગેરે બાબતો અંગે ઓડિટ શાખાએ લાઈટશાખાને ઘણી પૂછપરછ કરી છે. ટૂંકમાં, અજવાળા પાથરતી શાખાનું અંધારું આ રિપોર્ટમાં બહાર આવી ગયું. હવે કાંઈક નવાજૂનીની શકયતાઓ નકારી શકાય નહીં.
આજે સવારે Mysamachar.in દ્વારા આ બધી બાબતો અંગે લાઈટશાખાના મુખ્ય અધિકારી નાયબ ઈજનેર ઋષભ મહેતાનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવેલો. એમણે કહ્યું કે, તેઓ પોતે પણ કરાર આધારિત નાયબ ઈજનેર છે. શાખા પાસે 7 સીટર વાહન છે. શાખામાં 7 ઈજનેર છે. આ વાહન સર્વે કામગીરીઓ માટે રાખવામાં આવ્યું છે.તેમ તેવો જણાવે છે.